RSS

નાગર લગ્ન-પ્રસંગના રીત રીવાજ.

21 ઓક્ટોબર

-લગ્ન એટલે સાયુજ્ય

-બે વિજાતિય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. એનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરૂં લગ્ન.
-પોતાનો જીવનસાથી બધી રીતે આદર્શ હોય તે અપેક્ષા વધુ પડતી છે. સંસારમાં દરેક જણ આપણી અપેક્ષાઓમાં ખરાં ઉતરે તે જરૂરી નથી.જીવનમાં કરકસર પણ જરૂરી છે.અને સંતોષ થી મોટું કોઈ ધન નથી.ગૃહસ્થીમાં નશો કે વ્યસન ને કોઈ સ્થાન ન હોવું જોઈએ.કારણકે એ વ્યાસન જીવનને બરબાદ કરી શકે છે.
-બંને વ્યક્તિઓએ પોત પોતાના અહમને કોરાણે મુકવો જોઈએ.
પોતાની જાતને દરેક સ્થિતિમાં સાચું માનવું અને પોતાના જીવનસાથીને પોતાનાં પ્રમાણે ઢાળવો એ સુખી સંસારમાં દુખોનું કારણ બની શકે છે.દરેક વ્યક્તિ એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે એટલે બળજબરી થી કોઈ પાસે તમારી વાતને મનાવવી એ જુલમ કહેવાય.
પરીશ્રમ અને મહેનત એ ગૃહ-જીવનની મુખ્ય ચાવી છે.અને એદીપણું નુકસાન પહોચાડે છે.અને છેલ્લી અને મહત્વની વાત:
એકબીજાથી કદી કાઈ છુપાવો નહિ.બંને એટલા પારદર્શક હો એ વાત પાયા સમાન છે.વિશ્વાસ એ લગ્ન-જીવનના સ્તંભ સમાન છે.

ફાધર વાલેસ ના મતાનુસાર: 

લગ્નસંસ્થા તો માતૃસંસ્થા છે, જીવનવાહક સંસ્થા છે, પછી એથી વધુ પવિત્ર શું હોઈ શકે ? નદી પવિત્ર છે, માટે નદીનો સ્ત્રોત પવિત્ર છે. જીવન પવિત્ર છે. માટે જીવનસ્ત્રોત (લગ્નસંસ્થા) પવિત્ર છે. ગંગોત્રી પુણ્ય સ્થળ છે કારણ કે એ ગંગામૈયાનું ઝરણ છે. લગ્નસંસ્થા પણ તીર્થધામ છે કારણ કે એ માનવજીવનનું ઉદ્દભવસ્થાન છે. લગ્ન પવિત્ર છે. સંસાર મંગળ છે.

સમાજ ની  વિકાસયાત્રા  એટલે  લગ્ન,લગ્ન એ સ્ત્રી-પુરુષને ગમતું  બંધન. 

માનવજાતને સદીઓ સુધી ટકાવી રાખે છે.તેમાં બે શરીર પણ આત્મા એક બને છે.

લગ્ન એટલે બે પરિવારોનું પણ મિલન.

એક બીજા સાથે જીવનભર સાથે ચાલવાનું વચન એટલે લગ્ન.

નવ પલ્લવિત સંબંધ એટલે લગ્ન.

પરંપરા ની મર્યાદામાં રહી એક તાંતણે બાંધે તે લગ્ન.

સપનાઓ સાકાર કરવાના પ્રયત્નો એટલે લગ્ન.

શબ્દો વગરનો સંવાદ એટલે લગ્ન.

પ્રેમ,વિશ્વાસ અને શ્રધ્ધા ની મજબુત ગાંઠ એટલે જ લગ્ન.

લગ્ન એ માનવજીવનમાં મોટામાં મોટો પ્રસંગ છે. અવતરવું ને વિદાય થવું તો પરમાત્માના હાથમાં છે. તે બેની વચ્ચેના અનેક સંસ્કારો પૈકી લગ્ન સંસ્કાર એ માનવજીવનને વળાંક આપતો અતિ મહત્વનો પ્રસંગ છે. લગ્ન એટલે બે વ્યક્તિનું જ નહીં, બે પરિવારોનું જોડાણ. બે સમાજોનો સમન્વય. વ્યાપકતા તરફ વધવાનો તેમાં સંકેત છે. ‘હું’ માંથી ‘અમે’ અને ‘અમે’ માંથી ‘આપણે’ થવાનો, વિશ્વકુટુંબ કરવાની દિશામાં પગલું માંડવાનો આ સંસ્કાર છે. 

હવે આપણે જોઈએ કે  નાગર લગ્ન ની મુખ્ય વિધિઓ કઈ છે?

વર- કન્યાની પસંદગી.

૧. સગાઇ (સગપણ) : કુટુંબ અને છોકરા-છોકરી ના ગુણ,ભણતર,નોકરી,આવક અને સંસ્કાર ઉપરથી બંને પક્ષના વડીલો પહેલા માગું કરે છે.પછી જો ગ્રહોમાં માનતા હોય તો મેળાપક પછી છોકરો છોકરી એકબીજાને મળે અને પસંદગી જાહેર કરે તો કુટુંબમાં સગાઇ જાહેર થાય છે અને માત્ર સવા રૂપિયો-નાળીયેર આપી શુકન કરવું.અને ત્યાર બાદ અનુકુળતા પ્રમાણે તારીખ અને મહુરત જોઈ સમોરતા કરવા.ઘણા લોકો મંગળ દોષ કે ગ્રહોમાં માનતા હોય તો એ રીતે બંનેના ગ્રહો જોવડાવી ને સંબંધ નક્કી કરવો.પણ મારે મતે “મંગળ તો વરસે છે”તે નડે નહિ.અને “એકબીજાના જો મન મળે તો ગ્રહ મળ્યા જ એમ સમજવું જોઈએ.”

સગાઇ થયાં બાદ આપણે સમજીએ કે:દરેક વસ્તુ અથવા વિધિ પાછળ કયો હેતુ અને શુ પ્રતીકાત્મક છે.પહેલા વેદી છે.વેદીને ચારબાજુ ચાર ખૂણા છે.તે ચાર દિશાના ચાર ખૂણા સૂચવે છે.તેની બહાર દેખાતા પગથિયાં ત્રિગુણાત્મક પ્રકૃતિનાં સૂચક છે અને વેદીની ઉંડાઈએ જીવનની ગૂઢતા અને ગહનતા દર્શાવે છે.એમાં પ્રગટાવેલો અગ્નિ એ જ્ઞાન  (પ્રકાશ) અને ગરમી (શક્તિ)નો ધોતક છે.એ પ્રગટ દેવ છે. જ્ઞાન  અને શક્તિ વિનાનું જીવન શુ છે?કંકુ એ ત્યાગનું પ્રતિક છે અને ચોખા એ પુરુષાર્થનું પ્રતિક છે.નાડાછડી કાચા સૂતરની છે.એ સ્નેહનું પ્રતીક છે.એની કોમળતા એટલી બધી છે કે તૂટે નહિ એ માટે ખૂબ જ સાવધ રહેવાનું છે.જરા એને તાણીએ તો તૂટી જાય.કાચા સૂતરને તાંતણે તમે બંધાઓ છો.આ સંસારમા અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે,વિઘ્નો આવશે,યુધ્ધો આવશે,કોયડાઓ આવશે,સમસ્યાઓ આવશે,દુ:ખો આવશે,વિપત્તિઓ આવશે,પણ તમે બંધાયેલા છો નાડાથી.યાદ રાખજો કે તમે છૂટી ના જાઓ એટલા માટે આ નાડાછડી છે.

નાળીયેર: એ જીવદશાનું પ્રતીક છે.માટે એનું સમર્પણ યજ્ઞકુંડના જ્ઞાનાગ્નિમાં કરવાનો વિધિ છે.

મીંઢળ: લગ્ન જેવા પ્રસંગમાં ખુશી,હર્ષ,ઉલ્લાસ,ઉમંગના ઉભરાઓથી હદયના ધબકારા વધી જાય છે.હાથે મીંઢળ બાંધવાથી  હદયના ધબકારા કાબૂમાં રહે તેવો ગુણ મીંઢળમાં છે.આ હેતુને ધ્યાનમાં રાખીને આપણા રૂષિમુનિઓએ હાથે મીંઢળ બાંધવાનો રિવાજ પાડેલો.

૨.સમોરતા:

 હવે કન્યાપક્ષવાળા વરના સમોરતા કરે,જેમાં :

– કન્યા ની ફઈ વરને ચાંદલો કરી નાળીયેર આપી બંનેની સગાઇ કે સગપણ જાહેર કરે છે. જેમાં ‘ આ કુટુંબ ની દીકરી અને આ કુટુંબના દીકરાના સગપણ જાહેર કરતાં અમને ખૂબ આનંદ થાય છે અને બંને કુટુંબ આ સંબંધ થી બંધાય છે તેથી અમને ખૂબ આનંદ થાય છે.”એવું કોઈ એક વડીલ બોલી ને પ્રસંગ ની શરૂઆત કરે છે.ફઈ વરને ચાંદલો કરે એટલે વર પક્ષવાળા કન્યાની ફઈને એનો લાગો (કવર કે સાડી આપે છે.ઘણા નાગરોમાં સમોરતા વખતે પણ કન્યાની સાસુને સાડી આપવાનો રીવાજ છે.)

-જો રીંગ-સેરેમની કરવાની હોય તો તે વખતે વરની વીંટી લેવી.નહિ તો લગ્ન વખતે પણ અપાય.પહેલાંના સમયમાં રીંગ – સેરેમની કરતાં નહોતા.હવે ઘણું બદલાયું છે.

– પેન્ટ-શર્ટ

– કોઈક પહોચતા કુટુંબો ઘડિયાળ પણ આપે છે.પણ આ બધુ  હોંશનું છે , રીવાજ નથી.નાગરોનો રીવાજ તો માત્ર કંકુ અને કન્યા છે,પણ હવે દેખાદેખીમાં ઘણા લોકો ખેચાઈને પણ પ્રસંગ કરે છે,જે ન થવું જોઈએ.

-કુટુંબના બીજા વડીલો વર નું મોં જોઈ શુકન ના રૂપિયા આપે છે.

-સમોરતા નો રીવાજ વર અને કન્યા પક્ષના લોકો એકબીજાને મળે અને પરિચય કેળવે એ માટે કરવામાં આવે છે.

– આ જ રીતે વર પક્ષના લોકો કન્યાના સમોરતા પોતાને ઘરે કરે છે,જેથી એમના કુટુંબી જનોને આમંત્રી શકે અને કન્યા પક્ષના વડીલો વર પક્ષનું ઘર અને કુટુંબ જોઈ શકે.જેમાં:

– કન્યાને સાડી-બ્લાઉઝ,અને સાંકળા અપાય છે.

– કોઈક નાગર કુટુંબોમાં તે સમયે જ દાગીના આપવાનો રીવાજ છે.જેણે કુંવારો-કાંઠલો કહે છે.પણ કચ્છ ના નાગરોમાં એવો રીવાજ નથી.

– એ જ રીતે વર પક્ષના અન્ય વડીલો કન્યાનું મોં જોઈ શુકન ના રૂપિયા આપે છે.

( કવરમાં કેટલા રૂપિયા મુકવા ?એવું કોઈ બંધારણ નથી,જે હોવું જોઈએ.કારણકે,પહેલાં તો બે-પાંચ-દસ તો બહુ થઇ જતાં.હવે એકાવન,એક્સોએક,બસો એકાવન એમ વધતું જ જાય છે.એટલે સમોરતામા અપાતા રૂપિયાનો નિયમ હોવો જોઈએ,કારણકે તેના ઉપરાંત પણ હજી આગળ ઘણા પ્રસંગો હોય છે જેમાં શુકન આપવાનું જ હોય છે.)

૩. ખોળા પાથરવા:

વર પક્ષના લોકો કન્યાને ઘરે જઈ કન્યાના વડીલોનો આભાર માને છે અને સ્ત્રીઓ પાલવ પાથરી કન્યાની મા અને બાપને કહે છે કે,”તમે તમારી દીકરી,જે તમારા હૃદયનો એક મુખ્ય અંશ છે,એ  અમને આપીને અમને ધન્ય કર્યાં છે.અમે તમારા ખૂબ આભારી છીએ.આમ કહેવાનું હોય છે.કેટલો ગરવો રીવાજ?તે વખતે કન્યા પક્ષના લોકો તેમણે ચા-નાસ્તો કરાવી આનંદથી વિદાય કરે છે.

૪.ઘાઘરી થાપડી:

ત્યારબાદ અનુકુળ સમયે વર પક્ષના લોકો કન્યાને ઘરે ચણીયા-ચોળી અને ગોળ-પાપડીની થાળી લઈને જાય છે અને કન્યાને(થનાર વહુને) પાટલે બેસાડી, ચાંદલો કરી, ચણીયા-ચોળી અને ગોળ-પાપડીની થાળી આપે છે.આમાં એક જાતનું વધારે વાર મળવાથી લાગણીના સંબંધો વધે છે,અને પ્રેમ વધે છે.માટે આ રીવાજ હશે.પણ હવેના વ્યસ્ત સમય અને રાજાઓની અનુકુળતા ન હોય એટલે એક જ દિવસે આ રીવાજો પુરા કરવામા આવે છે.પહેલાં તો ગામમાં ને ગામમાં જ બધાં હોય એટલે વારંવાર એકબીજાને ઘરે જવું-આવવું પોસાતું.હવે અઘરું છે તો તેમ કરવું.

૫ – કન્યાના મા-બાપ કન્યાનું  આણું તૈયાર કરે છે:

– કપડાં – જેમાં ૧૧ જોડી હોય હવે ડ્રેસ પણ પહેરે છે એટલે બધું મળીને ૧૧ લઇ શકાય.

– દાગીના –

જેમાં કન્યાને ચેન,બુટ્ટી કે હાફ-સેટ હોય.નાગરોમાં કન્યાદાનમાં ૩ થી ૪ તોલા સોનું આપવાનો મૂળ રીવાજ હતો. પણ આગળ જોયું તેમ હોંશમા આપવાનો અતિરેક ક્યારેક “રીવાજ” નું રૂપ લઈ લે છે.

– બાજોઠ.

 એ શુકન ગણાય છે.

– શણગાર.

જેમાં દીકરીને ગમતાં ચાંદલા,બંગડીઓ,કાજળ,વગેરે.

– સુટકેસ.

જેમાં દીકરીના તમામ કપડાં આવી જાય એવી લેવી.

– અન્ય. 

જેમાં ચાદર,ટુવાલ.નેપકિન્સ,રૂમાલ,અન્ડર ગાર્મેન્ટ્સ.

– મધુપર્ક.

મૂળ તો મધુપર્ક એટલે થોડા પાણીમાં  દહી,દૂધ,ઘી અને મધ નું મિશ્રણ જેનાથી વરના પગ ધોવામાં આવે છે તે કથરોટ અથવા ત્રાંસ.પણ હવે માત્ર કથરોટ ન લઈને થાળી-વાટકા-ચમચી-પાણીનો જગ – ગ્લાસ અને ક્યાંક તો આખા રસોડાના વાસણો પણ અપાય છે.

– મા માટલી.

આ માટલી કે સ્ટીલની પવાલી કે ઘડો જે કઈ હોય તે કન્યાની વિદાય વખતે અપાય છે.એને મહામાટ પણ કહે છે. લગ્ન થઈ ગયા પછી કન્યાને વિદાય આપતી વખતે ગાડે બેસાડે ત્યારે કન્યા પક્ષ તરફથી જાનને ‘મહામાટ’ અપાય છે. મહી માટલું – મહિયર + માટલું તેનું અપભ્રંશ રુપ મા-માટલું થયું જણાય છે. મહામાટ એટલે માટી કે પિત્તળની ગોળી. તેમાં સુખડી ભરીને અપાતું.હવે તેમાં મીઠાઈ, અડદના પાપડ,ઘઉં,ચોખા,વડી તથા ગોળ, હળદરનો ગાંઠિયો અને સવા રૂપિયો.મુકવામાં આવે છે.અને 

૬.વેવાઈ પક્ષને આપવાની પહેરામણી.

– વર પક્ષના ગોર મહારાજને પણ દક્ષિણા રૂપે કવર આપવાનું હોય છે.

વર રાજા – તેને માટે રિસેપ્શનમાં પહેરી શકે તેવો સુટ અને બુટ,આજકાલ જોધપુરી કે કોલ્હાપુરી ચપ્પલ પણ લવાય છે.જેવી જેની પસંદગી.

અણવર – તેણે માટે શર્ટ કે ટી-શર્ટ લઇ શકાય.

વર-મા સાડી.આ એક સાડી ઉપરાંત જાન આવે ત્યારે સાસુ – રીસામણ ની સાડી પણ લેવી.

વર ના બાપ  તેમને માટે પણ પેન્ટ અને શરતનું કાપડ લેવું.અથવા રેડી-મેડ પણ લઇ શકાય.

વર – બેન  માટે એક સાડી.

માંડવ બેનએને માટે પણ બેનની ઉંમર પ્રમાણે સાડી અથવા ડ્રેસ લેવાય.

લુણ-ગોરી આમ તો લુણ ઉતારે એ કન્યા નાની હોય છે એટલે એને માટે ફ્રોક કે ચણીયા-ચોળી લેવાય.

– ત્યારબાદ વડીલોમાં દાદા-દાદી,કાકા-કાકી,ફઈ-ફૂવા,મામા-મામી,માસા-માસી,ભાઈ-ભાભી.આ બધાંને ચડાવ ઉતાર એટલે કે પદ પ્રમાણે પ્રત્યક્ષ અથવા કવર અપાય.પ્રત્યક્ષનો અર્થ છે કપડાં રૂપે અપાય તે.

– ઘરમાં હવે પ્રસંગોની હાર-માળા શરુ થવાની છે ત્યારે ઘરમાં રાખવાની ચીજો:

– પેપર કપ,પેપરડીશ,પેપર નેપકીન,અનાજ,શાકભાજી,દૂધ,ચાં-ખાંડ,પ્લાસ્ટીકની ચમચીઓ, કન્યાના આણાની બેગ પર નામ લખી રાખવું.પહેરામણીની બેગ પર પણ નામ લખી રાખવું.જોણાની બેગ પર નામ લખવું.વાડીમાં કે ઉતારે લઈ જવાનો સામાન એક પેકેટમાં બાંધી તેની ઉપર પણ નામ લખવું.પૂજાપો – બાજોઠ.ફૂલ-હાર વગેરે ને પણ અલગ કરવા.

– જાનના ઉતારા માટે વ્યવસ્થા સારી કરવી,તેમાં પણ નેપકીન-સાબુ-પાણીની સગવડ હોય તો તેઓ તૈયાર થઇ શકે.જાન આવે ત્યારે તેમનો થાક ઉતારવા ચા-પાણી અને નાસ્તાની સગવડ કરવી.

– આપણે ઘરે પ્રસંગમાં પધારેલા મહેમાનો માટે પણ રહેવા,ખાવા-પીવાની સારી સગવડ કરવી જોઈએ.જેમાં તેલ,સાબુ,ટુથ-પેસ્ટ ,ટુવાલ,નેપકિન્સ,વગેરે હોય.ગાદલાં,ઓશિકા,વગેરે પણ સારા લેવાં.પીવાનાં પાણી,ચા-નાસ્તો,જમણ  સારું કરવું જેથી હાજર રહેલા મહેમાનોને કોઈ તકલીફ ન પડે અને પ્રસંગનો આનંદ લઈ શકે.

– ફઈનું જમણ કે ચાંદલાનું જમણ:

આ પણ એક રીવાજ છે.છોકરાવાળા તરફથી કન્યાની ફઈ અને તેમનાથી જે નાના છોકરાંઓ હોય તેને પોતાને ત્યાં જમવા તેડે છે અને આ રીતે જમાડી ફઈને સાડી અથવા કવર, અને બીજાંઓને કવર આપી મીઠાં સંબંધોને મજબુત બનાવે છે.પરંતુ હવે દરેકના ગામ કે ઘર દુર હોય તો એક જ દિવસે આ બધી વિધિ કરાય છે.જે સરળ પડે તે કરવું.  

-અને વેવાઈને,એટલે કે દીકરીના સાસરે લગ્ન-પત્રિકા આપવા જવું.જેમાં પત્રિકા ની સાથે,કુમકુમ-અક્ષત(ચોખા),શ્રીફળ,મીઠાઈ વગેરે લઈને રૂબરૂ જવું. 

લગ્ન નો શુભ દિવસ લખી મંગલાર્થ કંકુ અને ચોખા છાંટી ને કંકોત્રી બનાવાય છે.વર-પક્ષ તરફથી કન્યાને ત્યાં લગ્નનો શુભ દિવસ લખી આ પડો મોકલાય છે.(મૂળ)પણ ઘણી જગ્યાએ કન્યા પક્ષ તરફથી વર પક્ષને આ પડો મોકલાય છે.જેમાં કંકુ ચોખાની સાથે શ્રીફળ,અને સાકર-પતાસાં-અથવા મીઠાઈ મોકલવામાં આવે છે.

૭. વિધિ શ્રાધ્ધ અથવા નંદી શ્રાદ્ધ:

(જે પિતૃઓ હયાત નથી તે પિતૃઓનું અંગને લીધેલ પ્રસંગ મતે સહુ પહેલાં  પૂજન અને આહ્વાન કરવામાં આવે છે.આ વિધિ લગ્નના દસ દિવસ પહેલાં કરવામાં આવે છે.તેમાં લાડુનું જમણ થાય છે.)

આ દિવસે ગોર-ગોરાણીને જોડ કપડા પગે લાગીને આપવાં.

૮. રાંદલ:

ઘણા નાગર કુટુંબોમાં રાંદલ તેડાવવાનો પણ રીવાજ છે.જો કુટુંબમાં પહેલાં જ લગ્ન હોય તો રાંદલ તેડવામાં આવે છે.એની પૂજા પણ બહુ સરસ હોય છે.સૌરાષ્ટ્ર માં ઘણી જગ્યાએ લગ્ન અને જનોઈ પ્રસંગ પહેલાં “રાંદલ” તેડવાનો રીવાજ છે.જેમાં ૧૪ ગોરણીઓ જમાડવાની હોય છે.આ ગોરણીઓ ને સ્વાર્થી કઈ ખાવાનું નથી હોતું અને ૧૧:૩૦ વાગતા સુધીમાં તેમણે જમાડવાની હોય છે.જેમાં ખીર અને રોટલી બનાવવામાં આવે છે.આખી રાત “રાંદલ”માં નો અખંડ દીવો રાખવામાં આવે છે અને બીજે દિવસે ઉથાપન કરવામાં આવે છે.અને ગાવામાં આવે છે:

– સવા મણનું રે સુખલડુ મા અધમણ ની કુલેર,

-જમજો જમજો રે ગોરણીયું તમે જમજો સારી રાત,

-રાંદલ માવડી રે રણે ચડે મા,સોળ સજી શણગાર..

૯. ગણેશ સ્થાપન:

વિધિ શ્રાદ્ધ બાદ ગણેશની પૂજા થાય છે.તેનું આમંત્રણ કરી અને શુભ પ્રસંગોની શરૂઆત થાય છે.

ગણેશના ગીત ગવાય છે.

– ગણેશ પાટ બેસાડીએ ભલાં નીપજે પકવાન…

– પરથમ ગણેશ બેસાડો રે,મારાં ગણેશ દુંદાળા.

જો કુટુંબી જનો આવી ગયા હોય તો તે જ દિવસે માળાનું મૂરત અને મગનું મૂરત થાય છે.માળાનું મૂરત એટલે કે,કાળો દોરો કન્યા કે વરને મામી બાંધે છે,એ બંનેને વિપરીત અસરોથી,વિઘ્નો દુર કરવા માટે બંધાય છે.

મગનું મૂરત એટલે કે,મગ,શુભ અનાજ ગણાય છે.અને નીરોગી રાખે છે.તેને એક થાળીમાં લઇ સાફ કરવામાં આવે છે.અ એક પ્રતીકાત્મક  વિધિ છે.

૧૦. મંડપ મુરત:

ગોર મહારાજ ગણેશ – સ્થાપન બાદ માંડવા નું મૂરત કરે છે.જેમાં માતા-પિતા અને જેના લગ્ન હોય તે કન્યા કે છોકરા ને બેસાડવામાં આવે છે.પૂજા ય્હાયા પછી આંગણામાં કોઈ એક સારા વૃક્ષ પાસે (માણેક-સ્તંભ ) રોપાય છે.અને એનું કંકુ છાંટણા કરી,થોડું પાણી સિંચાય છે.સજન-મહાજન માંડવે આવીને શોભા વધારે છે,અને સ્ત્રીઓ સરસ ગીતો ગાય છે.માંડવામાં સાકરો વહેચાય છે.

એને માટે માણેક સ્તંભ,મીંઢળ,લેવાના હોય છે.બાકી કંકુ,ચોખા,અબીલ,ગુલાલ,હળદર,પ્રસાદ,શ્રીફળ,ફળ,પાન-સોપારી,ફૂલ.વગેરે પૂજાપો તો દરેક વિધિમાં જોઈએ એટલે તે રાખવો.)

પંચામૃત પણ દરેક વિધિમાં જોઈએ છે.માટે તે બનાવવાની રીત અ પ્રમાણે છે:

૧/૨ કપ દૂધ,૧/૨ કપ દહી,બે ચમચા સાકર,એક ચમચો મધ,૧/૪ ચમચી ઘી નું ટીપું પાડવું.આ બધું મિક્સ કરી તેના ઉપર તુલસીનું પાન મુકવું.

આમ તો દરેક પ્રસાદ ઉપર તુલસીનું પાન મુકવાનું હોય છે.

બીજે દિવસે ઘરના આંગણે માંડવો બંધાય છે અને માણેક-સ્તંભ રોપાય છે.માંડવામાં જ ચાંદલો લખવાનો રીવાજ છે.(એટલે કે આવેલ મહેમાનો કવર કે ભેટ વર કે કન્યાને આપે તે.)

માંડવાના ગીતો ગવાય છે.

-નાણાવટી રે સાજન બેઠું માંડવે.

-માંડવ લીલી દાંડીને પીળી થાંભલી.

-ચાક વધાવવો 

માંડવો રોપાઈ ગયા બાદ,છોકરીવાળા દીવો લઈને કોરો કંસાર લઈને જાય.

– પહેલાં તો ચાક વધાવવા પણ સ્ત્રીઓ જાતી.ચાક વધાવવો ,એટલે વર નવરાવવા માટે આપણે જે માટીના ઘડા લઈએ તે બનાવનાર કુંભારનો આભાર માનવાની આ એક રીત છે અને તેના ચાકડાને કંકુ-ચોખાથી વધાવવામાં આવે છે.ગામમાં ને ગામમાં આ બધું શક્ય બંને એનો લાગો એટલે લગ્નના જમણ નું પીરસણ આ કુંભારને ઘરે પણ જાય છે.

– તેવું જ પોંખણાનું છે.લાકડાના પોંખણા બનાવનાર સુથારને પણ ઘરે જઈ કોરો કંસાર અને નાળીયેર  એ વખતે આપવામાં આવતું.એની પાછળની ભાવના કેટલી ઉદાત્ત છે,કે આશુભ પ્રસંગમાં ઉપયોગી ઓજાર બનાવનારનો આભાર માનવાની એક રીત છે.

૧૧. પીઠી.

મંડપ બાદ વર અને કન્યાને પોતપોતાને ઘરે પીઠી ચડે છે.

આપણે સહુ જાણીએ છીએ કે હળદર એક ઔષધિ છે. તે આપણી ત્વચા માટે ગુણકારક હોય છે. ત્વચા પર હળદર લગાવવાથી સંબંધિત બીમારીઓ દૂર થાય છે. ત્વચાની શુષ્કતા દૂર થાય છે. આ ઉપરાંત ત્વચા ચમકીલી બને છે. હળદર લગાવવાથી ત્વચા સંબંધિત કોઇપણ પ્રકારના ઇન્ફેક્શન દૂર થાય છે. લગ્ન સમયે હળદર લગાવવા પાછળ આ તમામ કારણો જોડાયેલા છે. લગ્નમાં કન્યા અને વરરાજા બંનેના ચહેરા સિવાય પણ શરીરના અનેક હિસ્સાઓમાં હળદર લગાવવાથી તેની વ્યવસ્થિત રીતે સફાઇ થાય છે અને સમગ્ર શરીર કાંતિવાન બને છે, ત્વચા સંબંધિત રોગોમાં રાહ,ત મળે છે.

પીઠી બનાવવાની રીત: ચંદનના લાકડાને ઓરસિયા પર ઘસતા જવું,સાથે સાથે ગુલાબજળ અને થોડી થોડી હળદર ઉમેરતા જવું અને લસોટતા જવું.પેસ્ટ જેવું થાય એટલે કટોરામાં લઇ લેવું.એમાં થોડું તલનું તેલ અથવા ઓલીવ ઓઈલ ઉમેરી મિક્સ કરવુ,હવે તો બધાં “વિકો ટર્મરિક”જે તૈયાર ટ્યુબ મળે છે તેનો જ ઉપયોગ કરે છે.

સૌ પહેલાં પીઠી મા લગાડે છે,પછી મામી,ભાભી,કાકી,માસી,ફઈ બધાં શુકન કરે છે.

૧૨. મોસાળું:

કન્યા પીઠી ચડાવી બાજોઠ પર બેસે છે.અને આ બાજુ કન્યાનું મોસાળ ધામધૂમ થી ઢોલ શરણાઈ સાથે સગા વહાલાં સાથે મોસાળું લઈને આવે છે.મોસાળું કન્યાની માએ કંકુ-છાંટણાં અને ચોખાથી પહેલાં વધાવવું.

સામ-સામે બાજોઠ પર બેસી કન્યાને પાનેતર,ચપ્પલ,એક દાગીનો,મીઠાઈ આપે છે.કન્યાના મા-બાપને ,તેમ જ તેના અન્ય નજીક ના સગાઓને પણ કન્યાના મામા-મામી ભેટ ધરે છે.તેઓ જે છાબ મા મોસાળાની સામગ્રી લઇ આવ્યા તે છાબ ખાલી ન મોકલાય એટલે તેમાં મામા,મામી તેમ જ એમના બાળકોને કપડા વગેરે અપાય છે.મોસાળાની વિધિ ખૂબ હરખની રીત છે.તેથી મનનો ઉમંગ વધે છે.

મોસાળા માં મામા અને મામીએ આપવાની ચીજો નું લીસ્ટ:

(જો દીકરીનું મોસાળું કરવાનું હોય-એટલે કે દીકરી ના લગ્ન હોય તો..)

– પાનેતર,તેના બ્લાઉઝની સિલાઈના પૈસા,ચણીયો,,ચૂડી,શણગાર,ચંપલ.

– હવે કન્યાના મા-બાપ ને જોડ કપડાં,કન્યાના ભાઈ બહેનોને જોડ કપડાં,કન્યાના દાદા-દાદીને જોડ કપડાં,કન્યાની ફઈને કપડાં.ભાઈ-ભાભી વગેરેને કપડાં.આમ પૂરું મોસાળું ભરવું અને વિધિ પૂર્વક સામ-સામે  બેસાડીને માનપૂર્વક ચાંદલા કરીને આપવું.

હવે મામા-મામીએ છાબ ભરીને તેમ જ મન ભરીને મોસાળું કર્યું,તો કન્યા ના મા-બાપે પણ એ છાબ ખાલી ણ મુકાય તેથી તેમાં મામા ના કુટુંબીઓને પણ કપડાં કરવાં.અને તે જ રીતે માન પૂર્વક આપવાં.

૧૩. ગ્રહ-શાંતિ.

આ વિધિ નવ ગ્રહો જે અંતરીક્ષમાં છે તેમની શાંતિ માટે છે.એટલેકે,વર-કન્યાને તમામ ગ્રહો અનુકુળ થઈને રહે તેની પૂજા રૂપે હવન કરવામાં આવે છે.લગ્નવિધિના પહેલા ગ્રહશાંતિની વિધિ છે.આપણા શાસ્ત્રીય કર્મકાંડોમાં “ગ્રહોની શાંતિ માટે આ વિધિ રાખવામાં આવે છે.પણ ગ્રહદશા તો જીવદશાની ભૂમિકા પર છે.પણ અહીં જીવાત્મા આત્મશક્તિ,દ્રઢ સંકલ્પ અને ઉત્કટ  પુરુષાર્થ ધ્વારા અત્મદશા અનુભવવા લાગ્યો છે.આથી લગ્નજીવનની શરૂઆત કરતા પહેલા “ગ્રહશાંતિ”નો સંકલ્પ વિધિ જરૂરી છે,કારણ કે ઘરમાં કોઈ પણ કિંમતે શાંતિ પ્રસન્નતા જળવાય તો જ તે ઘર કહેવાય.

આ બધી વિધિ વર અને કન્યા બંને પક્ષમાં થાય છે.

બધી પૂજા વિધિ માટે અને છોકરા કે છોકરીના લગ્ન માટે જોઈતી સામગ્રી:

કંકુ-ચોખા,અબીલ-ગુલાલ-હળદર-ચંદન-સિંદુર -ઘી,શ્રીફળ,કપૂર,દીવા,આરતીની થાળી,પ્રસાદ માટે ફળો,ગોળ,કોપરાની વાટી,ત્રાંબા નો કળશ,આચમની-તરભાણું,બાજોઠ,લાલ અને સફેદ કપડું,ઘઉં-ચોખા,તુલસીનાપાન,પંચામૃત,નાગરવેલ ના પાન-સોપારી,ફૂલ-.ચારમાટીનાઘડા,ચાંદીનુંજનોઈ,પોંખણા,સંપુટ,આરતીનીથાળી,શીરુટાનીથાળી,નાડાછડી,સુતરનો દડો,જવ-કાળા તલ,સૂપડું.

હાર કેટલા જોઈશે?

-સામૈયું  કરીએ ત્યારે વેવાઈઓને પહેરાવવાના નાના હાર,અને અન્ય જાનૈયાઓ ઉપર છાંટવા માટે ફૂલોની પાંદડીઓ.

– જાન માંડવે આવે ત્યારે કન્યા દરવાજે આવે ત્યારે વરને પહેરાવે તે મધ્યમ  હાર,

– ચોરીમાં સામસામે પહેરાવવા માટે બે  મોટા હાર. 

જાન આવે,સામૈયું થઈ જાય,ચા- નાસ્તો પતી જાય પછી જ્યારે કન્યા પક્ષવાળા  વર નવરાવવા જાય ત્યારે ચાર નોણીયા( માટીના નાના ઘડા) અને ચાંદીનું જનોઈ અને સુટ-બુટ  લઈને જવાનું હોય છે.

તેમાંથી ત્રણ નોણીયા છોકરાવાળા રાખે અને એક નોણીયો છોકરીવાળા લઈ લે.

એ ચોથા નોણીયા મા સિક્કો નાખી એ ઘડા ઉપર સાડી મૂકી વર-પક્ષવાળા કન્યાને  પાછો આપે.

હવે  છોકરાના લગ્ન હોય તો વહુનું જોણું તૈયાર કરવું,અને તે માટે:

-જોણામાં સાત સાડીઓ હોય છે,જેના પેકેટ પર જુદા જુદા નામ લખવાના હોય છે તે આ પ્રમાણે છે:

-સાત સાડીઓ – જેમાં દરેક સાડીને પેક કરી તેના ઉપર જુદા જુદા નામ લખાય છે.

-જેમાં મુખ્ય:

૧.જોણાની ચૂંદડી,

૨.દસવાલું_એટલે રિસેપ્શનમાં પહેરવાની સાડી જેને સેલું પણ કહે છે.

૩.હોળી મા અપાતું ફાગણીયું જે પીળાં અથવા કેસરી રંગનું હોય.

૪.દિવાળી ના તહેવાર નિમિત્તે અપાય.

૫.સાકર-કંકુ . એટલે શુકન ની સાડી.

૬.વડ-સાવિત્રી. આ સાડી લગ્ન બાદના વ્રતોમાં પહેરવા માટે.

૭.ઘાઘરી -થાપડી. આ સાડી વહુને લગ્ન પહેલા ગોળ પાપડીની થાળી સાથે આપવાની હોય છે.

આમ  એક છાબમાં સાત સાડી  ગોઠવીને આપવી.

બીજી છાબમાં દાગીના નું બોક્ષ્ મુકવું.જેમાં બંગડી,હાર,બુટ્ટી,વીંટી,મંગલસુત્ર,સાંકળા વગેરે ગોઠવવા.

ત્રીજી છાબમાં -શણગારનોસામાન,જેમાંચાંદલા,કાજળ,લીપ્સ્ટીક,પરફ્યુમ,રૂમાલ,બંગડીઓ,હાર-ગજરા,વગેરે ઉપરાંત સુકોમેવો,સાકર-કંકુનો પડો,કાળો દોરો વગેરે સજાવવું.

– વર-પક્ષવાળા પહેલાં કન્યાને જોણું દેવા આવે છે.ત્યારે બધી જોણાની છાબ ને ફૂલ,કંકુ અને ચોખાથી વધાવવાની હોય છે.

-ત્યાર બાદ કન્યાને બેસાડી જોણું અપાય છે.અને કન્યાના કોઈ જવાબદાર વડીલ એ જોણું નોંધી,એક લીસ્ટ તૈયાર કરે છે.પણ હવે આ બધાનો સમય નથી હોતો એટલે,પહેલેથી જ વર-પક્ષવાળા લીસ્ટ બનાવીને લઈ આવે છે અને કન્યાપક્ષના કોઈ વડીલને આપે છે.

 ૧૪. લગ્ન જે મુખ્ય વિધિ છે.

નાગરોમાં લગ્ન પ્રસંગે કન્યાને મંગળ સૂચવતી ખાસ પ્રકારની માળા પહેરાવવામાં આવે છે. તે માળામાં ખારેક ટોપરાનો ગોટો, સોપારી, દ્રાક્ષ, જવ અને ખાદીના ટુકડા, આટલી વસ્તુ આવે છે. આ વડોહારડો કન્યાને મોસાળ પક્ષ તરફથી લગ્નના દિવસે સવારમાં ગાગર નવરાવી, સૂરજ સંભળાવી માયરામાં પરણાવવા બેસાડતી વખતે પહેરાવવામાં આવે છે.પરંતુ હવે બ્યુટી – પાર્લરોમાં તૈયાર થવાનું હોય છે,એટલે આ બધું શક્ય નથી બનતું.

– કન્યાના લગ્ન માટે ચોરીમાં  તૈયાર રાખવાની વસ્તુઓ:

– વર-રાજા માંડવે આવે ત્યારે સામૈયા માટે આરતી,

-સંપુટ,રાખના મુઠીયા(તેને બદલે લીંબુ લઈ શકાય)

વરઘોડો: ઇન્દ્રિયોના ઘોડાને કાબુમાં રાખવા માટેનું આ પહેલું પગથીયું છે. 

-પોંખણા: ધુંસર,મુસળ,ચકલી,રવાઈ,ત્રાક,ઝરોર(ચાળણી)

-અંતર પટ,બજોઠ,

જાન વાજતે-ગાજતે કન્યાને માંડવે આવે છે ત્યારે કન્યાની મા ખભે ખેસ રાખી આરતી અને પોંખણા લઈ વર ને પોંખવા આવે છે.તે સૌ પહેલાં એક પછી એક પોંખણા વર ને બતાવે છે.એનો દરેકનો એક ભાવાર્થ છે:

-ધુંસર બતાવીને સમજાવે છે કે,હવે તમે સંસારના ગાડાના બે પૈડા સમાન છો. ધુંસર ઉપાડવા તૈયાર થયાં છો તો બંને એકબીજાના સહકારથી ચલાવજો.

-મુસળ એટલે કે સાંબેલું એ બતાવીને સમજાવે છે કે,તમારા ઘરમાં હમેશા ધાન(અનાજ)ભર્યું રહે જે તમે છડીને ફોતરા ઉડાડી વાપરજો.એટલેકે,સંસારમાં એવા ઘણા સંજોગ આવશે કે જેમાં મૂળ સત્વ લઈ ને છોડા ઉડાડવા પડશે.

-ચકલી બતાવીને કહેવા માગે છે કે,આ ધાન પર ઘણા સ્વાર્થ રૂપી ચકલાઓ ચણવા આવી જશે એનાથી તમારા ધાન નું રક્ષણ પણ કરવાનું છે.

-રવાઈ બતાવતા સમજાવે છે કે,સંસાર રૂપી વલોણાં વલોવી તેમાંથી નવનીત તારવજો.

-ત્રાક બતાવતા કહે છે કે,તમારા જીવનમાં ચોક્ખું અને સફાઈદાર સુતર કાંતજો અને એના તાણાવાણાથી  સુમેળ સાધજો.

-ઝરોર(ચાળણી) બતાવતા વળી સમજાવે છે કે,સંસાર નો દીવો સદાય જલતો રહે,પણ આ દીવાને ચાળણીથી ઢાંકી રાખજો જેથી તમને ક્યારેય એની ઝાળ ન લાગે.આમ પોંખણાનો પણ ગુઢાર્થ છે. તે જ રીતે રાખના મુઠીયા નું છે,પણ હવે આ મેળવવું  શક્ય નથી કારણકે પહેલાં ચૂલા હતાં તેથી ઘરે ઘરે રાખ બનતી,પણ હવે તે ન મળે તો લીંબુ પણ નજર ઉતારવા માટે લઈ શકાય.

આમ પોંખવા આવનાર સાસુ વરને ચોરીમાં આવતાં પહેલાં સાવધાન કરે છે જેનો જવાબ વર-રાજા સંપુટ તોડીને આપે છે.વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહિં ભાંગીને ભુક્કો કરૂં છું. હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.

– વરને પોંખ્યા બાદ:

-ગોરમહારાજ અંતરપટ (બંનેની આડે પડદો)રાખે છે.અને કન્યા હાર લઈ સામેથી આવે છે અને મન્ત્રોચ્ચાર સાથે હાર પહેરાવે છે અંતરપટ ખસેડાય છે અને વર-રાજા તેમના પગ પાસે મુકેલા સંપુટને તોડી મંડપમાં પધારે છે.

– શિરુટાની થાળી વર-પક્ષની જવાબદાર વ્યક્તિને અપાય છે.આ શિરૂટો એટલે કન્યાને આપવાની સ્ટીલની થાળીમાં પહેલાં સાકરઅથવા પતાસાં રખાતાં જે જાનૈયાઓમાં વહેચાતા,હવે સમયના અભાવે  ખાંડનું પેકેટ રખાય છે.

-ત્યારબાદ સાસુ રિસામણે જાય છે -આ વિધિ બંને વેવાણો વચ્ચે પ્રેમનો મીઠો સંબંધ બાંધતી વિધિ છે.સાસુ રિસાયકે હું અંદર નહિ આવું,એટલે વેવાણ કહે કે તમને સાડી આપું અને માની જાઓ અને અંદર પધારો અને સાસુ હસતા હસતા અંદર પ્રવેશે છે. 

-હવે  વર-રાજા ચોરીમાં બેસે છે.કન્યાના માતા-પિતા પણ કન્યા-દાન દેવા બેસે છે.

-કન્યા પધરાવો સાવધાન બોલાય એટલે કન્યાના મામા તેણે લઈનેચોરીમાં આવે છે અને લગ્ન-વિધિ શરુ થાય છે.

છેડા-છેડીની ગાંઠ: જ્યારે ગોર મહારાજ કહે ત્યારે ,વરની બહેન વર-રાજાના ખેસમાં બાંધેલા સોપારી,ચોખા અને ચાંદીના સિક્કાના છેડાને,કન્યાના પાનેતર ઉપર મુકેલા ખેસ સાથે બાંધે છે.અને આમ તે ભાઈ-ભાભીના પ્રેમ સંબંધને વધુ મજબુત ગાંઠથી બાંધે છે.

-હસ્ત-મેળાપ: વર અને કન્યાના હાથ મેળવી કન્યાદાન કરાય છે.અને તે સમયે ખુશી જાહેર કરવા થાળી વગાડવામાં આવે છે.

– તે સમયે મંગલાષ્ટક ગવાય છે:

મિત્રો,આ મંગલાષ્ટક મેં લખ્યું છે.પણ તે આઠ કડીઓમાં નથી,કારણકે,બહુ લાબું ગાવા જેટલો સમય ચોરીમાં હોતો નથી.બધાના મનમાં તો ઉતાવળ હોય છે ગીત પૂરું કરવાની.અને મન વગર ગાવાનો મતલબ  ખરો? એટલે મેં ટુંકુ અને અર્થસભર મંગલાષ્ટક  લખ્યું છે.એને અષ્ટક કરતા મંગલ-ગીત  કહેવું વધુ યોગ્ય થશે.આ ગીતમાં તમે તમારી દીકરી,દીકરા કે સગાઓના નામ લખશો.મેં એમાં કાલ્પનિક નામ “માનસી” રાખ્યું છે.અને એના માતા-પિતાનું નામ “મીના-મહેશ”રાખ્યા છે.અને “માનસી”ના પતિનું નામ “મોહન”રાખ્યું છે.તમારે જે નામ હોય  તે નામ લખવા.

પ્રારંભે સહુ કાર્યમાં જગત આ,જેને સદા પૂજતું,

રીધ્ધી સિદ્ધિ  સહીત જે જગતનું,નિત્ય કરે મંગલ.

જેના પૂજન માત્રથી જગતના,કર્યો બને પાવન,

એવા દેવ ગણેશ આ યુગલનું ,કુર્યાત સદા મંગલ.

કન્યા છે કુલદીપીકા ,ગુણવતી,વિદ્યાવતી,શ્રીમતી,

પહેરીને પરિધાન મંગલ રૂડા,આનંદ પામે અતિ,

કંઠે મંગલ-સૂત્ર સુંદર દીપે,મુક્તાફલો ઉજ્જવળ,

પામો  હે પ્રિય”માનસી” સુખ ઘણું ,થાજો સહુ મંગલ.

દીકરી તું ખીલ્યું ગુલાબ પમરે,માં-બાપના આંગણે,

વાત્સલ્યો  વરસાવતા,હૃદયથી,મીના-મહેશ સાથ જો,

બબ્બે વીરની એક તું છે બહેની,આંખોની તું તારલી,

જોને નાનકડો વીરો હરખતો,બહેનીને જોઈ જોઈને,

ભાઈ,ભાભી,અને રૂપાળા ભૂલકા,મ્હાલે,મંગલ માંડવે,

ભાભલડીની  શીખ “માનસી”તને,કે સાસરિયું દિપાવજે,

સુખના સુરજ સામટા ઝળહળે,”મોહન” તણા સાથમાં,

સાસુ કૌશલ્યા સમાં,શ્વસુર તો દશરથ સમા દીસતા,

આજે નુતન આશ્રમે (ગૃહસ્થાશ્રમ) ચરણ આ,ચાલે નવા માર્ગ જો,

વહેતી આંખ છતાં ઉમંગ ઉછળે,સહુના હૃદયમાં ઘણો,

અગ્નિ,દેવ-દેવી અને પિતૃ  સહુ,આશિષ દે છે રૂડી,

સંસારે સૌરભ સદા પ્રસરજો ,મંગલ થાજો યુંગ્મનું,

કુર્યાત સદા મંગલ.

કંસાર ખવડાવવો:આની પાછળ બંનેના સાયુજ્ય અને પ્રેમની ભાવના છે.કન્યાની મા હસ્તમેળાપ પછી ખૂબ રાજી થઇ,માથે મોડ બાંધી,થાળીમાં કંસાર લાવે છે.આજે કોઈને ન ભાવતુ  હોય તો પેંડા કે કોઈ અન્ય મીઠાઈ પણ મૂકી શકાય.હેતુ ઐક્યની ભાવનાનો છે.બંને એકબીજાને ચાર ચાર કોળિયા ખવડાવે છે.

મંગળ ફેરા:
લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છે: ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ?

તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ:

(૧) ધર્મના માર્ગ ઉપર જ ચાલવું.

(૨) પોતાનો સંસાર સુખ અને સંતોષથી ચાલે એટલું ધન કમાવું.

(૩)અને લગ્ન જીવન ના સંયમ પૂર્વકના હક્ક.આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે.કારણકે,સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે.અને વંશ-વૃદ્ધિ માટે હમેશા સ્ત્રી પાછળ રહે છે.

 (૪)ચોથો ફેરો મોક્ષનો હોય છે જે પોતાની મરજી પ્રમાણે મળતો નથી.એ તો પોતાને ભાગે આવેલી ફરજોના ભાગ રૂપે જ મળે છે.સેવા અને પરિવાર તરફના પ્રેમ અને એકતા દ્વારા જ મળે છે. અને એમાં સ્ત્રી આગળ હોય છે કારણકે,સહનશીલતા-સદાચાર-શીલ-સેવા અને પ્રેમ એ મુખ્યત્વે સ્ત્રીના ગુણ છે.એટલે મોક્ષના  માર્ગ પર એ પુરુષ કરતાં આગળ હોય છે.

-પહેલાં મંગળ ફેરામાં કંકુના દાન દેવાય છે.(સોહાગ નું પ્રતિક)

-બીજા મંગળ ફેરામાં ચાંદીના દાન દેવાય છે.(શુદ્ધતાનું પ્રતિક)

-ત્રીજા મંગળફેરામાં સોનાના દાન દેવાય છે.(સમૃદ્ધિનું પ્રતિક)

-ચોથા ફેરામાં કન્યાનું દાન દેવાય છે.(જે સર્વ દાનોમાં શ્રેષ્ઠ ગણાયું છે)

ત્યારબાદ સપ્તપદી:

સપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો  આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર  કે પશ્ચિમ દિશામાં  ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એક પગલે એક એક વચન લેવડાવે છે.

–  इष एकपदी भव ।
(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)

બીજું પદ- उर्झे द्विपदी भव । (તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)

ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदी भव । (તું ત્રીજું પગલું સંપત્તિને માટે
ભર)

ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)

પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव । (તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે)

-છઠું તમામ ઋતુઓ માટે,(એટલેકે કુદરતની જેમ જીવન ની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમ મા બંને સમશીતોષ્ણ રહે તે માટે)

સાતમું પદ- सखा सप्तपदी भव । ( સાતમું પગલું  ભરીને તું મારી મિત્ર થા પતિ અને પત્ની  હક્કો અને ફરજોના ગુંચવાડામાં ન પડતા મિત્ર બનીને રહે તો સંસાર વધુ સરી રીતે ચાલે છે.)

-ત્યાર બાદ સિંદુર અને મંગળ-સૂત્રનો વિધિ કરવામાં આવે છે.

-હવે વર-કન્યા પરણી ઉતર્યાં એટલે બન્ને પક્ષના વડીલોને પગે લગાડવાના હોય છે.ત્યારબાદ જાનને જમાડવામાં આવે છે.

-જાન જમાડવામાં માટે તો પહેલાં પંગત પડતી,હવેટેબલ-ખુરશી હોય એટલે દરેક જાનૈયાઓના વડીલોને તેમના પદ પ્રમાણે બેસાડી,દા:ત:પુરુષોમાં વરરાજા,અણવર,વર ના દાદા ,વરના બાપ,પછી અન્ય વડીલો અને સ્ત્રીઓમાં એ જ રીતે વરની દાદી,મા,કાકી,મામી,માસી,બધાં ઉમર પ્રમાણે બેસાડી સ્ત્રીઓમાં કન્યાની મા ચાંદલા કરે છે અને પુરુષોમાં કન્યાના પિતા ચાંદલા કરી,”હરહર મહાદેવ”મોટેથી બોલાવી જમણ શરુ કરાવવામાં આવે છે.

– હવે પહેરામણી કરવામાં આવે છે.(આનો અર્થ દહેજ ન કરતાં,વર-પક્ષના લોકોનું સન્માન કરવાનો લેવો જોઈએ)

-ચોરીમાં જ સામસામે ખુરશી મૂકી,સ્ત્રીઓની પહેરામણી કન્યાની મા ચાંદલા કરીને પદ અને ઉંમર પ્રમાણે આપે અને પુરુષોમાં કન્યાના પિતા એ જ રીતે પહેરામણી પહેરાવે છે.

– હવે સૌથી અઘરી વિધિ વિદાયની છે.

-વિદાય વખતે કન્યાના મા-બાપ વરના મા-બાપને હાથ જોડી કન્યાને વળાવે છે.કન્યા પણ તમામ પોતાના પિયરીયા અને સખીઓને ભેટી ને વિદાય થાય છે.

રામણદીવડો:

એના માટેનો મૂળ સંસ્કૃત શબ્દ ‘અવલમ્બમાનદીપક’ એટલે સાંકળથી લટકાવી શકાય તેવો દીવો. એને ‘ઓળામણ દીવો’ પણ કહે છે. કોઈ વળી એને લાંમ નામની રાક્ષસીને દૂર રાખનાર લામણદીવો પણ કહે છે. તો કોઈ એને અનિષ્ટ તત્ત્વોના મારણરુપ મારણમંત્રવાળો દીવો પણ કહે છે. આ લટકતો દીવડો હાથમાં લઈ સાસુજી જમાઈરાજને પોંખે છે. લગ્ન પછી કન્યાને વળાવતી વખતે કન્યાની મા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દીકરી તેં તારી સેવા, સુશ્રુષાઅને સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.

મા માટલું:(મહા માટલું)

આ માટલી એટલે પિત્તળની ગોળી કે સ્ટીલની પવાલી કે ઘડો જે કઈ હોય તે કન્યાની વિદાય વખતે અપાય છે.એને મહામાટ પણ કહે છે. લગ્ન થઈ ગયા પછી કન્યાને વિદાય આપતી વખતે ગાડે બેસાડે ત્યારે કન્યા પક્ષ તરફથી જાનને ‘મહામાટ’ અપાય છે. મહી માટલું – મહિયર + માટલું તેનું અપભ્રંશ રુપ મા-માટલું થયું જણાય છે.માનો પ્યાર, માની મમતા, માનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતિક રૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મિઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મિ સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતિક રૂપે મગ, ફળના પ્રતિક રૂપે સોપારી, મેવાના પ્રતિક રૂપે ખારેક અને મિઠાઈનાપ્રતિકરૂપેસુખડીઅનેએસિવાયરિધ્ધિ સિધ્ધિના પ્રતિક રૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામના ના પ્રતિક રૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશિલતાથી સજ્જનતાથી અને સુવ્યવહારથી અતુટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતિક રૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મુકવામાં આવે છે.આમ મહામાટ એટલે માટી કે પિત્તળની ગોળી. તેમાં સુખડી ભરીને અપાતું.હવે તેમાંમેવા  મીઠાઈ, ધાન્ય તરીકે અડદના પાપડ,ઘઉં,ચોખા,વડી તથા ગોળ-સાકર,કોપરાના વાટકા, હળદરનો ગાંઠિયો અને ધન તરીકે  સવા રૂપિયો.મુકવામાં આવે છે.

-જાન ની બસ માં વળતી વખતે કન્યાના માતા-પિતાએ નાસ્તા-પાણીની સગવડ કરવાની હોય છે.હવે તો પૂરી શકના પેકેટ અને એકાદ કોરી મીઠાઈ એક સરસ ફોઈલ માં અપાય છે.

– વર-કન્યા જે કાર કે બસમાં બેઠી હોય તેના પૈડાને શ્રીફળ વધેરી કંકુ ચાંદલો કરી,અને થોડું પાણી રેડી સિંચવાની હોય છે.અને ત્યારબાદ જયારે કાર કે બસ નીકળે તેની પાછળ રાઈ-મીઠું છાંટવા જે  તમામ લોકોને (જાનૈયાઓને)બુરી નજરથી બચાવે છે.

– હવે વર-વધુ પોતાને ઘરે આવે છે એટલેકે જાન દીકરો પરણાવીને  પાછી આવે છે.ત્યારે નવી વહુનો ગૃહ-પ્રવેશ થાય છે.

-જેમાં દરવાજા પાસે બંનેને ઉભા રાખી વરની માતા બંનેની આરતી ઉતારી ઘરમાં પ્રવેશ કરાવે છે.

-ત્યારબાદ એકી-બેકીની રમત થાય છે.જેમાં એક મોટા ત્રાંસમાં સહેજ કંકુવાળું દૂધ-પાણી લઈ તેમાં વીંટી મુકાય છે અને બંને એ તેમાં થી વીંટી શોધવાની હોય છે,જે પહેલાં વીંટી શોધે તેનો હક્ક ઘર પર રહેશે એવી એક રમુજી પ્રથા છે.આવું ત્રણ વાર કરવામાં આવે છે.કદાચ આ વિધિ કન્યાને વિદાયનો જે માનસિક બ્હાર અને વર-પક્ષને થાકનો ભાર દુર કરવા માટે સારી છે.

-બીજે દિવસે રાંધી-પીરસવાની વિધિ હોય છે.જેમાં નવી વહુના હાથે લાપસી કે મોહનથાળ કે કોઈ એક મીઠાઈ જે ઘરમાં બની હોય તે દરેક વડીલ સ્ત્રી-પુરુષોને પીરસવામાં આવે છે અને વડીલો તે નવી વહુને આશીર્વાદ રૂપે કૈક આપે છે.

-અને આમ લગ્ન સંપન્ન થાય છે.અને લગ્ન-જીવન શરુ થાય છે.

-કુર્યાત સદા મંગલમ…… 

 

 

 

 

 

 

 

 

Advertisements
 

ટૅગ્સ:

5 responses to “નાગર લગ્ન-પ્રસંગના રીત રીવાજ.

 1. Piyush Mankad

  ઓક્ટોબર 21, 2012 at 9:10 એ એમ (am)

  VERY NICE. AA BADHU TAME LAKHELU BAHU KAAM AAVE TEVU CHHE.
  PIYUSH MANKAD

  Like

   
 2. halak

  ઓક્ટોબર 21, 2012 at 2:22 પી એમ(pm)

  Too good…You also had kept tooth-paste and comb in every room of your guest and boy’s guest in the Utaara!!! Loved your analysis and description. This is going to be the best guideline for your daughters too!!! :))

  Like

   
 3. halakn

  ઓક્ટોબર 21, 2012 at 2:26 પી એમ(pm)

  Well…મને યાદ આવ્યું કે ત્રણ તો છોકરા છે એટલે છોકરા તરફથી શું શું તૈયારી ની અલગ ફીલે બનાવી શકાય. મારેજ ખાલી એક છોકરી છે તે પણ ઢીંગલી જ છે હજી ૨ વર્ષ ની એટલે ઘણો ટીમે પણ બેઝિક તો સરખુંજ રેહવાનું. એ તો વીસ વર્ષ પછી પરણે ત્યારે રામ જાણે શું રીવાજ અને રીતિ હોય? હા હા હા

  Like

   
 4. Mit Mankad

  ફેબ્રુવારી 25, 2013 at 8:04 એ એમ (am)

  wahhh Khub Saras Lakhyu che aape…

  Aapno aabhar aa lakhan ni Me Print kadhi rakhi che.. jethi karine mane Bhavishya ma Kaam aave..

  Jai hatkesh

  Mit Mankad
  (Rajkot)

  Like

   
 5. નિશાંત ભટ્ટ

  નવેમ્બર 15, 2013 at 6:35 એ એમ (am)

  બોવાજ સરસ લખ્યું છે જે સગાઇ અને લગ્ન વખતે બોવાજ ઉપયોગી બને તેવું છે.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: