RSS

Monthly Archives: ઓગસ્ટ 2012

મેરી આવાઝ હી પહેચાન હૈ…( એક પાનાની વાર્તા )

images

સ્પેશિઅલ રુમ નં – ૧૩ મા સિસ્ટર ‘યાના’ આવી, અને તે સમયે પ્રીતિ આરામખુરશીમાં બેસીને લેખક હરીન્દ્ર દવે નુ “માધવ ક્યાયં નથી” પુસ્તક વાંચતીહતી. વાંચવામાં એકદમ લીન થઇ ગઈ હતી.

સિસ્ટરે આવીને પૂછ્યું,”પેશન્ટ કહાં હૈ?”

ત્યારે જ પ્રીતિ નુ ધ્યાન છૂટ્યું.તે ચમકી ગઈ,અને તરત ઉભીથઇ કહ્યું કે

,”સિસ્ટર મૈ પેશન્ટ હું.” સિસ્ટર યાના તો જોઈ જ રહી !”

ચલોચલો,બેડપર આ જાઓ,આરામ નહિ કરતી ક્યા ?કલ ભી મૈ જબ આઈ થી તો તુમહારે હસબંડ ને બતાયા કે,તુમ જનરલ  વોર્ડ મે સબસે બાતેં કરને ગઈ હો! આરામ કરના માંગતા હૈ પ્રીતિ! ચાર દિન કે બાદ ઓપેરશન હૈ ના?”

અને પ્રીતિ સાચેજ ડાહી થઈને સુઈ ગઈ,સિસ્ટરે બ્લડ સેમ્પલ લીધું,બી.પી.માપ્યું,તાવમાપ્યો,થોડો તાવ તો પ્રીતિને રહેતો જ હતો.ચાર દિવસ પછી તેના ગળામાં રહેલ કેન્સરની ગાંઠ નું ઓપરેશન હતું !

પ્રીતિને તો બેડ પર  પડ્યાં ,પડ્યાં ઊંઘ આવી ગઈ.અને ઊંઘમાં જ તે પોતાને ઘેર પહોંચી ગઈ જ્યાં

તેનીમાત્રબેજવર્ષનીદીકરી’ખુશી’અનેતેનાબા’ગોદાવરીબેન’છે.તેનીદીકરીતેનેખુબયાદઆવતીહતી.છમાસથી પ્રીતિનેરોજતાવઆવતો.ઘરગથ્થું ઉપચારો તે કર્યા કરતી,પણ આ સાધારણ તાવ નહોતો,એટલે તેના પતિ પરાગે જીદ કરીને ડોક્ટરનેબતાડ્યું,અને આ બધાં ઊંડાણો નીકળી પડ્યાં.પછી તો ટેસ્ટ અને દવા ને ઈન્જેક્શનો ને ઘણું બધું….બાયોપ્સી થઈ અને એમાં ન ધારેલું પરિણામ આવ્યું.તેમાં સ્વર – પેટી નું  કેન્સર ડીટેકટ થયું.ઓપરેશન નક્કી થયું,પણ ડોક્ટરે સફળતાની બહુ ગેરંટી આપી નહોતી. હા,તેમણે એટલું કહ્યું હતું કે,ઓપરેશન થયા પછી કદાચ તેની સ્વર-પેટી પર અસર થાય! અને કદાચ… અવાજ પણ  ગુમાવશે…..!

પ્રીતિ ખુબ સારી વક્તા હતી.તે યુનિવર્સીટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ક્લાસમાં ફિલોસોફીના લેક્ચર આપતી. તેને પોતાના વિષયનું જ્ઞાન એટલું બધું હતું કે તેને ફેકલ્ટી તરીકે પણ ઘણી જગ્યાએથી આમંત્રણો મળતાં  તેખુબજ મળતાવડીઅને હસમુખીહતીદરેકને મદદરૂપ થવા પ્રેમથી આગળ આવતી.તેબધાને પોતાના જ માનતી,અને બધાં તેને પણ ખુબ પ્રેમ આપતા.આમ તે પોતાના “પ્રીતિ” નામને પણ સાર્થક કરતી.તેના લગ્ન પરાગ સાથે થયાં. બંનેએકબીજાને ખુબ ચાહતા અને એકબીજાના કામનો અને એકબીજાના જ્ઞાનનો ખુબ આદર કરતાં.અને તેમના ઘરમાંપુત્રી રુપે  ‘ખુશી’આવી.એટલી સુંદર અને રમતિયાળ કે પતિ-પત્ની બંનેનું જીવન દીકરી ના કિલ્લોલથી ભરાઈ ગયું. બસ! અને હાલરડાનાં સૂર ઘરમાં નિત્ય ગુંજવા લાગ્યાં. ખુશીને એટલી ટેવ પડી ગઈ કે,એને સુવું હોય તેવખતે પ્રીતિ હાલરડું ગાય ત્યારે જ ખુશી  સુએ.અને તે પણ રોજ એક જ હાલરડું,

“મંદિર જાઉં ઉતાવળી ને ,જઈ ચડાવું ફૂલ,

મહાદેવજી પરસન થયાં ત્યારે આવ્યાં તમે અણમોલ !

તમે મારું નગદ નાણું છો,તમે મારું કુલ-વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઈને રહો !”

અને ખુશી ઘસઘસાટ સુઈ જાય, ચહેરા પર મરકાટ સાથે !

ઓપરેશન નક્કી થયું ! અને એવું પણ નક્કી કર્યું કે, પરાગ અને પ્રીતિ હોસ્પીટલમાં રહે અને ગોદાવરી બા ખુશીને સાચવે. આમ તો પ્રીતિ કઠણ મનની,અને પાછી ફિલોસોફર! છતાંય ‘મા’ તો હતી જ ને ?!તે લોકો મુંબઈ જવા નીકળવાના હતાં,ત્યારેખુશી સુઈ ગઈ હતી.પ્રીતિએ એનું પ્રિય હાલરડું ગાયું હતું ને ?! પણ અત્યારે તે પોતાના મન ઉપર કન્ટ્રોલ નહિ કરી શકે એમ લાગતાં, મન મારીને છેલ્લીર ખુશીને જોયા વગર જ ઘરમાંથી નીકળી ગઈ. તેનું મન દીકરીને પોકારતું રહ્યું, અને તેની આંખ એકદમ ખુલી ગઈ ! સ્વપ્ન માંથી તે બહાર આવી ગઈ અને ખુબ જ ડીસ્ટર્બ થઈ ગઈ.

ત્યાં તો પરાગ પણ કેન્ટીનમાં જમીને પાછો આવી ગયો.પ્રીતિએ તેનેકહ્યુંકે, ‘પરાગ,ઘરેફોન કર ને ! આજે ખુશી બહુ યાદ આવે છે, તે શુંકરતી હશે ?બા ને  પૂછને ?’ પરાગે ફોન જોડ્યો અને પ્રીતિના હાથમાં આપ્યો.બા એ ફોન ઉપાડ્યો ને ખુશીના રડવાનો અવાજ આવવા લાગ્યો,પ્રીતિએ ઘડિયાળ જોયુંતો  રાતના ૯:૩૦ વાગ્યા હતાં.તેને ખુબ જ નવાઈલાગી,તેણે પૂછ્યું, ‘બા હજીખુશી સુતી નથી ?કેમ આટલું બધું રડે છે?’ બા એ પણ ગળગળા અવાજે કહ્યું , ‘પ્રીતિ, તારું હાલરડું તેને યાદ આવતું હશે બેટા!એટલે,તારી ખોટ તેને લાગતી હશે, બાળક બોલી ન શકે, પણ તેના રડવામાં ઘણા ભાવ હોય છે.!’ આ સાંભળી પ્રીતિજરા ઢીલી પડી ગઈ, પણ બા ને આધાર મળે તે માટે અવાજકાઠોકરીતેણેકહ્યું,’બા,તુંચિંતાનકરતી,જોમારીવાતસાંભળ.મારોઅવાજ જો ઓપરેશન પછીજતો રહે તો ! એટલે એ વિચારીને મેં મારા અવાજમાં હાલરડું રેકોર્ડ કર્યું છે..અનેતે કેસેટ ટેબલ પર પડેલા પ્લેયરમાં જ છે ,ઉતાવળમાં હું તને કહેતાં ભૂલી ગઈહતી.’ અને પ્રીતિએ ફોન મૂકી દીધો.

થોડી વાર પછી બા નો જ ફોન આવ્યો, ‘ પ્રીતિ બેટા, ખુશી ઘસઘસાટ સુઈ ગઈ,તું ચિંતા ન કરતી, તારું બરાબર ધ્યાન રાખજે.ઈશ્વર સૌ સારા વાનાં કરશે.પણસાચું કહું બેટા,મને તારું ગીત સાંભળીને….’  પણ, પ્રીતિ સમજી ગઈ  બા ના અધૂરા વાક્યમાં સમાયેલો અર્થ !

એ જ કે હવે કોઈ, ક્યારેય, પ્રીતિનો અવાજ નહિ સાંભળી શકે !

Advertisements
 

ટૅગ્સ:

સરળ ભજનો – ભાગ-૧.

ભજી લે ને ભગવાન ભજનમાં….

(રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે ના રાગ ઉપરથી ગાવું.)

૧. દયાળુ દીનાનાથ..

હે દેવા વાળો દયાળુ દીના નાથ છે જો,

બધો દોરી સંચાર એના હાથ છે જો….

હે હરિ હેતે હજાર હાથે આપતો જો,

દીન માનવ  બે હાથે લેતા થાકતો જો…

એને વહાલા ન વેરી કોઈ અંતરે જો,

ભાવે ભક્તોના ભાર એ ઉપાડતો જો,

ભવ સાગરમાં નાવ એ તો તારતો જો….

માત તાત બંધુ સ્વજન સ્નેહી સૌ તણા જો,

શિર સમરથ સરકાર પછી શુ મણાં જો…

એ તો દાની શિરોમણી દાતાર છે જો,

દાસ કાજે ઉઘાડા એના દ્વાર છે જો…

એની દ્રષ્ટિ સમાન  સહુ ઉપરે  જો….

૨.  રામજી ની મૂર્તિ…

શ્રી રામજીની મૂર્તિ મારા મનમાં વસી રે,મારા મનમાં વસી રે,

આંખડી મળી ને માટી આંખ હસી રે..મારા મનમાં વસી રે..

હાથે ધનુષ અને ખભે છે કામઠા,

ભેટ બાંધીને એણે કેડે કસી રે,…મારા મનમાં વસી રે..

નયનો વિશાળ એના બાહુ વિશાલ છે,

છાતી  વિશાળ એની દરિયા સમી રે…મારા મનમાં વસી રે…

મુગટ મનોહર ને કાને છે કુંડળ,

ભાલે તિલક જાણે દિવ્ય શશી રે..મારા મનમાં વસી રે..

અંગે છે શ્યામ એ તો પુરણ કામ છે,

‘પુનીત’  વારી જાય હસી હસી રે…મારા મનમાં વસી રે…

૩. શબરી…     

     

( ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે…ના રાગ ઉપર થી ગાવું)

શ્રી રામ શ્રી રામ નામ શબરી જાપે,

રામ આવીને મારી નાવડી તારે.

વગડા તે વનમાં ઝુંપડી બનાવી,

ઉભી છે એકલી અલખ જગાવી,

દર્શન દેવાને ક્યારે આવે મારો રામ…રામ આવીને..

મોહ અને મમતા મનથી મુકીને,

પાર ઉતરવું પ્રભુ ને ભજીને,

સંગાથી છે  વાટનો તો સાચો એક રામ…રામ આવીને…

અંતરનો નાદ સુણી રામજી પધાર્યા,

નયનોના નીરથી ચરણો પખાળ્યા,

શબરી ના એઠાં બોર ખાયે મારો રામ…રામ આવીને…

સંતો કહે છે ભાવે ભજી લો ભગવાન ને,

ભૂલશો નહિ તમે રામ કેરાં નામ ને,

ભવસાગર થી પાર ઉતારે મારો રામ..રામ આવીને…

૪. શબરી..

 (‘ દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ’ ના રાગ ઉપર થી ગાવું)

શબરી જુવે છે વાટ જપતી રહે એક નામ,

વનવન ફરી ફળ લાવતી મુખથી જપે શ્રી રામ,

દશરથ નંદન જય સીયારામ…

તે સમયે ત્યાં તો આવિયા લક્ષ્મણ જતિ ને રામ,

ચરણો મા ઝૂકીને પછી બોલી પડી ‘શ્રી રામ”,

બેસીને આસને પ્રભુ નીરખે છે ચારે કોર,

હરખે થી ઘેલી થઇ શબરી લાવી મીઠાં બોર…દશરથ…

ચાખીને બોર આપતી,ખાટા નહિ લાગે,

શ્રી રામ ખાતાં જાય અનેફરી ફરી માગે,

ભાવના ના ભૂખ્યા રામ બોર એઠાં એના ખાય,

શબરી બની પાવન પ્રભુની ‘દાસી’એ ગણાય…દશરથ…

તનમન મહી છે આત્મા,પરમાત્મા છે રામ,

અજ્ઞાની શોધે બ્હાર જ્યાં મળતા નથી ભગવાન,

શબરી જેવી  ભક્તિ થી પ્રભુ સીધા જ મળી જાય,

એઠું ખાનારો રામ પણ શબરી ના ગુણ ગાય …દશરથ…

૫. તુલસી મા..

( તું કાળી ને કલ્યાણી રે મા…ના રાગ ઉપર થી ગાવું)

તું લીલી ને ગુણકારી રે મા,જ્યાં જોઉં ત્યાં તુલસી મા,

તું તો  વૃંદા ને નામે ઓળખાણી રે મા,જ્યાં જોઉં ત્યાં તુલસી મા…

તને વૈષ્ણવોએ આંગણે ઉગાડી હો મા,જ્યાં જોઉં…..

તું તો ત્રીકમજી ને બાહુ વ્હાલી મારી મા, જ્યાં જોઉં….

તારે પાને ત્રીકમજી તોળાયા રે મા,જ્યાં જોઉં….

તું તો વિષ્ણુ ના નામમાં વણાઈ મોરી મા,જ્યાં જોઉં….

તારા મણકાની માળા કંઠે ધારી મારી મા,જ્યાં જોઉં…

તને મુખમાં ધરવાથી મોક્ષ થાય મારી મા,જ્યાં જોઉં…

તારા સેવન થી રોગ દુર થાય તુલસી મા,જ્યાં જોઉં…

૬. તુલસીક્યારો..

જેના આંગણામાં તુલસી નો ક્યારો,

વસે કાયમ ત્યાં નંદ નો દુલારો,

ન આવે કોઈ રોગ નઠારો,

વસે કાયમ  ત્યાં નંદ નો દુલારો….

થાય કીર્તન જે ઘેર,ત્યાં વહાલાની મહેર,

કદી આવે ના દુઃખ નો વારો…વસે….

હોય ભક્તિમાં મન, રાખે સારું વર્તન,

જેના રુદિયે રહે છે સંસ્કારો…વસે…

સદા સાચવે ધરમ,ત્યાં કદી આવે ન યમ,

સદા કરજો અતિથી સત્કારો…વસે …

નાખે ગાયોને ઘાસ, તેનો વૈકુંઠમાં વાસ,

તેને દેવો ય આપે આવકારો…વસે…

કરી તિલક કપાળ,રાખે તુલસી ની માળ,

કરે કૃષ્ણ અને રામ ના ઉચ્ચારો…વસે…

( મારાં મા અને માસી ની વર્ષો જૂની ડાયરીનાં પાનામાંથી.)

 ૭. ગુરુજી

ગુરુજી ના નામની હો માળા છે ડોકમાં,

પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં.

ખોટું બોલાય નહિ,ખોટું સંભળાય નહિ,

ખોટું જોવાય નહિ હો માળા છે ડોકમાં.

ક્રોધ કદી થાય નહિ,નિંદા કરાય નહિ,

પરને પીડાય નહિ હો માળા છે ડોકમાં.

સુખમાં છલકાય નહિ,દુઃખમાં રડાય નહિ,

ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં.

સંઘરો કરાય નહિ,એકલા ખવાય નહિ,

ભેદભાવ થાય નહિ હો માળા છે ડોકમાં.

બોલ્યું બદલાય નહિ,ટેક ત્યજાય નહિ,

કંઠી લજવાય નહિ હો માળા છે ડોકમાં.

 ૮. રામ-લક્ષ્મણ ની વાર્તા.

કહું રામ લક્ષ્મણ ની વારતા,કહ્યું મત પિતાનું તેઓ માનતા.

એ તો હાથે ધનુષ બાણ ધરતા,કહ્યું મત પિતાનું તેઓ માનતા.

રજા દશરથ ના બાળ,માતા કૌશલ્યાના  લાલ,

એ તો ગુરુઓની આજ્ઞા પાળતા….

તોડ્યું ધનુષ ભરી,

ગયા ભૂપતિ હારી,

જનક રાજા સીતાને પરણાવતા……

આનંદ મંગળ વર્તાય,

કાલે રામરાજ થાય,

ત્યાં તો કૈકેયી વનવાસ અપાવતા….

લઇ લક્ષ્મણ જતિ,

સંગ સીતા સતી,

રામ રાજ્ય અયોધ્યાનું ત્યાગતા…..

રાખી હૈયામાં ધીર,

આવ્યા ગંગાને તીર,

રામ કેવટના રૂદિયાને ઠારતા…

કીધો ભારત મિલાપ,

ટાળ્યો એનો સંતાપ,

રામ પંચવટીમાં મઢી બાંધતા….

આવ્યો લંકા નરેશ,

આવ્યો સાધુને વેશ,

રામ મામા મારીચ ને મારતા….

ત્યાંથી ચાલ્યા રઘુરામ,

આવ્યા શબરીને ધામ,

પ્રેમે  એઠાં ને મીઠાં બોર ચાખતા….

રામ કરતાં વિલાપ,

થયો હનુમાન મિલાપ,

રામ દુષ્ટ એવા વાલિને મારતા….

દીધી લંકા બાળી,

ગયો રાવણ હારી,

રામ રાજ્ય વિભીષણ ને સોંપતા….

નંદુ મંગળ ગાયે,

સૌને આનંદ થાયે,

રામ રાજ્ય અયોધ્યામાં સ્થાપતા……

 ૯. બેંક મા ખાતું..( ગોરે ગોરે હાથોમે મહેંદી ના રાગ પર)

વહાલા તારી બેંકમાં ખાતું ખોલ્યું છે,જોજે ન એ બંધ થાય રે,

તારા તે નામનો વેપાર મારે હાથે વધતો જય રે.

તારે અનેક છે મારે તું એક છે,

વિશ્વબેંક તું છે મારા નામ તણો ચેક છે,

જેમ જેમ વાપરું ચેકને વટાવી,નાણું તો બમણું થાય રે……

શ્રદ્ધા ની સહી તારા ચેક ઉપર ચાલતી,

વાંધાભરી સહીથી બેંક નાણા ન આપતી,

સહીનો તપાસનાર,તીરછી નજરનો,છેતર્યો ન છેતરાઈ જાય રે….

રામભક્ત લેણદેણ ખુબ ખુબ રાખજે,

સંકટની સાંકળોને તોડી તું નાખજે,

તારું મને પીઠ બળ કાયમ મળે તો,રુદીયેથી ગાઉ ઉપકાર રે….

 ૧૦. કેટલું કમાણા…

જિંદગીમાં કેટલું કમાણા, હા રે જરા સરવાળો માંડજો.

સમજુ સજ્જન અને શાણા,હા રે જરા સરવાળો માંડજો.

મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા,

ખુબ કર્યાં એકઠાં નાણા,હા રે જરા સરવાળો માંડજો…

ઉગ્યાથી આથમે ત્યાં ધંધાની ઝંખના,

થાપ્યા છે આમ તેમ પાણા ,હા રે જરા સરવાળો માંડજો…

ખાધું પીધું ને તમે ખુબ મોજમાણી,

તૃષ્ણા ના પુરમાં તણાણા,હા રે જરા સરવાળો માંડજો…

લાવ્યા’તા કેટલું ને લઇ જશો કેટલું,

આખર તો લાકડાં ને છાણા,હા રે જરા સરવાળો માંડજો….

ગોવિંદ ના નાથને જાણ્યા છે જેમણે,

સરવાળે મીંડા મંડાણા,હા રે જરા સરવાળો માંડજો….

 

 

ટૅગ્સ:

હસો ભાઈ હસો..


૧.

ડોક્ટર,” જ્યારે તમને ટાઢિયો તાવ આવે છે ત્યારે તમારા દાંત કચકચે છે ?”

દર્દી,” એ તો કેમ ખબર પડે દાક્તર સાહેબ,મારા દાંત તો એ વખતે ડબ્બીમાં હોય.!”

૨.

ડોક્ટર પહેલા કહે છે કે,કામ જરાય ન કરો,પુરતો આરામ જ કરો અને પછી તે બિલ એવું પકડાવશે કે કામ કરીકરીને ડુચો નીકળી જાય.

૩.

“અમારા વૈદ તો  નાડી જોઈને દવા આપે છે.”

“એમ ! અમારા ડોક્ટર તો ગજવા જોઈને દવા આપે છે.”

૪.

દાદી  એની પૌત્રી ઈશાને  ખોળામાં બેસાડી ગીત શીખવાડતી હતી.

દાદી,”એક વાર હુ ને મીરાં મથુરામાં ગ્યા’તાં”,

દાદી,” ચલો હવે તમે ગાઓ તો બેટા “.

ઇશા,”એકવાર તમે ને મીરાં મથુરામાં ગ્યા’તાં”.

હા હા હા હા હા …..

૫.

૫.

“ડૉ.શેઠ સૌથી સારા ડોક્ટર છે.”

“કઈ રીતે?”

” હુ ખુબ માંદો પડ્યો ત્યારે ડૉ.મહેતાને બોલાવ્યા.એમણે મને દવા આપી,પણ દરદ વધ્યું.પછી મેં ડૉ.પંડ્યાને બોલાવ્યા.એમણે પણ મને દવા આપી.પણ દરદ ઘણું વધ્યું.છેવટે મેં ડૉ.શેઠ ને બોલાવ્યા.અને હુ સાજો થઇ ગયો.”

“કારણ?”

“કારણ કે તેઓ આવ્યાં  જ નહિ.”

હા હા હા હા હા ….

૬.

દર્દી,”ડોક્ટર સાહેબ,કોઈ એવી દવા મને આપો કે મારા બધાં દરદ ભાગી જાય,હુ ફરી કદી માંદો જ ન પડું.”

ડોક્ટર,”એ કામ દવાથી નહિ થાય,મારું બિલ આવશે એટલે એમાં બધું જ આવી જશે.”

૭.

હકીમ : ” મુલ્લાં, તમે બહુ કમજોર થઇ ગયા છો.તબિયત ઠીક નથી લાગતી.મારા દવાખાને કેમ નથી આવતા?”

મુલ્લાં: ” હકીમ સાહેબ,આ હાલતમાં કઈ રીતે આવી શકું ? થોડો ઠીક થઈશ એટલે આવીશ.”

૮.

” એલા ! ભઈ, આ ટમેટો કેચઅપ માં તો કોળું જ વધારે લાગે છે.”

” ના સાહેબ,ફીફ્ટી ફીફ્ટી છે.”

“એટલે ?”

” સાહેબ,એક ટમેટા દીઠ એક કોળું- ફીફ્ટી ફીફ્ટી !”

૯.  દતુ પોતાનો મોબાઈલ કબ્રસ્તાનમાં જઈ નાનો ખાડો ખોદી દફ્નાવતો હોય છે ત્યાં
કબ્રસ્તાનમાં નો રખેવાળ:”ઓયય…શું કરે છે   ત્યાં?”
દતુ:”મારો મોબાઈલ દાટુ છું”
રખેવાળ(નર્યા અચરજથી):  “પણ કેમ?”
દતુ:”મોબાઈલ રેપીરીંગવાળા મારા મિત્રે મને કહ્યું મારો મોબાઈલ DEAD થઇ ગયો છે.”

૧૦. – ઈતિહાસના અધ્યાપકે દતુને પુછ્યું કે: દુનિયામાં કેટલા દેશ છે?

દતુ: અરે સાહેબ, આ દુનિયામાં માત્ર એક જ દેશ છે, જેનું નામ છે ઈન્ડિયા…..

બાકી બધા વિદેશ છે.

૧ ૧-       મનજી માસ્તર: બોલ દતિયા એક ખાટલા ઉપર ત્રણ અને નીચે ચાર જણા બેઠા હોય તો કુલ કેટલા જણા બેઠા કહેવાય .

૧૨.

અંગ્રેજીના પ્રાધ્યાપક:”બોલ દતુ આ કયો કાળ(tense ) કહેવાયહું નાચી રહ્યો છું,તું પણ નાચી રહ્યો છો,તેણી પણ નાચી  રહી છે, આપણે સહુ નાચી રહ્યા છીએ..”

દતુ:”MUJRA Continous Tense”

૧૩.

જયારે એલેકઝાંડર ગ્રહેમબેલ એ પેલી વાર તેમનો ફોન વાપર્યો.
ત્યારે તેને જોયું તો તેમાં રજનીકાંત ના બે મિસ કોલ હતા.

૧૪.

“તેણે એની આગળ પરણવાનો પ્રસ્તાવ મૂકેલો. પણ પેલીએ ના પાડી દીધી.”
“પછી ?”
“એ બંને સુખેથી રહ્યાં.”

૧૫.

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે
કેવા શબ્દો બોલે…?

પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….

શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….

 

૧૬. તેને અનિંદ્રાની એટલી ભયંકર તકલીફ થઇ ગઈ છે કે,ઓફિસમાં પણ તે હવે ઉંઘી નથી શકતો.

૧૭. ડોક્ટર: ” તમારા પગે હજી સોજા છે,પણ મને એમાં ચિંતા જેવું  બહુ  નથી લાગતું.”

દર્દી:”સાહેબ,આપના પગે સોજા હોય તો મને પણ ચિંતા જેવું લાગે નહિ.”

૧૮.  એંશી વરસના દાદીમાનો પગ ભાંગી જતાં ડોક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતરવાની સખત મનાઈ કરી.બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોયું તો માજીને સાવ રૂઝ આવી ગયેલી લાગી.એટલે ડોક્ટરે માજીને દાદરા ચડવા-ઉતરવાની  છૂટ આપી.

“હા…………..શ………ભઈલા ! ભગવાન તારું ભલું કરે.બાથરૂમની પાઈપ પકડીને ચડ-ઉતર કરીને તો હુ થાકી ગઈ.”

 

ટૅગ્સ:

પ્રેરક પ્રસંગો.

એક ડોશી મા હતાં.ખુબ ગરીબ,પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ,એટલે સાંધી-સુંધીને કપડાં પહેરે.એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં.એક તો ઉંમર અને તેમાં આંખે દેખાય પણ ઓછું.એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે.પાછું રાત અને ઘરમાં કાઈ ગરીબ ણા ઘરમાં તેલના દીવા કે ફાનસ હોય ?! એક તો બરાબર દેખાય નહિ,તેમાં પાછી માજી ની સોય પડી ગઈ.સોય એક તો ઝીણી ,પાછું અંધારું,વળી આંખમાં ઝાંખું.!તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું !આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં.રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું,”માડી, તમે શુ શોધો છો?” માજી કહે કે,”ભાઈલા,મારી સોય પડી ગઈ છે તે ગોતું છું.” માણસે પૂછ્યું કે,”માડી તમારી સોય પડી છે ક્યાં?” એટલે માજીએ જવાબ આપ્યો કે,”બેટા,મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.” નવાઈ પામી માણસે કહ્યું કે,”માંડી,તો પછી અંદર કેમ નથી શોધતા?”માજીએ કહ્યું કે,”બેટા,પણ અહી બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.”

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા,પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ ક્યાંક છીએ.!

જ્યાં ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે,

અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.

૨. મને કેમ વીસરે રે ?!

હું  ભરુચ રહું છું.મારા પતિ ભરૂચની જી.એન.એફ.સી.કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર હતા.હવે તો રીટાયર છે પણ વાત એ સમય ની છે.હું અમદાવાદ માં જ્યારે ભણતી ત્યારે ત્યાં શ્રી રાસબિહારી દેસાઈ પાસે સુગમ સંગીતનું શિક્ષણ લીધું અને ભરૂચમાં શ્રીમતી સુધાબેન માથુરકે જેઓ   પંડિત વી.જી.જોગ સાહેબના પટ્ટ શીષ્ય હતા,તેમની પાસે શાસ્ત્રીય ગાયનનું શિક્ષણ લીધું.તે સમયે જી.એન.એફ.સી.ની સ્કુલમાંસાંજના સમયે સ્કુલ છૂટ્યા પછીએક કલાક સંગીતના ક્લાસમાં હું બાળકોને સંગીત શીખવાડતી.એમાં બૃહદ ગુજરાત સંગીત સમિતિમાંચાલતી  પરીક્ષાઓ પણ અપાવતી અને સુગમ ગીતો એટલે કે,શૌર્ય ગીતો,સમૂહ ગીતો,ભજનો,પ્રાર્થનાઓ શીખવતી.

મારી રીત એવી હતી કે,તરત જ બાળકોને ગવડાવવા નહિ માંડવાનું ,પહેલા હું જે શીખવવાનું હોય તેબ્લેકબોર્ડ પર લખું,પછી ;એ લોકો નોટમાં ઉતારે કારણ કે ઈંગ્લીશ મીડીયમમાં ભણતા બાળકોને ગુજરાતી લખવામાં જોડણીની ભૂલ ન થાય તે માટે આમ કરતી.લખાઈ ગયા બાદ જો ‘મીરાબાઈ કે નરસિહ મહેતા’નું  પદ કે ભજન હોય તો એ સંત કવિઓ વિષે થોડુંક કહેતી,અને ત્યારબાદ ગીત નો ભાવાર્થસમજાવતી,કારણ કે ગીતનો ભાવ સમજ્યા વગર ગાવામાં ‘જન’ નથી આવતો ,એવું હું બાળકોને સમજાવતી.

આ જ રીતે એક દિવસ,’ભૂલો ભલે બીજું બધું, માં-બાપને ભૂલશો નહિ’ એ ગીત લીધું.મારી રીત મુજબ લખાવ્યું,સમજાવ્યું અને પહેલા મેં ગાયું.હું મારા ધ્યાનમાં જ હતી, પણ આ ગીત ગાઈને જયારે મેં ઊંચું જોયું ત્યારે…!તમામ બાળકોની આખોમાંથી ચોધારે ચાલ્યા જાય છે..આ શું?!

તો આ ગાયન  નો પ્રતાપ નહિ પણ મારા બાળકોની ભાવાર્થ આત્મસાત કરવાની આવડતનો પ્રતાપ હતો.

આ પ્રસંગ કઈ રીતે વીસરે ?

૩. રમકડું.

બિંગો,

અમારો વફાદાર સાથી.

આવા સાથીને કેમ ભુલાય?હું તો છેલ્લા શ્વાસ સુધી એને ભૂલી નહિ શકું.

માત્ર એક જ મહિનાનો  એ  વફાદાર જીવ,અમારે ત્યાં આકસ્મિક આવી જાય અને માયામાં લપેટીને,સાત વર્ષે રડતાં મુકીને ચાલ્યો પણ જાય.

એને કેમ રે ભુલાય?!

સફેદ રૂ ના ઢગલા જેવો,નાનું પમ્રેનીયન ગલુડિયું.મને અને મારી દીકરી હલકને આમ પણ પશુ-પંખીઓ ખુબ ગમે.એટલે અમને તો બિંગો આવ્યો એ બહુ જ ગમ્યું.

પણ બીજા બધાને પણ એણે, એની  માયાજાળમાં લપેટ્યા.બહુ તોફાની.ચંપલ તો કોઈનાય સાજા ન હોય.અમારે બહાર જવું પડે,અને ઘરમાં એકલો રાખીએ ,

અને અમે પાછા આવીને જોઈએ તો,ડાઈનીંગ ટેબલની ખુરશીઓના પાયા ચવાઈ ગયાં હોય,સોફાના કુશનમાંથી રૂ બહાર આવીને પડ્યું હોય.

ત્યારે ય એના ઉપર ગુસ્સો નથી આવ્યો,વ્હાલ જ આવ્યું છે.

એકવાર એણે મારા પતિના ચંપલની પટ્ટી કાપી નાખી,એમને તો ગુસ્સો આવ્યો,અને ગુસ્સો આવે પણ,કારણ કે,આ ચોથી ચંપલ હતી.તો ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં

એમણે બીન્ગોને થપાટ મારી,…અને હું ને હલક જે ગુસ્સે થયા છે..કે વાત નહિ.મારા પતિનો પણ માર્યા પછી જીવ તો બળતો જ હતો.જેમ આપણાબાળકને ક્યારેક મારવું પડે અને માર્યા પછી માં-બાપનો જીવ બળે તેમ.

પણ બિંગો તો જેણે એને અવડુ માર્યું ,એના જ પગ ચાટવા લાગ્યો,અને પુછડી એન્ટેના ની જેમ ટુક ટુક ટુક ટુક….હલવા લાગી.મારા પતિ પાસેથી વ્હાલની અપેક્ષામાં દયામણું  મોઢું લઈને ઉભો રહ્યો.એમને પણ બહુ લાગી આવ્યું અને બીન્ગોને ખુબ વ્હાલ કર્યું.

જોતજોતામાં તો એણે બધાના મન જીતી લીધા.કોઈ અજાણ્યાને તો ગેટમાં પણ ઘુસવા ન દે, એટલું ભસે કે વાત નહિ,પણ જો કોઈ સામાન લઈને આવે તો એ બહુ રાજી થઇ જાય.અમારી બાજુમાં એક ‘બા’ રહે છે. બિંગોતો એમને  ઓળખે  છતાંય ,એ  ‘બા’   જયારે મારા સાસુ પાસે બેસવા આવે ત્યારે એટલું ભસે ,ખબર નહિ,આવકાર આપતો કે શું?ત્યારે બા કહેતા કે હું બાજુમાં થી આવું છું ને તોય હવે થેલીમાં બે કપડા ભરીને આવીશ,એટલે  એ રાજી થશે..

અમારી બાજુમાં એવું જ શેન્કી નામનું વફાદાર રહેતું.સાવ અમારી ઘરની દીવાલને અડીને જ એ લોકોનું ઘર છે. એને એકલો મુકીને બહુ બહાર જવાનું અમને ગમતું  નહિ,પણ ક્યાંક જાવું પડે તો જયારે પાછા આવીએ ત્યારે ભસી ભસી ને,કમ્પાઉન્ડ વોલ પાસે દોડી જાય જાણે શેન્કીને કહેવા કે,’જો મારા મમી,પપ્પા આવી ગયાં..’આવો હતો મારો બિંગો.’!

એકવાર એ માંદો પડ્યો. કઈ ખાય ન પીએ. દવા તો આપી પણ એ ચાલી શકતો નહિ.જે દોડી દોડીને ભસ્યા કરતો એ હવે ચાલી પણ શકતો નહિ.અમારા ડ્રોઈંગ રૂમના સોફા પાસે બેસી ને મારી સામે જોયાં જ કરતો,મારાથી હજી એની એ નજર ભુલાતી નથી.હું એને પૂછ્યા કરતી એક બાળકને પૂછીએ તેમ,કે

‘છું ખાવું છે?છીલો ખાવો છે?'”

એને શીરો ને ઈડલી ઢોકળા બહુ ભાવતાં.પણ એની આંખોમાં કઈ વેદના હતી એ ઓળખવાનું અમારું તે ગજું હતું ?! હું સતત એની સાથે વાતો કરતી,

“ચલો પાઉડર લગાઈ દઉં,ચલો છીલો બની દઉં..ચલો…”

હું જે દિશામાં જાઉં એ દિશામાં એ જોયાં કરતો.એ ચાલી નહોતો શકતો.એ ભસી નહોતો શકતો.એની આવી લાચાર આંખના આંસુ અને મુંગી વાચા આજે પણ મારા મનને હલાવી નાખે છે.આવો બિંગો તો નસીબદારને જ મળે.એને કોઈ ‘કુતરો’ કહે તો મને ઘા વાગતો.

હલક ના રૂમમાં જ એ રોજ સુતો.હવે તો એને તેડીને ઉપર રૂમમાં લઇ જવો પડતો.હલક એને ઉપાડીને લઈ જતી.એક રાત્રે,ઉપર લઇ ગઈ,અને અચાનક એક વાગે હલકે મને ઉઠાડી,’મમ્મી  તુ ઉપર ચલ ને જો, બીન્ગોને શું થઇ ગયું?’મેં ઉપર જઈને જોયું,

હે રામ!  શાંતિથી નિર્જીવ બિંગો પડ્યો હતો.અને એ અમને છોડીને ચાલ્યો ગયો….

અમે ઘીનો દીવો કર્યો, ગીતાજીનો પંદરમાં અધ્યાયનો પાઠ કર્યો.અને નવી ચોખ્ખી ચાદરમાં લપેટી,કારમાં સુવડાવી,નર્મદાકિનારે એને વિદાય આપી.ત્યારથી તે આજ સુધી એ ક્યારેય ભૂલાયો નથી.

આપણે એમને આપણા રમકડા માનીએ,પણ આવા જીવ ભલે થોડાક સમય માટે આવીને આપણને ‘રમાડી’જાય છે.

૪. મને કેમ વીસરે રે ?!

હું રોજ સવારે ઉઠી અને મારા રૂમની બારીમાંથી મારા બગીચામાં જોઉં અને લીલુંછમ્મ જોઇને મને ઓક્સીજન મળે.આજે સવારે હું ઉઠી અને મેં મારા રૂમની બારીમાંથી બગીચામાં જોયું તો શું જોયું ?અહ્હા! મોગરાના ઝૂમખાં.આ જોઇને મને મારી “માં” યાદ આવી ગઈ.કેમ ?તો એમ,

 કે મારી ‘મા’ બહુ સારું ગાતી.અને એક ગીત વારંવાર મેં એના અવાજમાં સાંભળ્યું છે.

“મોગરાની  માળ  મારી મોગરાની માળ,

બેનીએ ગુથેલ મારી મોગરાની માળ”

આ લખતાં લખતાં પણ હું ગાઉં છું. જો કે એ અવાજ તમે નહિ સાંભળી શકો.

પણ હું ગાઉં  છું..

હવે આ ગીત કોનું લખેલ છે તે મને નથી ખબર.મારે જોઈએ છે એ તો નક્કી જ છે અને એમાં તમે જ મારી મદદ કરશો એ પણ એટલું જ ચોક્કસ છે.

હું પણ પ્રયત્ન કરીશ અને તમે પણ મારી યાદમાં એક લીલું પાન ઉમેરી આપશો ને ?

૫.વન્સમોર.

આશા ભોસલે એટલે મારા પ્રિયાતીપ્રિય ગાયક.મને એમના ગીતો લગભગ બધાજ મોઢે.સેન્ટ.ઝેવીએર્સમાં વાર્ષિક મહોત્સવમાં જયારે ટેલેન્ટ ઇવનીંગ થતી ત્યારે હુ આશા ભોસલેના જ ગીતો ગાતી અને “વન્સમોર”ના નાદ અને તાળીઓના ગડગડાટ થી હોલ ગુંજી ઉઠતો.એ સમયે મને એનો નશો ચડતો.પરંતુ મારા મિત્રોની સરળતા  અને માં-બાપના સંસ્કારે મને આવી પ્રસિદ્ધિ મદ થી દુર રાખી હતી.અમારી કોલેજમાં તો હુ ગાતી જ પણ બીજી કોલેજોમાં ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે મને બોલાવતા અને માન આપતા.કોલેજ કાળમાં એક પણ પ્રોગ્રામ એવો નહોતો કે મને “વન્સમોર”અને તાળીઓથી વધાવી ન હોય.

ત્યારબાદ મારા લગ્ન થયાં,અને હુ વડોદરા આવી.કુટુંબ અને સંસાર તથા બાળકોની જવાબદારીને કારને આ ક્ષેત્ર મેં છોડ્યું કારણકે,તે મારી પ્રાયોરિટીમાં નહોતું.પણ સંગીત તો ભેગું જ હતું .અમે વડોદરા થી ભરુચ આવ્યા ત્યાં મને શાસ્ત્રીય સંગીત શીખવાની તક મળી.અને ઉત્તમ ગુરુ મળ્યા.અને મેં તે શિક્ષણ પૂરું કર્યું.પતિ, બાળકો અને મા નો સંપૂર્ણ સાથ મળ્યો..ફિલ્મના ગીત સતેજ પર ગયે મને ૨૨ વર્ષ થઇ ગયા.આ દરમ્યાન ગીત,ગઝલ,ગરબા એના પ્રોગ્રામ તો ચાલુ જ હતા,પણ ફિલ્મના ગીતો ની તક પછી ન મળી.

હવે ભરૂચમાં અમારી જઈ.એન.એફ.સિ .ની ક્લબ તરફથી ભાઈ શ્રી બંકિમ પાઠક (વોઇસ ઓફ રફી )નો પ્રોગ્રામ નું આયોજન થયું.ઓરકેસ્ટ્રામા શરદ ખાંડેકર જે અમદાવાદથી જ મારો મિત્ર હતો.અમે આ પ્રોગ્રામ જોવા ગયા કારણકે,ઘણા વર્ષે મને બન્કિંભાઈ અને શરદને મળાશે એનો રાજીપો હતો.હુ તેમને મળવા બેક-સ્ટેજ પર ગઈ,અને હજી તો વાત ની શરૂઆત કરું ત્યાં તો ,”અરે હર્ષા,બહુ સરસ તું આવી ગઈ,ચાલ તારે મારી સાથે ડ્યુએટ ગાવાનું જ છે.”

મેં બને એટલા બહાના  બનાવ્યા.

“બંકિમ ભાઈ મેં વર્ષોથી ફિલ્મી ગીતો ગાયા જ નથી.”

“શાસ્ત્રીય શીખવાને કારણે મારી રેન્જ પણ ઓછી થઇ ગઈ છે,તમારા સ્કેલ ઉપર મારાથી નહિ ગવાય અને તમારો શો બગાડીશ,”

“હવે તો મને શબ્દો પણ યાદ નથી.” વગેરે વગેરે……પણ એ બધાનો બંકિમભાઈ અને શરદે વઘાર જ કરી નાખ્યો.અને ,

પડદો ખુલ્યો,એનાઉન્સમેન્ટ થઇ ગયું.મને તો પરસેવો છૂટી ગયો,મારાથી બગડશે તો શું થશે ?સખત ટેન્શન…

અને મને સ્ટેજ પર રજુ કરી જ દીધી.

“આશા ભોસલે -રફી નું  ફિલ્મ “કાશ્મીર કી કલી” નું “દીવાના હુઆ બાદલ”એ ગીત શરુ થયું.જેવો મારો અવાજ માઈકમાં ગયો કે અમારી ટાઉનશીપના મિત્રો હાથ ઉંચા કરી કરીને ઝૂમવા લાગ્યા.મારું ધ્યાન એ કશામાં જ નહોતું.ખબર નહિ ક્યારે ગીત પૂરું થયું અને ફરીથી ૨૨ વર્ષે “વન્સમોર”ના નાદ અને તાળીઓના ગડગડાટથી થીયેટર ગુંજી ઉઠ્યું અને ….

હુ ધન્ય બની.

૬. મા, માડી,મમ્મા,મોમ.

 ૧.   હવે થાય છે ‘મા’

 

હે પ્રભુ, ,તુ સાંભળ મારી આજીજી,

    મને દે મારી મા પાછી..

બસ,મેં કહ્યું કે તુ મોકલ એને,

    હું જીદ ન કરતી ઝાઝી…મને દે.

માં,ફરીથી તારા હાથે બનેલી

      સ્વાદિષ્ટ દાળ જમું હું,

ને બહુ સારું ગીત ગાઈ ફરીથી,

        તારા દિલને ગમું હું,

ફરી તને અહી જોઈ મારું તનમન ઉઠશે નાચી…મને દે.

હવે તને ના દુઃખી થવા દઉં,

       તને ના એકલી રાખું,

એકલતામાં રોતી’તી તું,

      મને યાદ આવે છે ઝાંખું.

રડવા નહિ દઉં તને કદી માં ,રાખું રાજીરાજી…મને દે.

હવે થાય છે મા હજી,

    તુ હોત  જો મારી પાસે,

તો તને લઇ જાત ‘ઓ માડી’!

       ચાર ધામના પ્રવાસે,

પણ ઈશ્વર આગળ અવળી પડી ગઈ આખી ય મારી બાજી….

                                                 હર્ષા વૈદ્ય.

૨.     સાસુ એટલે મા

પૂજ્ય મુરબ્બી ‘ભાભી’ એટલે ‘સાસુ’ એટલે ‘મા’,

એને ગુમાવ્યા બાદ સમજાયું કે,’મા તે મા’.

નેહ નીતરતી આંખોમા  વહેતી  સ્નેહની સરવાણી,

શુભ્ર –પવિત્ર દેહ ને આત્મા,સહુના દિલમાં સમાણી.

મન જ્યારે મુઝાતું મારું,હાથ ફેરવી હામ આપતી,

મનને ટાઢક વળતી એવો તુ આરામ આપતી.

હર પળે ને હર ક્ષણે  તુ  હર મુકામે ને હર કામે,

હજીય તુ સાથે જ છો ‘મા’ આ સામે ને સામે.

તને ન કરવી પડે યાદ મા,તુ તો રહેતી મારામાં,

બીજા બધા વગડાના વા પણ તુ જ  ‘મા તે મા’

                                              હર્ષા વૈદ્ય.

 ૩. મા તે મા…

અહો ! માં તે મા ! બીજા વનના વા !

અહા ! એ તો મા,સુણી ધાતાં ધા;

શુરાપૂરા બા ઝીલે આડા ઘા,

મીઠી નજરે મા ઠારે દિલના ઘા.

                   – લલિત.

૪. મીઠલડી તું મા !

ચંદરની શીતળતા મા,તારે ખોળલે

ને આંખોમાં ઝરમરતી પ્રીત,

હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદરને

કોયલ શુ મીઠું તવ ગીત-

મીઠલડી,હેતાળી,ગરવી તું,મા !

        -શિવકુમાર નાકર ;સાઝ’

૫. માવડીએ દીધો-

ખમ્મા ! વીરાને જાઉં વારને રે લોલ:

મોઘામૂલો છે મ્હારો વીર જો !…

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ,

ઘરમાં ઉજાસ મ્હારો વીર જો….

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ,

માવડીએ દીધો મ્હારો વીર જો…..

                    -ન્હાનાલાલ દ.કવિ..

૬. બા, સુઈ જા !

આકાશી ગોખનો ટલમલ તારલો

થઈને બોલીશ:બા સુઈ જા !

રે મા ! થઈને બોલીશ ;બા સુઈ જા.

ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને

ભરી જઈશ એક-બે બક્કા,હો મા !

માડી તું તો ફેરવીને ગાલે હાથ.

નાખજે  નવ ઊંડો નિશ્વાસ.

 -રવીન્દ્રનાથ ઠાકુર (અનુવાદ-ઝવેરચંદ મેઘાણી)

૭. સો વરસનો થા !

આજ તો છેને એવું બન્યું-

એવું બન્યું બા !

ચાટલામાં હુ જોવા જઉં,

શુ હુ જોતો આ ?-

સફેદ માથું,સફેદ દાઢી,સફેદ મોટી મૂછો !

ગભરાઈ જતાં મે તો સવાલ તરત પૂછ્યો;

હસે છે મારી સામે લુચ્ચું,કોણ છે રે તું ?

ચાટલામાં થી પડ્યો પડઘો,તરત જ ,”ભાઈ તું !’

આ તો નવી નવાઈ,આવું બનતું હશે ‘બા’ ?

બા હસી બેવડ વળતી કહે,

“સો વરસનો થા.”

  – ઉમાશંકર જોશી.

૮.  તે તો મા જ !

ગાતાં ગાતાં આંગણું લીપે ને ગુંપે,

બીજના ચાંદા જેવી ઓકળીઓ આંકે,

તે તો કોઈ બીજું ય હોય;

પણભીના ભીના લીપણમાં

નાનકડી પગલી જોવાના કોડ કરે,

તે તો મા જ !

રડે ત્યારે છાનું રાખે,હસે ત્યારે સામું હસે,

છાતીએ ચાંપે,

તે તો કોઈ બીજું ય હોય;

પણ

રડતાં ને હસતા છાતીએ ચાંપતા

જેની આંખમાં ઝળઝળીયાં આવે,

તે તો મા જ !

– જયંત પાઠક.

૯. મીઠા મધુ ને મીઠાં મેહુલા.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,

જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,

વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,

પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,

લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,

અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે

જનનીની જોડ સખી! નહી જડે રે

 -દામોદર બોટાદકર.

10. you tell me…

you tell me what u like,

just tell me what u like.

i will give u all,mom i love u thats all….

i never hurt u again,

for me you r the main,

i never let you down,

you r my shining crown.

i’l fulfill that you feel all,mom i love u thats all.

 – હર્ષા વૈદ્ય.

૭. એક રમુજી અનુભવ.(લંગડુ ને ચીબુ)

 અદિતી ના મન માં ખૂબ ગભરામણ  થતી હતી. ‘બાપ રે! કાલે  C નું પેપર છે , અને મારે ફુલ્લ માર્કસ લાવવાજ છે. ભલે આખી રાત જાગવું પડે, પણ હું મેહનત કરીશ.’ અદિતી બી .એસ. સી  કમ્પ્યુટર સાયેન્સ ભણતી હતી અને તે પોતે એમાં હોશિયાર પણ હતી. જીવન માં પહેલી વાર એને પરીક્ષા આપવાનો કોઈ ભય  ન હતો કારણકે તેને કમ્પ્યુટર નાં કલાસીસ કરેલાં હતા અને તેનાં વિષયો ઉપર ઘણી ગ્રીપ હતી. પણ બસ એક ટેવ કે ભલે સહેલું હોય, જો વધારે મેહનત કરીશ તો વધારે માર્કસ આવશે અને પપ્પા રાજી થશે.

‘કાલ નું પેપર સહેલું જ છે ને તો પછી શું કરવાં જાગે છે?’ મમ્મી એ પુછ્યું. રાતનાં ૧૧ જેવા થયા હશે. ‘બસ, મમ્મી થોડીજ વાર. પુરું જ થવા માં છે. બધું વાંચી લીધું છે પણ એક પ્રોગ્રામ નું બીજી રીતે લોજીક બેસાડવાની કોશિશ કરું છું . ‘ભલે ત્યારે, હું સુઈ જઉં છું. બારી નાં પડદા બંધ કરી દેજે. ટાઇમસર સુઈ જજે. મને તો સમજાતું જ નથી કે બધું આવડતું હોય તો શું કરવાં જાગવું છે? ‘

અદિતી અડધું સાંભળ્યું ન સાંભળ્યું કરી ને વાંચવા માંડી. તેની આંખો ઘેરાવા માંડી તો પણ ૨ વાગ્યા સુધી તો એણે આખા વિષય નું રીસર્ચ કરી નાખ્યું. ‘ બસ બસ હવે સુઈ જઉં નહીતર સ્વપ્નમાં પણ પ્રોગ્રામ જ દેખાતા હશે.

બારી ની બહાર ઘોર અંધારું થઇ ગયું અને અપાર શાંતિ..જો કે એ શાંતિ જરા ડર લાગે તેવી હતી. ભૂત નાં વિચારો આવે, ચોર નાં વિચારો આવે. પણ અદિતી ને તો કાયમ હનુમાન ચાલીસા ઉપર ભરોસો…બસ હનુમાન ચાલીસા બોલતી જાય ને આંખ મીચાઈ જાય…તે સીધી સવાર.

ઊંઘ ચઢી અને સ્વપ્ન નો દરવાજો ખુલ્યો…તોય કૈંક કમ્પ્યુટર જ દેખાતા હતા..તેનાં એચ. ઓ. ડી દેખાતા હતા..કોઈ અઘરો પ્રોગ્રામ યાદ આવ્યો અને અદિતી તો મંડી પડી લોજીક બેસાડવા અને પ્રોગ્રામ લખવા. ઓચિંતા નું ધ્યાન ફેરવાયું ને કોઈ છબ છબ કરતું હોય તેવો અવાજ આવ્યો..’હેં ? અહીંયા પાણી નો અવાજ ક્યાંથી? કમ્પ્યુટર માંથી? ‘ અચાનક ભાન આવ્યું તો બારી ની બહાર થી અવાજ આવતો હતો. પાછળ ચોકડી ની બાજુ માં મોટી ટાંકી હતી..ને ફરી સવારેજ ખૂબ છલો છલ ભરી હતી.

‘આ વળી ટાંકી પાસે કોઈ શું કરે છે? ઓહ ! માય ગોડ….ચોર!!!! …પણ તે ટાંકી માં શું કરે છે? લાગે છે કે નાહતો હશે. તેને નાહવા ની શું જરૂર પડી ગઈ? હા હા..નાં નાં લાગે છે કે ટાંકી પર ચઢવા ગયો ને પેલું પાટિયું નીચે પગથી ખસ્યું ને અંદર પડ્યો. આમ પણ એ પાટિયું તો હલ્યાજ કરે છે. હવે શું કરું? કોઈ કબુતર નો નહીં પડ્યું હોય ને? બારી માંથી ડોકિયું કાઢું? કેટલા વાગ્યા? ઓહ્હ ! આ તો ત્રણ વાગી ગયા છે? કેટલું અંધારું હશે બહાર..કબુતર કેમનું હોય ! અત્યારે તો એ પણ ઘોર સુતું હશે. મમ્મી ને કેહવું પડશે..સો ટકા આ ચોર છે ..પણ એનો સામનો કેવી રીતે કરવો? ‘ અદિતી નાં મનમાં અવનવા વિચાર આવ્યા. મમ્મી ને જગાડી. કહે, ‘ પાછળ ટાંકી માંથી અવાજ આવે છે. ચોર નાહતો હોય નજીક એવું લાગે છે. જરા પપ્પા ને ઉઠાડ ને? મમ્મી તે પાછી બહાદુર ઘણી ! ના રે ના એમને ઉઠાડવા કરતાં , પાછળ લાઈટ કરીએ તે પોતેજ ભાગી જશે. ટોર્ચ લાવ ને ખોલ દરવાજો. મમ્મી ખાલી હિંમત આપે, પણ કરવું તો અદિતી ને પડે..!! ટોર્ચ લીધી, લાઈટ પણ કરી, પાછળ નું તાળું ખોલ્યું.

જોયું તો લંગડું આમ તેમ દોડ દોડ કરતું હતું. લંગડું ત્યાનું પાળેલું શેરી કુતરું હતું. આમ તો કુતરી હતી. ‘અદિતી, ટાંકી પાસે જા ને જો, ચોર જ હશે, તેથીજ પેલું આંટા મારે  છે. ‘ મમ્મી એ કીધું . તું જા , હું અહીંયાજ છું. ‘પણ નજીક જઈને કરીશ શું? ‘ વિચારતી અદિતી ગઈ તો ખરી, જોયું કે પાટિયું તો ખૂલેલું હતું ને અંદર થી છબ છબ નો અવાજ આવતો હતો. અંધારું બહુ હતું…રામ જાણે ચોર કેવો લાગતો હશે.?? એને જોઇને ગભરાઈ જઈશ તો? કાલ નાં પેપર નું તો કલ્યાણ જ સમજજો. હિંમત એ મરદા તો મદદે ખુદા …અને પાછું હનુમાન ચાલીસા નું રટણ.!!! ટોર્ચ ટાંકી ઉપર મૂકી ને જોયું..તો શું??? પેલું એક વર્ષનું ગલુડિયું!!! મમ્મી , આ તો ચીબુ છે!…અંદર પડી ગયું છે…અદિતી એ એકદમ પ્રેમ થી, બોલાવ્યું, ‘ચીબુ , તું અંદર કેમનું પડી ગયું? ઉભું રહે, તને બહાર કાઢું.’ચીબુ એટલે લંગડું કુતરી નું બચ્ચું.બંને અમારા ઘરના કમ્પાઉન્ડમાં જ રાતે રહેતા.

પાણી ની ટાંકી માં છબછ્બ કરતુ ચીબુ તો અદિતી ને જોઇને રાજી, અદિતી એ ચીબુ નાં આગળ ના બે પગથી, બગલ થી ઝાલીને ને બહાર કાઢ્યું. મમ્મી એ તેને ચાદર આપી, અને અદિતી એ એને ચાદર ઓઢાડી, કોરું કર્યું, થોડું પાણી આપ્યું, ને બિસ્કીટ. તેની ‘માં’ લંગડું પણ એકદમ રાજી રાજી થઇ ગઈ, ને બંને ત્યાંથી જતા રહ્યા. રે રામ…ખોદા પહાડ ઔર નિકલા ચીબુ !! હા હા હા…મમ્મી ને અદિતી અંદર ગયા ને તાળું મારી ને પાછા સુઈ ગયા…કમ્પ્યુટર નાં પ્રોગ્રામ ક્યાંય ભુલાઈ ગયા ને એકદમ મીઠી ઊંઘ આવી ને સીધી સવાર !!!!

૮. એમનો સુરજ ઉગ્યો અને સદા તપતો રહેશે.

( મારા ગુરુ-  રાસભાઈ)

રાસભાઈ,મારાં પ્રિય ગુરુ.કલા ગુરુ તો ખરા જ પણ માર્ગદર્શક પણ હતાં.એમની પાસે સંગીત-કલા  શીખતા શીખતા જીવન જીવવાની કળા પણ શીખી છું.યુવા મહોત્સવની તૈયારી હોય કે ભવન્સ નો કોઈ પ્રોગ્રામ હોય જેમાં મારે ગાવાનું હોય,અથવા આકાશવાણી રેડિયો ઉપર ગાવા માટે ગીત તૈયાર કરવાના હોય,હમેશ  મને શીખવાડવા તૈયાર જ હોય.એટલું જ નહિ,ઘરે ગીત શીખવાડે અને મને કહેશે કે, ‘જમીને જજે,તું ખાઇશ નહિ તો ગાઈશ કેવી રીતે? એ વખતે મને ખાવામાં જરા નખરા વધારે જ હતાં અને કઈ શીખવાનું હોય ત્યારે ખાવા-પીવાનું ધ્યાન રહેતું જ નહિ.”વિભાબેન ! આ છોકરીને જમાડો,”અને આવી રીતે હુ ઘણી વાર જમતા જમતા એમની જીવન પ્રત્યેની ફિલસુફી, અને વિભાબેન પાસેથી  તેમના સંગીતના અનુભવોનું ભાથું મેળવી લેતી.

અમારા ભવન્સ વર્ગમાં અમે બધાએ ખૂબ જ મજા કરી છે અને સાચું તેમ જ સારું શિક્ષણ મેળવ્યું છે.અમારા ગ્રુપમાં હું,વાઘેલા,મારુતભાઈ,અંજનાબેન,મેધાબેન,રાગિણી વોરા,પ્રવીણ જોશી.અને બીજા અનેક. દરેક પ્રોગ્રામ વખતે કૈક નવું જ મેળવ્યું છે.

મે તો તેઓની પાસેથી માત્ર લીધું…લીધું…અને લીધું જ છે.

તો આજે અંતરની અંજલિ  દ્વારા ફૂલની પાંખડી જેટલું ય ઋણ ચૂકવ્યાનું આશ્વાસન લઉં છું અને સાચા અર્થમાં ઋષિ એવા મારાં ગુરુને શત શત વંદન !

આપણે કહીએ ને કે,આ તો આમનું જ.એ રીતે અમુક ગીતો રાસભાઈ સિવાય કોઈ ગાઈ જ ન  શકે અને કોઈ ગાય તો પણ એની સરખામણી રાસભાઈ સાથે જરૂર થાય.એવા કેટલાંક મારાં ગમતાં   અને મે સાંભળેલાં ગીતો એટલે,

-માડી  તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો.

-હળવા તે હાથે ઉપાડજો.

-એક એવું ઘર મળે આ વિશ્વમાં.

-આજ મે તો મધરાતે સાંભળ્યો મોર.

-હૃદયમાં વધી રહી છે.

– પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી.

આવાં અનેક  ગીતોનું મારી પાસે  સંભારણું છે.તેમાના  કેટલાંક તમને …

૧. અવિનાશ વ્યાસ.

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

૨. માધવ રામાનુજ.

હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

૩. માધવ રામાનુજ.

એક એવું ઘર મળે આ વિશ્વમાં,

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;

એક એવું આંગણું કે જ્યાં મને;

કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

કવિ ઇન્દુલાલ ગાંધી અડધી રાતે મોરનો ટહુકો સાંભળે છે અને કૌતુકવશ બહાર નીકળે છે. તમે ક્યારેય મોરને અડધી રાતે બોલતા સાંભળ્યો છે ?

હા,મે ખરેખર સાંભળ્યો છે.અને એ ટહુકાર એટલે કોઈની તમાં ન હોય એવા એક કલાકારનો નાદ.…. પણ એક વાત નક્કી છે કે અડધી રાતે કોઇ મોર કે કોયલનો કલશોર સાંભળવો, કે પછી આકાશમાં ઊડતા સારસ પક્ષી કે કુંજ પક્ષીના ટહુકાઓ (અડધી રાતે) સાંભળવા એ ખૂબ જ રોમાંચક ઘટના છે.

૪. ઇન્દુલાલ ગાંધી.

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર

વાદળા ય ન્હોતાં ને ચાંદો યે ન્હોતો,
ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીઝણો,
છેતરાયો નટવો નઠોર.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
કાજલ કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે,
સંકેલી લીધો કલશોર.

૫. અખો ભગત અને પ્રીતમ

તિલક કરતાં ત્રેપન ગયાં,જપમાળા ના નાકાં ગયા,

તીરથ ફરી ફરી થાક્યા ચરણ,તો ય ન પહોચ્યો હરીને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યાં કાન,તો ય અખા ના આવ્યું બ્રહ્મ જ્ઞાન ,

એક દિન એવો આવશે,સબળ મારાં રુદિયામાં સાલે જી,

સગાં ને મિત્રને કારણે કોઈનું જોર નવ ચાલે જી.

કાઢો કાઢો એને સૌ કરે,જાણે જન્મ્યો નહોતો જીવ?!

પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી,ને એને મુવા ટાણે સંત બનાવો.

તુલસી મંગાવો,એને તિલક કઢાવો,મુખે રામનામ લેવરાવો રે…..

દવ લાગ્યા રે પછી કુવો ખોદાવો,ઈ કઈ પેર અગ્નિ હોલાશે ,

ધન હતું ઈ તો ચોર જ લઇ ગયા,પછી દીવો કરે શુ થશે રે……

હે માતપિતા  સુત ભાઈ ને ભગિની,ઈ સબ ઠગન કી ટોળી રે,

પ્રીત લગાડી તારું સર્વ લુટી લેશે,પછી રહેશે આંખો ચોળી રે…..

તળાવ બાંધ્યા પછી પાળ બંધાવો,ઈ કઈ પેર નીર ઠેરાશે રે,

કહે ‘પ્રીતમ ‘ પ્રીતે હરિ ભજન વિના,અવસર એળે જાશે રે…..

૬. ભગવતી કુમાર શર્મા.

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.

આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.

અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.

મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.

અન્ય મહાનુભાવોની શબ્દાંજલિ :

-નંદિની ત્રિવેદી તેમના પુસ્તક ગૌરવ ગુર્જરીમાં નોંધે છે કે શ્રુતિ વૃંદની એલ.પી. શ્રવણમાધુરીના રેકોર્ડિંગ બાદ અવિનાશ વ્યાસ માડી તાર મંદિરીએ સાંભળ્યા બાદ ધ્યાનમગ્ન થઈ ગયા હતા અને કહ્યું હતું કે આવો અનુભવ તેમને અંબાજીના મંદિરની બહાર કદાચ પહેલીજ વાર થયો.

-શ્રી રાસબિહારીભાઈને અંજલિ આપતા ટવીટર પર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિખ્યાત ગાયક, સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઈનું ગુજરાતી સંગીતને અમૂલ્ય પ્રદાન યાદગાર રહેશે, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

-શ્રી રાસબિહારી દેસાઈને અંજલિ આપતા પૂજ્ય મોરારી બાપુએ કહ્યું હતું કે, “પરમ સ્નેહી રાસભાઈની વિદાયના સમાચાર એક ક્ષણ માટે સ્તબ્ધ કરી દે એવા હતા. ભાઈ અંકિત ત્રિવેદીએ સમાચાર આપ્યા કે રાસભાઈ આપણી વચ્ચે નથી.શું કહું? સુરજ સ્વર અને શબ્દની ત્રિવેણી સમા તીર્થરૂપ સાધકની વિદાય આંચકો આપી ગઈ. બસ એમના નિર્વાણને મારા પ્રણામ અને શ્રદ્ધાંજલિ અને સમગ્ર પરિવારને દિલસોજી પાઠવીને રામ સ્મરણ સાથે મારી પ્રભુ પ્રાર્થના જોડું છું.”

-કવિ અંકિત ત્રિવેદીએ શ્રી રાસબિહારીભાઈને અંજલિ આપતા કહ્યું છે કે ‘ગુજરાતી કાવ્ય સંગીતે એનો પોતાની મસ્તીથી એકેડમીક કામ કરનારો, ભવન્સ ક્લાસીસ ત્રણ દશકાથી ચલાવનારો, સંગીતમાં નવા અવાજોને રજૂ કરનારો પ્રતિભાવંત ગાયક, સ્વરકાર અને એકેડમીક-પાયાનું કામ કરનાર એક વિદ્વત્ત, મૂઠી ઉંચેતો ભાવક ગુમાવ્યો છે. માંડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યોનું એક મોટું કિરણ આજે આથમી ગયું છે. પ્રત્યેક સ્વરકાર, પ્રત્યેક ભાવક, પ્રત્યેક હદયસ્થ રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ પાઠવે છે. ગુજરાતી સાહિત્યએ, સંગીતે થોડાક દિવસોમાં વારાફરથી મોટા મોટા દિગ્ગજો ગુમાવ્યા છે ત્યારે મા સરસ્વતીને પ્રાર્થના કરવાનું મન થાય છે કે હે મા માતૃભાષાની, માતૃસંગીતની રક્ષા કરજે.”

અસ્તુ !

 ૯. (ગાંધીજી)

એકવાર ગાંધીજીને મેં પૂછ્યું,”આપ,અમ સાધકોના સાથી જ નહી, પણ માર્ગદર્શક પણ છો.અમારા દોષ સહન કેમ કરો છો ?અમને દોષ બતાવતા કેમ નથી?”

ત્યારે ગાંધીજીએ કહ્યું કે,”હું એક માળી છું માળી શું કરે છે?એ એક છોડ વાવે છે એટલે એમાં ખાતર,અને પાણી આપે છે.હવે એ છોડની આસપાસ ઘાસ પણ ઉગે,એ ઘાસને પણ પેલા ખાતર-પાણી મળે છે.છોડની દ્રષ્ટિએ ઘાસ અનિષ્ટ છે,છતાંય મળી એને તરત ઉખેડી નાખતો નથી.એણે ખબર છે કે જો ઘાસ ઉખેડવા જઈશ તો કદાચ પેલો કુમળો છોડ પણ ઉખડી જશે.તેથી એ ધીરજ રાખે છે.પછી જયારે તેને ખાતરી  થાય છેકે, હવે છોડના મૂળિયાં બરાબર મજબૂત થયા છે ત્યારે જ તે કુશળતા પૂર્વક ઘાસ ઉખેડી નાખે છે.”

ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું મારા આચાર વિચારમાં તેમને ન ગમતા દોષ કયા કયા છે તે શોધવા લાગી ગયો.દોષો શોધવા અઘરા ન હતાં.પરંતુ નજરે ચડેલા દોષોને ઉખાડીને ફેકી દેવા એ કેટલું અઘરું છે તેની તે દિવસથી જ મને ખબર પડવા માંડી.

-કાકા કાલેલકર

૯. એ તો મારો ભાઈ છે.

 ડુંગરનું ચઢાણ આકરું હતું.યાત્રાળુ સહુના મો પર થાકના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતાં.આ બધાની સાથે બારેક વર્ષની એક છોકરી પણ ચડતી હતી.તેની કેડે એક ચારેક વર્ષનો છોકરો તેડયો હતો.કોઈને એની દયા આવી ઈટલે પૂછ્યું કે,”અલી છોડી,આ છોકરાને ઉચકીને ચડે છે તે તને બહાર નથી લાગતો?”

છોકરીએ જવાબ આપ્યો,”ભાર!-ના રે,એ તો મારો ભાઈ છે !”

-સનતકુમાર ભટ્ટ

 

ટૅગ્સ:

લાગણી બે પ્રકારે….

શુ ખબર,શુ હશે ?દિલમાં કઈક થાય છે !

લાગણી બે પ્રકારે અનુભવાય છે.

આજ દિન છે ખુશીનો,એ જાણવા છતાં,

આંખમાં કેમ ધુમ્મસ જેવું છવાય છે…..લાગણી.

આ હજી ગુંજતાં જ્યાં હાલરડા ના સૂર,

આજ ત્યાં કોની કંકોતરી લખાય છે….લાગણી.

એક બાજુ હરખ થી આ ઉછળે છે મન ,

બીજી બાજુ વિરહ નુ કોઈ ગીત ગાય છે…લાગણી.

દુઃખ ભુલાવી ઓ મન,સુખમાં છલકાઈ જા,

આજે દીકરી ના સુખના શમણાં પુરાય છે…લાગણી.

( મારી બંને દીકરીઓના લગ્ન નક્કી થયાં,ત્યારે મારા મનમાં આવા બે પ્રકારના ભાવ ઘુંટાતા હતાં.અને આ ગીત રચાઈ ગયું.)

 

ટૅગ્સ:

મળતા નથી કઈ આમ ‘રમેશ’ રસ્તામાં – રમેશ પારેખ નુ જીવન અને કવન.


જાતને દોર બાંધીને ઉડાડનાર સર્જક.

શ્રી રમેશ પારેખ નો જન્મ અમરેલીમાં.૧૯૪૦ ની સાલમાં થયો.

તેમનું ઉપનામ“છ અક્ષર નુ નામ”.

તેમના ‘મા’ નર્મદાબેન શુદ્ધ કાઠીયાવાડી ભાષા બોલતા.રમેશ ભાઈ નું કહેવું છે કે,

“આ વાણી,આ ભાષામાંથી મારા માપનો જોડો સિવાયો છે.”

તેમના કુટુંબમાં કોઈ સાહિત્યકાર થયેલા નથી.તેમના મોટાભાઈ જ્યારે ભાવનગરની કોલેજમાં બે વર્ષ ભણ્યા,ત્યારે તેમનાથી સીનીયર શ્રી હરીન્દ્ર દવે હતા,તેઓ જે લેખો લખતા તે એમણે વાંચેલા પણ કઈ સમાજ પડી નહોતી.રમેશ પારેખે ‘કાન્ત’ના કાવ્યોથી પ્રભાવિત થઇ છંદ ણા છંદે ચડ્યા.અને “હે પ્રભુ તમને નામું છું હાથ જોડીને,અરે!”જેવી પંક્તિઓ ‘હરિગીત’છંદમાં લખી.તેમણે આ પ્રેરણા મળી,’મણીકાંત’ની કાવ્યમાલા મા ના ‘શશીકાંત,મારા લગ્ન ની કંકોત્રી વાંચજો …..કંકુ નથી મમ રક્તના છતાં પડ્યા અવલોકજો…..’ આ રાગથી કાન પરિચિત થઇ ગયા હતાં.પણ આ જ છંદ ‘હરિગીત ‘છે તેવી ખબર તેમણે અભ્યાસ પછી પડી.તેમણે ચિત્રોમાં પણ ઇનામો મેળવ્યા છે. 

    તેમણે ૧૯૫૮ મા જીલ્લા પંચાયતમાં  નોકરી સ્વીકારી.શરૂઆતમાં તેમણે ગદ્ય વધુ લખ્યું. ઈશ્વર પેટલીકર ની નવલકથા, ‘ તરણા ઓથે ડુંગર” એક મેગેઝીન મા વાંચીને ખુબ પ્રભાવિત થયા.ને તેમણે લખવા ની ઈચ્છા જોર કરી ગઈ.તેમણે”કાળું ગુલાબ’,’ગુલાબ નો છોડ’,અને ‘પ્રેત ની દુનિયા’લખ્યું.આમ લગભગ ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી.કવિતાઓ લખતા ખરા પણ બરાબ્ર નથી એમ લાગતા છપાવવાનું માંડી વાળતા.૧૯૬૬/૬૭ મા અનીલ જોશી અમરેલી આવ્યાં અને તેમની મિત્રતા અને લખાણ બંનેમાં ચાર ચાંદ લાગ્યા.અનીલ જોશી ની પ્રેરણાથી તેમનું નવતર ‘કાવ્ય સર્જન’ શરુ થયું અને બસ,પછી તો ‘રમેશ’ સાહિત્ય ના ઇતિહાસ મા એક સીમા ચિહ્ન એ ‘રમેશ’.

    અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ. લોકગીતો-ભજનોને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદતાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે.તેમના ધોધમાર વરસતા સાહિત્ય સર્જનમાં વાચકો ખુબ આનંદ થી ભીંજાયા છે.

  તેમણે ૧૯૮૨ મા  નર્મદ સુવર્ણ ચંદ્રક , ૧૯૮૬ મા રણજિતરામ  સુવર્ણ ચંદ્રક, ૧૯૯૪ મા  દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો મેળવ્યા છે.

રમેશ પારેખની વિશિષ્ટતા હોય તો તે છે, લોકોનાં હ્રદયમાં ઉતરી જાય તેવી રચનાઓ આપવી. સાંભળતાં પહેલા તો વહેમ જાય કે આ લોકગીત તો નથી ને. એટલી સરળતાંથી તેઓ જનસમુદાયની લાગણીને સમજી શક્યા છે અને તેટલી અસરકારકતાંથી અભિવ્યક્ત પણ કરી શક્યા છે. ગુજરાતી સાહિત્યમાં પ્રેમગીતોને પ્રચલીત બનાવવામાં રામશ પારેખનો ફાળો નાનોસુનો નથી.જો કે મને તેમના ચીન્તાન્તામક કાવ્યો વધુ ગમે છે.જેમ કે,

શોધું છું.

“શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,

મળતા માંથી રમેશના રસ્તા રમેશમાં.

ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે,

એના હજુય ટમટમે પગલા રમેશમાં.

ખોદો તો ડટાયેલું કોઈ શહેર નીકળે,

એમ જ મળે રમેશના સપના રમેશમાં.

અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,

અર્ધા રમેશના છે ધુમાડા રમેશમાં.

આખુંય રાજપાટ હવે સૂમસામ છે.

કારણ કે મૃત્યુ પામ્યો છે રજા રમેશમાં.

ફરતું હશે કોઈક વસંતી હવાની જેમ,

આજે ઝૂલે છે એકલા જાળાં રમેશમાં.

ઈશ્વર,આ તારી પીળી બુલંદીનું શુ થશે?

ખોદ્યા કરે ખાડા હમેશ તું રમેશમાં.

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો,

ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.

આસ્થા.

જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?

પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !

જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.

ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.

તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.

તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.

‘ચશ્મા કાચ પર’,’ત્વ’,’ખડિંગ’,’ક્યાં જેવા અનેક કાવ્યસંગ્રહ તેમના નામે બોલે છે.  ‘છ અક્ષરનુ નામ’માં તેમની બધી કવિતાઓ ગ્રંથસ્થ થઇ છે.રમેશ પારેખ ની ઓળખ બાળકોનાં ભેરુ તરીકેની પણ છે. ‘ચીં’,’હાઉક’ જેવા બાળગીતો વાંચી અમારી પેઢી મોટિ થઇ છે. ‘દે તાલ્લી’ અને ‘હફરક લફરક’ની બાળવાર્તાઓ મોટાઓને પણ લલચાવે છે.

હાથી પર સવારી કાઢી કોઈ શહેરે કવિનું સન્માન કર્યું હોય એવી દાંત કથાને રમેશ પારેખે હકીકત બનાવી જાણી.

રમેશ પારેખ કહે છે કે તેમણે કદી પતંગ ઉડાડ્યો નથી.પરંતુ નાની ઉમરથી જ એક ‘બાલીશ’મનોકામના ખરી કે પતંગ ને તો નહિ,પણ જાતને દોર બાંધીને ચગાવવી છે. 

અને આપણે જોયું જ કે આ ઈચ્છા પણ તેમની પૂરી થઇ  જ છે.સમગ્ર ગગન ને તેમણે પોતાના બાહુમા સમાવી,આકાશી તત્વની શક્તિ ભરી અને ઇન્દ્રધનુષ ના રંગોને પોતાની કલમ માં પૂરી,સાહિત્યના પતંગને છુટ્ટો દોર આપ્યો.આવા કવિને ૨૦૦૬મા ગુમાવીને ગુજરાતી સાહિટ્ય એ  ઘણું બધું ગુમાવ્યું છે.

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંડમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ.

રમેશ પારેખ ની ગઝલો.

“ગઝલ હું લખું છું અને આજુ-બાજુ

બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે”

૧. ગંગા નીકળે ..

હાથ ને ચીરો તો ગંગા નીકળે,

છેવટે એ વાત અફવા નીકળે

સ્તબ્ધ આંખોની  કરો ખુલ્લી તપાસ,

ભોયરાઓ ક્યાં ક્યાં એના નીકળે.

એ શુ કબ્રસ્તાન નુ ષડયંત્ર  છે ?,

મુઠ્ઠી ઓ ખોલો તો મડદાં નીકળે.

દાબડીમાં એક માણસ બંધ હોય,

ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

રાત નિરંતર મેશમાં સબડે સતત,

સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

૨. મરણ મળે…

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,

બચી શકાય તો બચવાની ક્ષણ માળે તમને.

ખજૂરી જેવડો છાંયો મળે,એ સિક્કાની,

બીજી ય બાજુ છે એવી કે રણ મળે તમને.

તમારા કંઠમાં પહેલા તો એક છિદ્ર મળે,

પછી તરસ ને પછીથી હરણ મળે તમને .

ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોચો પણ,

સમગ્ર શહેરના લોકો અભણ મળે તમને.

૩. તમારા વગર.

તમારા વગર એ કુંવારી જ રહેશે,

તમારી કબર તો તમારી જ રહેશે.

તમે  ઘર કે શેરી બદલશો પરંતુ,

ભીંતોની વફા એકધારી જ રહેશે…

ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી,

કે ખારી જમીનો તો ખારી જ રહેશે…

પગેરું હયાતીનું જોયું છે કોણે ?

કે એ તો  ફરારી ,ફરારી જ રહેશે….

૪.આંખોમાં આવી રીતે...

આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ,

ખાલી થયેલા ગામમાં,જાસો ન મોકલાવ…

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,

રહેવા દે  રોજ તું મને,ગજરો ન મોકલાવ….

ખાબોચિયું જ આમ તો, પર્યાપ્ત હોય છે,

હોડી ડુબાડવાને તું,દરિયો ન મોકલાવ….

થોડોક ભૂતકાળ મે આપ્યો હશે ,કબૂલ

તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

૫. લે  ચાલ,શણગારું..

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને

હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આ મહેલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

૬.મારાથી કર શરુ.

પીવડાવવો છે જામ,લે મારાથી કર શરુ,

તું આમ સહેજ આવ,લે મારાથી કર શરુ.

તું લઈશ તો બ્રહ્માંડે ય આવી જાશે બાથમાં,

આસાન છે આ કામ, લે મારાથી કર શરુ..

માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું,

હુ છું પ્રથમ મુકામ લે,મારાથી કર શરુ…

તારે દીવાના કીમિયાની કરવી હો પરખ,

રૂઝાવ દુઝતા ડામ લે, મારાથી કર શરુ…

તારી પીડામાં હિસ્સેદાર કોણ કોણ છે ?

લખવા છે તારે નામ ? લે, મારાથી કર શરુ…

‘દાસી જીવણ’ ને જેવી હુલાવી ‘તી  તે કટાર,

એવી જ કતલે-આમ લે,મારાથી કર શરુ

૭. ક્યાં જવાયું છે ?

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?

હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .

પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .

બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .

ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

૮. ઝાંઝવા

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે

૯. કોને ખબર ?

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું ઃ તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

૧૦. અભાવ !

આમ ન સાલે કોઈનો અભાવ,કોઈ આવે તો કોઈને માટે,

મે ગાલીચા જેમ આ મારો પાથર્યો સ્વભાવ.

તડકામાં સુકવવા મેલી,આંસુથી તર એકલી ડેલી,

એકબીજાને વળગ્યાં નેવાં,બાવરી હવા મેઘને ઉનો શાપ આપે કે ન આવ, ન આવ…

એક ઉદાસી નામની ડાકણ,ફૂક મારે ત્યાં રફરફે રણ,

સાંજ પડે ને થાય ધબાકો,જીવંત વચ્ચોવચ સબાકો,

આખેઅખું આભ હમેશા બનતું,લોહી ઝરતો બનાવ….

૧૧. આ શહેર..

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

૧૨. અદાલત..

હવે પાપણો મા અદાલત ભરાશે,

મે સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

મને આ નગરમાં નિરાધાર છોડી,

રસ્તા બધા કોની પાછળ ગયાં છે ?

છે આકાશમાં ક્ષ્છે,અને આંખોમાં પણ છે,

સુરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે.

પહાડો ઉભા રહીને થાક્યાં છે એવા,

કે પરસેવા નદીઓની પેઠે વહ્યાં છે.

મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,

હુ છું ને ચારે તરફ ડુંગરા છે.

૧૩.બાદ કરી જોઉં.

તારા સ્મરણ ને મારામાંથી બાદ કરી જોઉં,

કોશિશ હુ આપઘાત ની એકાદ કરી જોઉં.

શા માટે બાંધી રાખવા સગપણ ના પાંજરે,

લાવો,તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે,શી ખબર,’

સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં.

આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજકાલ,

રહેતું’તું કોણ ,લાવ જરા યાદ કરી લઉં.

છું હુ કોઈક માટેની સાષ્ટાંગ પ્રાર્થના,

મંદિરમાં કોણ છે,હુ કોને સાદ કરી જોઉં.?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને,

પેશે-નજર ‘રમેશ’ની સોગાદ કરી જોઉં.

૧૪. ઘર સજાવ તું.

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું

લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું

આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં

પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું

સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે

કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું

અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો

થોડી ક્ષણોને ઘૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું

હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?

તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું

બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ

ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ .

પારેખ ના ગીતો.

૧૫ . લે બોલ…

 દરિયામાં હોય એને મોતી કહેવાય છે

તો આંખોમાં હોય તેને શુ ?

અમે પૂછ્યું,લે બોલ હવે તું!

પંખી વછોયી કોઈ, એકલી જગાને તમે

માળો કહેશો કે બખોલ ?

જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે

ભણકારા વાગે કે ઢોલ ?

 બોલો સુજાણ ઉગ્યું, મારામાં ઝાડવું કે  ઝાડવામાં ઉગી છું હુ….

ઉંચી ઘોડી ને એનો ઉંચો અસવાર એના,

મારગ મોટા કે કોલ મોટા,

દરિયો તરવાની હોડ માંડે તો એના,

પાણી જીતે કે પરપોટા?

સુરજ ન હોય તેવી,રાતે ઝીકાય છે,તડકાઓ હોય છે કે લૂ ?!

૧૬. .સાંવરિયો.

સાવરિયો રે મારો ,સાવરિયો,

હુ તો ખોબો માગું ને દઈ દે દરિયો….

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં,

એવી લથબથ ભીજાની હુ વ્હાલમાં,

મારા વાલમજીનું નામ મારું નાણું.

મારા જીવનું ગુલાલ જેવું ગાણું,

જાણું રે  એણે ખાલી ગળામાં ટહુકો ભરિયો…..

કોઈ પૂછે કે ઘર તારું કેવડું,

હો હો હો..મારો વાલમજી બાથ ભારે એવડું,

આંખ ખટકે ઉજાગરાથી રાતી,

ઝીણા ધબકારે ફાટ ફાટ છાતી,

છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો…..

૧૭. મન પાંચમ ના મેળામાં..

આ મન પાંચમના મેળામાં સહુ જાત લઈને આવ્યાં છે,

કોઈ આવ્યાં છે સપનું લઈને,કોઈ રાત લઈને આવ્યાં છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા,કોઈ દોરાનું તૂટવું લાવ્યા,

કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યાં છે….

કોઈ ઝરમર ઝરમર  છાંયડીઓ,કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,

કોઈ ભાત તો કોઈ તંબુની મિરાત લઈને આવ્યાં છે….

કોઈ ચશ્માં જેવી આંખોથી વાચે છે છાંપા વાચાના,

ને કોઈ અભણ હોટો જેવી વિસાત લઈને આવ્યાં છે…

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે  ઉમટતા,

કોઈ અધકચરા, કોઈ અણોસરા, જઝબાત લઈને આવ્યાં છે…

કોઈ લાવ્યા કિસ્સો અજવાળું,કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા,

કોઈ લીલી સુક્કી આંખોની મિરાત લઈને આવ્યાં છે….

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું  લાવ્યો તું ય “રમેશ”,

સૌના ખભે સૌ અણીયાળી કોઈ વાત લઈને આવ્યાં છે…

૧૮.  ઝાડ

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

૧૯. ખીંટી

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…
ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા
ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…

૨૦. લ્યો,વાંચો.

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?

વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

૨૧. એકબીજાને ગમીએ..

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને   ભાતીગળ  રંગોળીમાં  ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં   ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

૨૨. ગોરમા

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ

ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

૨૩. વરસાદ ભીંજવે.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

૨૪. ગીત હવે શોધું…

ગાતાં ખોવાઈ ગયું ગીત કે ગીત,

હવે શોધું ક્યાં કલરવ ની ભીડમાં?

ઘેઘુર ઉજાગરામાં ઉગે તે રાતને,આથમી ન જાય એમ રાખું,

ભીડેલી પાંપણ માં કોણ જાણે કેમ,ફરી ઉઘડે પરોઢ ટો ય ઝાંખું!

આખું આકાશ પછી આવીને બેસતું,

પંખીના ખાલીખમ નીડમાં ..કે ગીત..

આંગળી ની ફૂકથી, ન હોલવી શકાય એવા,પથ્થરમાં ઝળહળતા દીવા,

પાણીથી ફાટ ફાટ છલકાતા હોય તોય,ચીતર્યા તળાવ કેમ પીવા?

જંગલ તોડીને વહે,ધસમસ લીલાશે,

ભીંજે નહિ તરણું ય  બીડમાં….

૨૫. આંખો…

સખીરી, હવે આંખોનું નામ નહિ આંખો,

આંખો તો મોગરા ની ડાળીનું નામ ,

એને શમણું જોયાનું ફૂલ ઝૂલે…

રુંવે રુંવામાં  પડે મ્હેકતી સવાર,

જ્યારે પાંપણ ની પાંદડીઓ ખૂલે,

હાથમાં થી સરકી ને વહી જાતા સાન ભાન,

વીંઝે રે દુર દુર પાંખો…..

દીધું ન જાય કોઈ પંખીનું નામ,

એવી હોઠો માં ઉપડતી ગહેક,

એટલું ય ઓછું ના હોય એમ ફળિયામાં,

આંબાની લૂમઝૂમ શાખો…

૨૬. હું તને કેટલી ગમું?

હુ તને કેટલી ગમું ?એમ પુછું તો,તાણે તલવાર મારો સાહ્યબો.

મને તેડીલ્યે અડધેરી આંખે,

મને પાઘડીના છોગામાં રાખે,

મને મનફાવે એ રીતે ચાખે,

હુ એની તેજુરી હોઉં એમ મારામાં ભરતો ધબકાર મારો સાહ્યબો…..

આમ કેસરી મિજાજ આમ કૂડો,

મને બંધાવે ચાવીનો ઝૂડો,

પછી કહેતો કે જીવ તારો રૂડો,

હુ એનો મોલ હોઉં એમ થતો મારામાં,ધોરીયાની ધાર મારો સાહ્યબો….

૨૭.ઘાવ ઉપર ફૂક.

ઘાવ ઉપર મારે છે ફાગણ ફૂંક ફૂંક ફૂંક,

બમણી તમણી બમણી તમણી ચૂંક ચૂંક ચૂંક.

ગઈકાલે સપનામાં મુને સરપ આભડયો માડી,

એનો આ છાતીની અંદર ફરફોલો રજવાડી,

ઘા ખોતારની જેવી કોયલ કૂક કૂક કૂક…

એક જ દી’ મા અડધું થઇ ગ્યું નાડીમાથી લોહી,

ખડકી ખોલી ઉભી રહું પણ વૈદ ન આવે કોઈ,

મન તો ચડ ઉતર કરે પીડાની ટૂંક ટૂંક ટૂંક…..

૨૮.  શુકન .

આજ મને મોરપિચ્છ ના શુકન થયા સખી,થયા સખી,

ચપટી નીંદર વીણવા અમે ટેવના માર્યા ,બોરડી કને ગયાં સખી…

આજ રાબેતા ભેર  હુ મારે ઘેર પાછી ના આવી,

કોઈ મને ઘેર લાવ્યું કે હુ  ઘેર કોઈને લાવી,

પાસપાસે અણસાર જેવું તોય નીરખું ને ,

મોં સૂઝણા છેટા રહ્યા સખી….

મોર વિનાનું પીંછ દીઠું કે પીછ વિનાનો મોર,

કોણ જાણે કેમ કીકીઓ કરે, ઢેલ સમો કલશોર,

મોર ને એનું કોક ચોમાસું સાંભરી આવે,

એટલાં લોચન વહ્યાં સખી….

૨૯. પાન ફરકે.

પાન ફરકે અને સઘળાં પ્રસંગ યાદ આવે,

સળીની ઠેસથી જંગલ સળંગ યાદ આવે.

મુકામ આમ તો થોડાક શ્વાસ છેટો હોય,

ને વચ્ચે પાથરેલી સુરંગ યાદ આવે.

આમ ૧૯૪૦મા જન્મ્યો છું ‘રમેશ’,

છતાં યુગો થી લડુ છું  આ જંગ યાદ આવે.

૩૦. કાગળ હરિ લખે તો...

– કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

૩૧. સુરજ વિનાનું ગામ.

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઇ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઇ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

૩૨. ગુલમ્હોર.

છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
દેહ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

વાયુ અણિયાળો બન્યો  તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?

ભાન ડહોળાતાં થયા ગુલમ્હોર મહોર્યા એટલે.

૩૩. લખો !

 કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !

તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો

તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !

ફરી પૂંછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?

લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્ર્નનો જવાબ લખો !

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના

તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની

બધા તમારા આપઘાતના હિસાબ લખો !

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?

તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો

૩૪. હોકારો.

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

૩૫. તમને ફૂલ દીધાનું યાદ.

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની

સાખે તમને ફૂલ દીધાનું યાદ

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં

તરતા ખેતરશેઢે, સોનલ…

તમને ફૂલ દીધાનું યાદ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે

ઝૂલ્યા ટગરટગર તે યાદ

અમારી બરછટ બરછટ હથેળીઓને તમે

ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની

સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેનાં ખેતરમાં ચાસ

પાડતાં હળ મારી આંખોમાં ફરતાં

એકલદોકલ કોઈ ઉછળતું સસલું

દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં

તરે પવન ના લયમાં સમળી તેના છાયા

છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા

તમને ફૂલ દીધાનું યાદ…

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર

ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું

નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની

સાખે તમને ફૂલ દીધાનું યાદ

૩૬. મારા બારણા….

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ

મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી

આઘી હળસેલતીક જાગું

દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની

ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને

ટેકે ઊભી રે મારી ધારણા

મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ

સૂરજની હેલ્ય ભરી આવે

કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી

કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને

બાંધી લ્યે થઈને સંભારણાં

મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ

મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

(-રમેશ પારેખ અને અનિલ જોશીની સંયુક્ત રચના.)

રમેશ પારેખ ના બાળ ગીતો.

૩૭. હુ ને ચંદુ

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

૩૮. ભોપો.

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો

ટોપો હતો બ્લ્યૂ, તેમાં હતી જૂ

જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો

તો ય રાખે ભોપો, કાઢે નહીં ટોપો

ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો

વંદો ફરે માથે, ટોપા સાથે સાથે

વંદો ભાળે જૂ, બોલે: સૂ સૂ સૂ

જૂને બીક લાગે, આમ તેમ ભાગે

જૂ સંતાય છે, વંદો ખિજાય છે

વંદો કાઢે ડોળા, કરે ખોળંખોળા

હડિયાપટ્ટી મચ્ચી, થાય ગલીપચ્ચી

ભોપો ખણવા બેઠો, ટોપો પડ્યો હેઠો

૩૯. એકડો..

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.

રમેશ પારેખના છોકરા- છોકરીના ગીતો.

૪૦. સીટી.

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને

સોનેરી ચોકલેટ કાઢી રે

છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ

ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,

તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે

જે કાંઇ થયું એ તો છોકરાને થયું

એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

૪૧. એક છોકરી ન હોય…

એક છોકરી ન હોય ત્યારે

કેટલાં અરીસાઓ

સામટા ગરીબ બની જાય છે

બીજું શું થાય

કંઈ પથ્થર થઈ જાય

કંઈ ચોખંડી ચીજ બની જાય છે

શેરીના છેવાડે ઊભેલા છોકરાને

શું શું નહિ થાતું હોય બોલો

હાથમાંને હાથમાં જ મોગરાનું

ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

અંધારું સાંજ પહેલા

આંખોમાં ઘેરી વળે

એવો બનાવ બની જાય છે

સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ

છોકરીના હિસ્સાના સૂરજનું શું

આમ તો સવાલ આખા ગામનો છે

પણ કેવળ છોકરાને આવે આંસુ

ગામ વચ્ચે ઓગળતો

ઓગળતો છોકરો

કંઈ પણ નથી , બની જાય છે!

૪૨. રૂમાલ.

એક છોકરીના હાથથી રૂમાલ પડે

એ  લેવા આખુંય ગામ વળે નીચે

જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,

એ બાબત પર ઠેર ઠેર ગરમી.

પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર

અને નાસ્તિકો થઇ ગયા ધરમી.

કારણ કે મંદિરે જાય છોકરી તો

લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની

ગંભીરતામાં પડી ગયો ગોબો.

સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે

કે જરા મોઢાઓ માંજો ને શોભો.

કારણ કે,ફળીયાના હિંચકે આ છોકરી,

એકલી બેસીને રોજ હીંચે.

રમેશ પારેખ ના ચિંતનાત્મક  સર્જન.

૪૩. હુ મરી ગયો.

હું મરી ગયો.

અંતરિયાળ.

તે શબનું કોણ ?

તે તો રઝળવા લાગ્યું.

કૂતરૂં હાથ ચાવી ગયું

તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગ ઇ

કાગડા મજેથી આંખો ઠોલે

કાન સોંસરી કીડીઓ આવે-જાય

સાલું, સાવ રામરાજ ચાલે..

પવન દુર્ગંધથી ત્રાસીને છૂ

તે વાળ પણ ન ફરકે

-ને આ બાજુ સાંજ પડું પડું થાય.

ઘેર જવાનું તો હતું નહીં.

આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

હું સારો માણસ હતો.

નખમાં ય રોગ નહીં ને મરી ગયો.

કવિતા લખતો.

ચશ્માં પહેરતો.

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.

પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

અને એમ સહુ રાબેતાભેર.

ખરો પ્રેમ માખીનો

જે હજી મને છોડતી નથી.

હું બિનવારસી,

ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

પણ કાકો ફરી અવતરશે.

ને માણસગીરી કરશે, હી હી હી..

-આમ વિચારવેડા કરતો હતો

તેવામાં

બરોબર છાતી પર જ

ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.

પણ નહોતું.

છાતી પર પતંગિયું બેઠું’તું

પતંગિયું..

આલ્લે..

સડસડાટ રૂંવાડાં ઊભાં..

લોહી ધડધડાટ વહેવા માંડ્યું

ઓચિંતી ચીસ નીકળી ગ ઇ કે

હું મરી ગયો નથી..

સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?   

૪૪. ભગવાન નો ભાગ.

નાનપણમાં બોરા વીણવા જતાં,કાતરા પણ વીણતા,

કોકની વાડીમાં ઘુસી ચીભડાં ય ચોરતા.ટેટા પાડતા ને ખિસ્સા ભરતાં,

પછી બધાં ભાઈબંધો પોતાના ખિસ્સામાં થી ચોરીનો માલ,

ઠાલવીને ઢગલી કરતાં ને ભાગ પાડતા;

આ ભાગ ટીકુનો,

આ ભાગ દીપુનો.

આ ભાગ ભયાનો ને કનીયાનો …

છેવટે એક વધારાની ઢગલી કરી કહેતાં:

“આ ભાગ ભગવાન નો”

પછી સૌ પોત પોતાની ઢગલી ખિસ્સામાં ભરતાં,

ને ભગવાન ની ઢગલી ત્યાં જ મૂકી ,

રમવા દોડી જતાં.

ભગવાન રાતે આવે ,છાનામાના 

ને પોતાનો ભાગ ખાઈ જાય-એમ અમે કહેતાં.

પછી મોટા થયાં,

બે હાથે ઘણું ય ભેગું કર્યું,

ભાગ પાડ્યા-ઘરના,ઘરવખરીના,,

ગાય,ભેસ,બકરીના,

અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો,

સુખ,ઉમંગ,સપના,સગાઇ,પ્રેમ-

હાથમાં ઘણું ઘણું આવ્યું..અને ગયું,

અચાનક ગઈ કાલે ભગવાન આવ્યાં:

કહે,”લાવ મારો ભાગ”!

મે પાનખર ની ડાળી જેવા,

મારા બે હાથ જોયા-ઉજ્જડ.  

એકાદ સુકું તરણું ય નહિ!

શેના ભાગ પાડું ભગવાન સાથે?

આંખમાં ઝળઝળીયાં આવ્યાં,

તે અડધાં ઝળઝળીયાં આપ્યા ભગવાનને.

( આ બંને રચનાઓ મારી અડધી સદીની વચન યાત્રા-ભાગ-૪ માંથી લીધી છે તે બદલ શ્રી મહેન્દ્ર ભાઈ મેઘાણી નો ખુબ આભાર)

૪૫. પરપોટો.

પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,

પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,

પાણીથી કેમ કરી અળગા થવાય?

પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,

અને પાણીમાં છપાણું એનું નામ.

સામગામ પરપોટા સોંસરો દેખાય,

અને પરપોટો ફૂટ્યો અહીંયા,

અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..

હો ખલાસી.. હો ખલાસી…

પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,

એમાં કેમ કરી ઉડવા જવાય,

પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,

તે પાણીમાં તો એ ઉડે ભાઈ.

અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..

પરપોટો પાણીમાં મુંઝાય..

૪૬. પંખી તો ભગવાન છે..

ના રે, ના! પંખી ક્યાં ગાય છે?

પંખી તો ઊડતા ભગવાન છે

જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!

આ બાજુ પથ્થરના મંદિરમાં થાય

રોજ કાળમીંઢ ધર્મોના કાંડ

આ બાજુ પંખીઓ બેસતા એ

ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ

ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?

આવડે તો પીઓ, આ પંખીના કલરવથી

રસબસતો તડકો ઢોળાય છે

તાજપથી નાહેલું ઝાડવું હવામાં

જેમ છૂટ્ટાં મૂકી દે છે પાન

એમ ચાલ, વેગળું મૂકી દઇએ આપણે

ય મુઠ્ઠીમાં સાચવેલ ભાન

ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?

અહીંયા તો કંઠ એવું કોડિયું કે

કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે

પ્રેરણાત્મક ચમત્કૃત પંક્તિઓ.(ONE LINER OF RAMESH PAREKH)

૧.

આ બાજુ જંગલ દહન દેમાર ચાલુ,રમેશ,

આ બાજુ  કુંપળ ફૂટવાની કથા છે.

૨.

દરિયા નુ નામ એણે કદી સાંભળ્યું નથી,

ખાબોચિયાને ઠાઠ થી તરવા તે નીસર્યા.

૩.

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,

અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

૪.

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો

દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો

સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું

અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો

૫.

ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?

કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?

મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા

ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?

૬.

થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ

હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ

ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું

આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ

૭.

મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ

સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ

ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ

પાંપણોમાં અટવાતી રાત જાય ના આ

૮.

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે

સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે

બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં

અને વસંતના પવનની ફાંસ વાગતી રહે.

૯.

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ

અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ

કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર

કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

૧૦.

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે

દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે

બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને

બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

આ સાથે ‘મલ્ટીપર્સનાલીટી’ જેવા નભ ને બાથ ભીડતા એવા સર્જક વિશેનો મારો આ અભ્યાસ લેખ અહી વિરમે છે.આ લેખ માટે હું “ટહુકો.કોમ”,”અભિષેક”,અને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીની ખુબ જ આભારી છું.મે કેટલાંક ગીતો અને અમુક માહિતી  તેમાંથી મેળવી છે.

 

ટૅગ્સ:

ચાલો સંગીત શીખીએ.- (અલંકાર )

આના  પહેલા પાંચ અલંકાર આપ્યા છે , જે તમને યાદ જ હશે.આજે બીજા બે આપું છું. સોના,ચાંદી કે મોતીના અલંકાર જેમ આપણા શરીરની શોભા છે તેમ જ ગાયન ના અલંકાર આપણા ગળાને શણગારે છે.માટે રોજ  આ શણગાર કરવો જ જોઈએ.માટે ગાઓ, અને ગળાને તૈયાર કરો. આ બંને અલંકારો તાલ ની માહિતી સાથે જ આપેલા છે.જેમાં તાલ – ઝપતાલ અને તાલ – કહેરવા માં ગાવા.

૬.   આરોહ 

 તાલ – ઝપતાલ

 માત્રા – ૧૦

 તાલી – પહેલી માત્રા પર,

 ખાલી – ૬ ઠ્ઠી માત્રા પર.

 બોલ – [ ધીં   ના ] [ ધીં    ધીં   ના ] [ તીં   ના ] [ ધીં   ધીં   ના ]

 માત્રા -[  ૧     ૨  ] [  ૩     ૪     ૫ ] [  ૬     ૭ ] [  ૮    ૯    ૧૦ ]

 ×            ૨                 ૦           ૩

[ સા   રે ] [ સા   રે   ગ ] [ રે   ગ ] [ રે   ગ   મ ]

[ ગ   મ ] [ ગ   મ   પ ] [ મ   પ ] [ મ   પ   ધ ]

[ પ   ધ ] [ પ   ધ   ની] [ ધ   ની] [ ધ  ની  સાં ]

     અવરોહ 

[ સાં  ની] [ સાં  ની  ધ ] [ ની   ધ ] [ ની  ધ  પ  ]

[ ધ   પ ] [ ધ   પ   મ ] [ પ   મ  ] [ પ   મ   ગ ]

[ મ   ગ ] [ મ   ગ   રે ]  [ ગ   રે  ] [ ગ   રે   સા ]

૭.

તાલ – કહેરવા

માત્રા – ૮

તાલી – પહેલી માત્રા પર,(૧)

ખાલી – પાંચમી માત્રા પર.( ૫ )

           ×                         ૫

બોલ – [ ધા   ગે   ના   તી ] [ ન   ક   ધી   ન ]

માત્રા -[  ૧    ૨     ૩     ૪ ] [  ૫   ૬    ૭   ૮ ]

ચિહ્ન –     ×                       ૦

આરોહ- [ સા   રે   ગ   મ ] [ રે   ગ   મ   પ ]

           ( ૧    ૨    ૩   ૪ ) (  ૫   ૬   ૭   ૮ )

            ×                      ૦

           [ ગ   મ   પ   ધ] [ મ   પ   ધ   ની ]

           ( ૧     ૨    ૩   ૪) ( ૫    ૬   ૭   ૮ )

            ×

            [ પ   ધ  ની સાં ]

           ( ૧    ૨     ૩   ૪ )

             ૦                       ×

અવરોહ-[ સાં   ની   ધ   પ ] [ ની   ધ   પ   મ ]

           (  ૫    ૬   ૭   ૮ ) (  ૧     ૨    ૩    ૪ )

             ૦                      ×

            [ ધ   પ   મ   ગ ] [ પ    મ   ગ   રે ]

           (  ૫    ૬    ૭   ૮ )(  ૧    ૨    ૩    ૪ )

            ૦

            [ મ   ગ   રે   સા ]

            ( ૫   ૬    ૭   ૮ )

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: