RSS

Monthly Archives: ઓક્ટોબર 2012

ચિંતન કળીઓ.-

૧. તમારી પાસે અઢળક સોનું,રૂપું,હીરા-મોતી ધન ધાન્ય હશે.ઝવેરાતના મજુસ ના મજુસ હોય,સોના ચાંદીના ચરુ હોઈ શકે.છતાં એ વ્યક્તિ વધારે સમૃદ્ધ છે જેની પાસે દાદા-દાદી,કે નાના-નાનીએ કહેલી વાર્તાનો ખજાનો છે.

૨. કોઈના ઝખમ ભરવાની સહુથી સસ્તી અને અસરકારક દવા એ છે કે તેના દર્દની વાતો સહાનુભૂતિથી સાંભળો.

૩. લાગણી અને પ્રેમની બનેલ કોઈ સુંદર ઘટના એ જીવન ભરનું સંભારણું બની જય છે.જરૂર છે તો એની અભિવ્યક્તિની,અને ઓળખની.લાગણી અને પ્રેમ જ એવી ભાવનાઓ છે જે વ્યક્ત કરવી જ જોઈએ.એનાથી વ્યક્ત કરનાર અને અભિવ્યક્તિ ઝીલનાર બંનેના મનને આનંદ મળે છે.

Advertisements
 

ટૅગ્સ:

દયારામ ની ગરબી.

૧.તાળી દેતાં.(દયારામ)

ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ,

રાધિકા રંગીલી જેનું નામ વ્રજ વાસિની રે લોલ,

તાળી દેતાં,વાગે ઝાંઝર ઝૂમખાં રે લોલ….

સંગે સાહેલી બીજી છે ઘણી રે લોલ,

એક એક કહું એના નામ વ્રજ વાસિની રે લોલ….તાળી દેતાં..

ચંદ્રભાગા ને ચંદ્રાવલી રે લોલ,

ચંપક લતા છે ચારુ રુપ,વ્રજવાસીની રે લોલ….તાળી દેતાં..

આનંદ સાગર ત્યાં તો ઉછળ્યો રે લોલ,

મગ્ન થઇ લાડીલા ને લાલ વ્રજ વાસિની રે લોલ,તાળી દેતાં...

નોંધ:

આ ગીત મને ખૂબ જ પ્રિય છે.કેમકે,”મહીસાગર ને આરે”કેસેટમાં મારી પાસે આ ગીત ગવડાવવામાં આવ્યું છે.એનું કમ્પોઝીશન બહુ જ મીઠું છે.એમાં એક પ્રવાહ છે.જે મને ખૂબ જ ગમે છે.

 

ટૅગ્સ:

કન્યા વિદાય ના ગીતો.

૧ – પરણ્યાં એટલે….( નવી વહુના આગમન સાથે આ ગવાય)

પરણ્યાં એટલે પ્યારાં લાડી,ચાલો  આપણે ઘેર રે.

ઉભા રહો તો માગું મારા દાદા સીખ રે.

હવે કેવી સીખ રે લાડી,હવે કેવાં બોલ રે…

.પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારી માતા પાસે સીખ રે,

હવે કેવી સીખ રે લાડી હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે

ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે

ઢોલીડાં ઢબુક્યા રે લાડી ચડી બેસો ગાડે રે.

૨ – દાદાને આંગણ …

દાદા ને આંગણ આંબલો,આંબલો ગોળ ગંભીર,

એક રે પાન  અમે ચૂંટિયું,દાદા નવ દેશો તમે ગાળ.,

અમે તે લીલુડાં વનની ચરકલી,

ઊડી જાશું પરદેશ જો….

દાદા ને વ્હાલા એના દીકરા,

દીકરી દીધી રે પરદેશ,

મૈયરના ખોળા બેનીએ વિસારી દીધાં,

સાસરની વાટ્યું વ્હાલી કીધી જો…

૩ – ધીરે રે છેડો…(અવિનાશ વ્યાસ.)

આ ગીત મારું ખૂબ જ ગમતું ગીત છે.આમ પણ આશા ભોસલે એ આ ગીતને ખૂબ જ ભાવપૂર્વક ગયું છે.આ લખતાં લખતાં પણ મારું મન ગાય છે.

ધીરે રે છેડો રે ઢોલિ ઢોલકા,

એક વેલથી પાન વિંખાઇ રહ્યું,

આ મંગળ ટાણાની મેંદીને પીસતાં પીસતાં મનડું પીસાઈ રહ્યું. 

જાઓ રે છૂપાઈ ઓ શરણાઈ,તારા સૂર નથી રે હવે સુણવાં,

હું મોરલીએ ડોલન્તો નાગ નથી,કે નાચ નાચું ને માંડુ ધૂણવાં,

આ મંગલ દિને શાણપણું,મેં તો રાખ્યું તો ય રિસાઈ ગયું

એક વેલથી પાન પીંખાઈ રહ્યું,ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં

જરીએ જડેલ તને અંબર દીકરી,દીધાં મેં ગોતી ગોતી

સોના રે દીધાં ને રૂપા રે દીધાં,માણેક દીધાં ને મોતી,પણ

એક ના દીધું તને આંસુનું મોતી,તને દઉં ના દઉં ત્યાં વેરાઈ ગયું

એક વેલથી પાન પીંખાઈ રહ્યું,ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં.

૪ -સમી સાંજનો… (અનીલ જોશી)

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

૫ – તને સાચવે …(બરકત વિરાણી,કલ્યાણજીભાઈ)

તને  સાચવે   પારવતી  અખંડ સૌભાગ્યવતી

તને  સાચવે  સીતા સતી અખંડ સૌભાગ્યવતી

માના ખોળા સમું આંગણું તે મૂક્યું

બાપના મન સમું બારણું  તે મૂક્યું

તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી

તને  સાચવે   પારવતી  અખંડ સૌભાગ્યવતી

ભગવાનને  આજ ભળાવી  દીધી

વિશ્વાસ   કરીને   વળાવી  દીધી

તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી

તને  સાચવે  સીતા સતી અખંડ સૌભાગ્યવતી.

૬ – દીકરી ચાલી.( સુરેશ દલાલ- સ્વર-પુરુષોત્તમ ઉપાધ્યાય)

દીકરી ચાલી પોતાને સાસરે;
મૂકી માબાપ ભાઈને આશરે.

હવે માંડવો આ કેવો સૂમસામ છે                                                               
એનો સૂનકાર  ઠેઠ ઘેર પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો;
થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ  રે:
પણ આસુંઓ છલકશે ઉદાસ રે..

પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું
જાણે શ્વાસ છૂટી પડ્યો શ્વાસ રે
દીકરી ચાલી પોતાના સાસરે.

આ ગીત સાથે મારી એક બહુ મીઠી યાદ જોડાઈ છે.વર્ષો પહેલાં,જયારે હું, ૮-૯ વર્ષની હતી ત્યારે વાલકેશ્વરમાં મારા મા ના મામા અને મામી કાકુ મામા,અને વિજ્યામામી ને ઘરે બાણગંગા પર,શ્રી પુરુષોત્તમભાઈ જે મામા-મામીના નિકટ હતાં તેઓ આવતા અને આખી રાત ગીતોની બેઠક ચાલતી.અને છેલ્લે  વિજ્યમામીની ફરમાઈશ પર પુરુષોત્તમ ભાઈ “દીકરી ચાલી……ગીત ગાતા અને બધાં નીઆંખોમાં આંસુ ભરાતાં.એ વખતે તો હું બહુ સમજી શકતી નહિ,પણ એ  સ્વરો સાંભળવા ખૂબ ગમતા.

 

 

 

ટૅગ્સ:

મંગળ ગીતો.( લગ્ન પહેલાં પાંચ દિવસ ગવાતાં ગીતો)

૧ – વર અને કન્યા.

કન્યા છે કાઈં માણેકડું ને વર મોતીનો દાણો રે,

કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવોને…

હું કેમ આવું મારા દાદાજી રીસાણા રે,

તમારા દાદાને પાઘડી પહેરામણી,રાયવર …..

હું કેમ આવું મારા માતાજી રીસાણા રે,

તમારા માતાને સેલાંની પહેરામણી રાયવર….

હું કેમ આવું મારો વિરોજી રીસાણા રે,

તમારા વીરાને ઘડિયાળ પહેરામણી રાયવર….

હું કેમ આવું મારી બેનીબા રીસાણા રે,

તમારી બેનીને ઝાંઝરી પહેરામણી રાયવર….

૨ – ફટાણું.

ભલો હિંડોળો ભલાં સોપારી સુડી,

આટલી વહુઆરુમાં કઈ વહુ રુડી,

આટલી વહુઆરૂમાં સુષમા વહુ રુડી,

કામકાજ કરે નહિ ને ફેશનમાં પૂરી…ભલો.

આટલી વહુઆરુમાં કઈ વહુ રુડી,

આટલી વહુઆરુમાં નીલાવહુ રુડી,

કામકાજ કરે નહિ ને શોપિંગમાં પૂરી…ભલો.

આટલી વહુઆરૂમાં કઈ વહુ રુડી,

આટલી વહુઆરૂમાં સીતાવહુ રુડી,

કામકાજ કરે નહિ ને ભજનમાં પૂરી…ભલો.

આટલી વહુઆરુમાં કઈ વહુ રુડી,

આટલી વહુઆરુમાં રાધાવાહુ રુડી,

કામકાજ કરે નહિ ને ચોવટમાં પૂરી…ભલો.

૩ – નંદન વન

બોલ્યા બોલ્યા નંદનવન ના મોર,

બપૈયા એ દીધારે વરના વધામણા રે લોલ…

ઝબકી તે લાલમ લાલમ પાઘ,

જાનડિયુંએ પહેર્યાં રે ભાતીગળ ઓઢણાં રે લોલ…

આવી આવી મોટા ઘરની જાન,

જાનમાં પધાર્યાં રે મોટાં મોટાં માનવી રે લોલ…

વરરાજા નો ગોરો ગોરો રે વાન,

પીળાં તે પીતામ્બર પહેર્યાં,કેસરીયાળી પાઘડી રે લોલ….

૪ – ઉંચી મેડી ને નીચા ઓરડા.

ઉંચી મેડી ને નીચા ઓરડા,

મારે આંગણે સોનાનો સુરજ ઉગિયો,

કોઈ મેનાને શણગારો,એને સોનેથી મઢાવો,

મારે ટોડલે પોપટડો  ટહુકિયો…

ભાલે કુમકુમ ટીલડી એના અંગે અંગ સજાવો,

રુપે સોહે ચાંદની એના મંગળ ગીતો ગાઓ,

હાથે મહેંદી મુકાવો,પગની પાની રંગાવો,

મારે માંડવે તે જીયાવર આવિયો….

પિયરનું પારેવડું તો સાસર ઉડી જાશે,

મૈયરની માયા છોડીને પિંજરે પુરાશે,

કંકુ ચોખાથી વધાવો,આજે સાકર્યું વહેંચાવો,

મારે આંગણે તે શુભ દિન આવિયો…

૫ – કંસાર ખવડાવતી વખતે ગવાતું ગીત.

લાડો લાડી જમે રે કંસાર,કંસાર કેવો ગળ્યો લાગે રે.

રેડે માંહી ઘી ની તે ધાર,કંસાર કેવો ગળ્યો લાગે રે…

સાસુજી શુભ ધરી શણગાર,પીરસવાને આવિયાં રે,

ઘીની વાટી સાકર તૈયાર,થાળી ભરીને લાવીયા રે…

લાડો લાડી બંધાયા એક સાથ,અગ્નિની સાખે આજથી રે…

સુખે દુઃખે રહીશું એક સાથ,વચન દીધું હાથમાં રે….

લાડી ગુંથે લજ્જા કેરો હાર,સંસાર કેવો ગળ્યો લાગે રે….

૬ – ચૂંદડી ઓઢાડતી વખતનું ગીત.

મારા નખના પરવાળા જેવી ચૂંદડી

મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી

ઓઢોને સાહેબજાદી ચૂંદડી. 

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી

મારા દાદાજી દેખે માતાજી દેખે

કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી. 

તમારા દાદાના  તેડ્યાં અમે આવશું

તમારી માતાના મન મોહશે હો લાડલી

ઓઢોને લાડકવાયી ચૂંદડી. 

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી

મારા વીરોજી દેખે ભાભી દેખે

કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી 

તમારા વીરાના  તેડ્યાં અમે આવશું

તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી

ઓઢોને સાહેબજાદી ચૂંદડી

 

ટૅગ્સ:

લગ્ન ગીતો (હસ્તમેળાપ,મંગલાષ્ટક,મંગળ ફેરા)

૧ – હસ્ત મેળાપનું ગીત.

ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યા,

જાણે ઈશ્વર પારવતીના હાથ મળ્યાં…

જેમ દૂધમાં સાકર જાય ભળી,

એમ વર કન્યાની જોડી મળી…

ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યાં,

જાણે વિષ્ણુ લક્ષ્મીજીના હાથ મળ્યાં..

.જેમ શોભે સરસ સારસીની જોડી,

એમ શોભે છે વર ને કન્યાની જોડી…

ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યાં,

જેમ ઈન્દ્ર-ઇન્દ્રાણી ના હાથ મળ્યાં… 

૨-હસ્ત મેળાપ પછી ગવાતું ગીત.

કર કર કંકણ ને વચ્ચે ચૂડી રે,

નીરજભાઈ કન્યા લઇ આવ્યાં છે રૂડી રે.

કહોને લાડી શાનાં શાનાં તપ કીધાં રે,

કેને તપે સાસુ અમુલખ પામ્યા રે…

વડનગર મા હાટકેશ્વર પૂજવા ગ્યાતા રે,

તેને તપે સાસુ અમુલખ પામ્યા રે…

કહોને લાડી,શાનાં શાનાં તપ કીધાં રે,

કેને તપે નણંદ હોંશીલા પામ્યા રે…

અમ ગામે નદીએ પૂજવા ગ્યાતા રે,

તેને તપે નણંદ હોંશીલા પામ્યા રે..

કહોને લાડી શાનાં શાનાં તપ કીધાં રે,

કેને તપે ઉત્તમ વરને પામ્યા રે,

સોમનાથે મહાદેવ પૂજવા ગ્યાતા રે,

તેને તપે આજે સુંદરવર પામ્યા રે…

૩ – મંગલાષ્ટક (નામ કાલ્પનિક છે.) 

પ્રારંભે સહુ કાર્યમાં જગત આ,જેને સદા પૂજતું,

રીધ્ધી સિદ્ધિ  સહીત જે જગતનું,નિત્ય કરે મંગલ.

જેના પૂજન માત્રથી જગતના,કર્યો બને પાવન,

એવા દેવ ગણેશ આ યુગલનું ,કુર્યાત સદા મંગલ.

કન્યા છે કુલદીપીકા ,ગુણવતી,વિદ્યાવતી,શ્રીમતી,

પહેરીને પરિધાન મંગલ રૂડા,આનંદ પામે અતિ,

કંઠે મંગલ-સૂત્ર સુંદર દીપે,મુક્તાફલો ઉજ્જવળ,

પામો  હે પ્રિય”માનસી” સુખ ઘણું ,થાજો સહુ મંગલ.

દીકરી તું ખીલ્યું ગુલાબ પમરે,માં-બાપના આંગણે,

વાત્સલ્યો  વરસાવતા,હૃદયથી,મીના-મહેશ સાથ જો,

બબ્બે વીરની એક તું છે બહેની,આંખોની તું તારલી,

જોને નાનકડો વીરો હરખતો,બહેનીને જોઈ જોઈને,

ભાઈ,ભાભી,અને રૂપાળા ભૂલકા,મ્હાલે,મંગલ માંડવે,

ભાભલડીની  શીખ “માનસી”તને,કે સાસરિયું દિપાવજે,

સુખના સુરજ સામટા ઝળહળે,”મોહન” તણા સાથમાં,

સાસુ કૌશલ્યા સમાં,શ્વસુર તો દશરથ સમા દીસતા,

આજે નુતન આશ્રમે (ગૃહસ્થાશ્રમ) ચરણ આ,ચાલે નવા માર્ગ જો,

વહેતી આંખ છતાં ઉમંગ ઉછળે,સહુના હૃદયમાં ઘણો,

અગ્નિ,દેવ-દેવી અને પિતૃ  સહુ,આશિષ દે છે રૂડી,

સંસારે સૌરભ સદા પ્રસરજો ,મંગલ થાજો યુંગ્મનું,

કુર્યાત સદા મંગલ.

૪ – મંગળ ફેરાનાં ગીત.

૧ – માહ્યરામાં મંગળ ગીતો.(મંગળ ફેરા)

પહેલું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,

ઘરમાં તે લીલું શુ વખાણીએ? ઉત્તર દિયો વરરાય.

લીલો તે પોપટ પાંજરે,લીલી તે નાગર વેલ,

લીલી તે ભાભીની ચૂંદડી,લીલા ચોરીના થંભ.

બીજું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,

ઘરમાં તે પીળું શુ વખાણીએ?,ઉત્તર દિયો વરરાય.

પીળાં તે પીતાંબર ધોતિયા,પીળી ચણાની દાળ,

પીળાં તે વરરાજાના વાંકડા,પીળી કન્યાની ઝાળ…

ત્રીજું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,

ઘરમાં તે રાતું શુ વખાણીએ? ઉત્તર દિયો વરરાય.

રાતા તે રંગત ચૂડલા,રાતા કન્યાના દાન,

રાતા તે વરરાજાના મોળિયા,રાતા કંકુના થાળ..

ચોથું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,

ઘરમાં તે ધોળું શુ વખાણીએ?ઉત્તર દિયો વરરાય.

ધોળા તે ધમલા વખાણીએ,ધોળાં તે ભાર કપાસ,

ધોળાં તે માધવ ધોવે ધોતિયાં,ધોળી તે બગલા પાંખ.

૨- માહ્યરા મા મંગળીયા વરતાય રે.(કન્યાનું નામકાલ્પનિક છે.)

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,

પહેલું પહેલું મંગળિયું વરતાય રે

પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે

અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે

બન્ને પક્ષે  આનંદ  અતિ ઊભરાય રે

બીજું બીજું મંગળિયું વરતાય રે

બીજે   મંગળ  રૂપાનાં દાન દેવાય રે

માંડવડામાં મંગળ ગીતો ગવાય રે

સૌને  હૈયે  અતિ હરખ  ન  માય  રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે

ત્રીજે મંગળ સોનાનાં  દાન દેવાય રે

અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે

બન્ને પક્ષે  આનંદ  અતિ ઊભરાય રે

ચોથું ચોથું મંગળિયું વરતાય રે

ચોથે મંગળ કન્યાનાં  દાન દેવાય રે

ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રે

શુભ દિન આજે  શુકનનો  કહેવાય રે

 

 

.

 

 

ટૅગ્સ:

લગ્ન ગીતો (વરઘોડો અને જાન)

૧-વરઘોડા નું ગીત.(સામેની પોળ થી સુથારી આવે નો રાગ)

વરઘોડો વરઘોડો નીરજભાઈનો વરઘોડો.

સોળે શણગાર સજી જાનૈયા નાચતા,

ભેરુ ફટાકડા ફોડો…નીરજભાઈનો વરઘોડો…

સુરત શહેરથી વરઘોડો આવ્યો,

નવલાં વેવાઈ દોડો દોડો…નીરજભાઈનો વરઘોડો…

પારવતીના કોડ પૂરાં તે કરવાં,

આવ્યો છે શિવ ભોળો ભોળો..નીરજભાઈનો વરઘોડો..

-જાન માંડવે આવે ત્યારે છોકરાવાળા ગાય,(વેવાણોના નામ કાલ્પનિક)

૨ – કેસરિયો

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા મોટા,

દુધે ભરી લાવો લોટા…

જાનમાં તો આવ્યા મુનશી,

બેસવાને લાવો ખુરશી..

જાનમાં છે નાગરાણી,

ઠંડા મીઠાં લાવો પાણી…

સીતાબહેને પહેર્યાં બસમા,

રાધાબહેનને આવ્યાં ચશમાં…

જાનમાં જમાઈ સાળા,

વેવાઈને ખરચાના ખાડા…

-સીતાને તોરણ રામ પધાર્યાં.

(અહી મીઠી મજાક પૂરી થાય છે અને એક જવાબદારીની દિશામાં પગરણ મુકાય છે.)

સીતાને તોરણ રામ પધાર્યાં,

લીધું પનોતું પહેલું પોખણું રે,

રવાઈ રે વર પોંખે પનોતાં,

રવાઈ મહીડાં સોહામણા રે..

સીતાને તોરણ રામ પધાર્યાં,

લીધું પનોતું બીજું પોખણું રે,

ધુસરીએ વર પોંખે પનોતાં,

ધુંસરી દોરી સોહામણાં…

સીતાને તોરણ રામ પધાર્યાં,

લીધું પનોતું ત્રીજું પોખણું રે,

તરાકે રે વર પોખે પનોતાં,

તરાકે હીરલા સોહામણા…

સીતાને તોરણ રામ પધાર્યાં,

લીધું પનોતું ચોથું પોખણું રે,

મુસળીયે વર પોખે પનોતાં,

મુસળ હાથ સોહામણા…

 

ટૅગ્સ:

મોસાળું અને પીઠી વખતે ગવાતાં લગ્ન ગીત.

મોસાળા નું ગીત.(મીઠી અને નિર્દોષ મજાકથી સંબંધ વધુ મજબૂત થાય છે) 

૧ – અમ ઘેર.

અમ ઘેર મોસાળિયા ભળે આવ્યાં રે,

નીરજભાઈના મામેરીયા ભળે આવ્યાં રે.

મોસળીયાને શાં શાં ઉતારા દેશું રે,

ઓરડા ઓરડી ઘણા બધેરાં,

ઝુંપડા ઉપર પ્યાર ઘણેરાં,ઝુંપડા ઉતારા દેશું રે…

મોસાળીયાને શાના તે નાવણ દેશું રે,

ત્રાંબાકૂંડી જળે ભરેલી,

નદીયું ઉપર પ્યાર ઘણેરાં,નદીયુંમા નાવણ દેશું રે…

મોસાળીયાને શાના તે ભોજન દેશુ રે,

પકવાનો છે ઘણા બધેરાં,

લાપસી ઉપર પ્યાર ઘણેરાં,લાપસીનાં ભોજન દેશું રે…

(અંતે મીઠાં ભોજન સાથે મજાક નો અંત લવાય છે.)

૨ – મોટા નું મોસાળું.(ફટાણા જેવું ગીત)

મોટા નું મોસાળું આવ્યું,ચાલો જોવા જઈએ રે.

મોસાળામાં પાંચ સાડી ચાલો જોવા જઈએ રે,

મોસાળની ખટારા ગાડી ચાલો જોવા જઈએ રે…

મોસાળા માં તાળા-કુંચી ચાલો જોવા જઈએ રે,

મોસાળની બધી વહુઓ ઉંચી,ચલો જોવા જઈએ રે..

મોસાળામાં છાબ ઢાંકણ ચલો જોવા જઈએ રે,

ભાઈ પધાર્યા બેન ને  આંગણ,ચાલો જોવા જઈએ રે…

(અંતે મીઠાં ભોજન સાથે મજાક નો અંત લવાય છે.)

 

૧-પીઠી નું ગીત.

પીઠી પીઠી ચોળો રે મારી લાડકડીને.

પહેલી પીઠી ચડશે રે મારી લાડકડીને,

ઉતરતી ચડશે રે અમારા જમાઈ રાજને…

પાકાં તેલ ચડશે રે મારી લાડકડીને,

કાચાં તેલ ચડશે રે અમારા જમાઈ રાજને…

મુખે પીઠી ચોળશે રે બેન ની માડી રે,

હાથ-પગ ધોશે રે બેન ની ભાભી રે,

પાટેથી ઉતારશે રે બેનના મામા રે,

આંખે કાજળ આંજશે રે બેનની મામી રે…પીઠી પીઠી…

૨ -રાતો રાતો રે.

રાતો રાતો રે કંકુવરણી નો છોડ,સોહે રે રાતો મે તો નીરખિયો.

ગોરાં બેની રે તમને ચાંદલો કરું, આજ પાટે બેઠાં કેવાં સોહ્યા રે…

પીળો પીળો રે હળદર વરણીનો છોડ,તોયે રાતો મે તો નીરખિયો રે.

ગોરાં બેની રે તમને પીઠી ચડે આજ પાટે બેઠાં કેવાં સોહ્યાં રે…

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: