RSS

Monthly Archives: એપ્રિલ 2013

કવિતા દ્વારા બોધ – (દલપતરામ) ભાગ-૩.

નાના બાળકો પોપટ કે ચકલી,કબુતર,મોર વગેરે રોજ જોતાં હોય એ પક્ષીઓની ખાસિયતો જો આ પ્રમાણે ગીત કે

જોડકણા ના રૂપમાં વધુ સરસ અને સરળ પડે છે.

પોપટ.

popat

પોપટ બેઠો પાંજરે,બોલે મીઠા બોલ,સુણતાં મનમાં સર્વને હરખ  થાય અતોલ,

કોટે કાળો કાંઠલો,નમણું રાતું નાક,અંગે લીલા રંગનો,ધારે ધણી ની ધાક.

મીઠું બોલે મનુષ્યને,ઉપજે હેત અથાગ,પોપટ પાળે પ્ર્તથી,કોઈ ન પાળે કાગ.

kan kan me bhagvan

સર્વ વ્યાપી ઈશ્વર.(ચોપાઈ) 

આસપાસ આકાશમાં,અંતરમાં અભાસ,ઘાસ ચાસની પાસ  વિશ્વ પતિનો વાસ.

ભોંમાં પેસી ભોંયરે,કરીએ કાઈ વાત.,ઘડીએ મનમાં ઘાટ તે જાણેજગનો તાત.

ખાલી જગ્યા ખોલીએ,કણી મુકવા કામ,ક્યાંય જગત કર્તા વિના,ઠાલું ન મળે ઠામ.

ગાય વિષે  (ચોપાઈ).

cows

ગુણ વાળી શીગાળી ગાય,પાણી પીતી ને ખડ ખાય,

કેવો છે એનો  આકાર,ચાર પગાળી આંચળ ચાર.

ફરીને પગ જો ખરીમાં ફાટ,ઘણો રૂપાળો ભાળો ઘાટ,

પછવાડે પૂંછડે છે વાળ,નિત્ય ગોવા ળ કરે સંભાળ.

હોઠ હલાવે બેઠી હોય,કાળી ધોળી રાતી કોય,

દોતાં દૂધ ભલું દેખાય,તેના દહીં માખણ ઘી થાય,

પેંડા બરફી ને દૂધપાક, ખાતાં ખીર ન લાગે થાક,

બાસુંદી ને બને શીખંડ,ઠરે પેટમાં ઉપજે ઠંડ.

Advertisements
 

ટૅગ્સ:

કવિતા દ્વારા બોધ (દલપતરામ) ભાગ-૨.

Dalpatram Frontside

મારા હાથમાં એક મિત્રે સસ્તા સાહિત્ય કાર્યાલયનું એક પુસ્તક વાંચવા આપ્યું.તેમાં આપણે જુના વખતમાં હોપ ની વાચનમાળા”બીજી ચોપડી’માં પ્રગટ થયેલાં કેટલાંક બોધ કવિતા રુપે ભણતા,અને  જે એકદમ સરળતાથી બાળકોના મનમાં બેસી જતાં એવાં કેટલીક  બોધ કવિતાઓ આજે પણ મને યાદ છે.જેમાં પશુ,પક્ષી,કુદરત કે મનુષ્ય વગેરેની લાક્ષણિકતા બતાવતી વાત છે.અને આ કવિતાઓ માંથી મોટે ભાગે કવિ દલપતરામની લખાયેલી છે.આજે ઈંગ્લીશ ભાષા જરૂરી છે એ વાત કબુલ,પણ ઈંગ્લીશ ભણતાં ગુજરાતી બાળકોને આપણી ભાષાની આવી કવિતાઓ પણ શીખવાડવી જોઈએ એવું મારું માનવું છે.નહીતો ગુજરાતી ભાષાની   આટલી સમૃદ્ધિથી નવી પેઢીના બાળકો સાવ અજાણ જ રહી જાશે !

ભાગ-૧ માં ચોપડી અને વરસાદ વિષે જોયું .

આ અંકમાં વધુ કાવ્ય પંક્તિઓ જોઈશું.

તેમણે ચોખ્ખાઈ વિષે કહ્યું છે કે, (દોહરા)

” ચોખ્ખી ચીજો રાખવી,ચોખ્ખાં પહેરો ચીર,

ચોખ્ખાં ઘર ને ચોક પણ,ચોખ્ખે સુખી શરીર,

મધપૂડો રૂડો રચે,માખી રાખી ચાવ,

ડાઘાડુઘી ન દેખીએ,ખરેખરી શુધ ખાય.(શુધ=શુદ્ધ)

ચોખ્ખે ચિત્ત રાજી રહે,વળી શરીરનું વાન,

ચોખ્ખે સજ્જન ચારમાં,મળે મનુષ્યને માન.”

અનાજ – ધાન્ય વિષે કેટલું સરસ કહ્યું છે, (દોહરા)

બાજરીયામાં બાજરી,જાર કણસલે જોય;

ઊંબીના તો ઉપજે,ઘઉં ડાંગર જવ હોય.

તલના તે તલસરા,શીંગે સર્વ કઠોળ,

થાય ચણાના પોપટા,શેરડી સાકર ગોળ,

ચોમાસાના ચારમાં,થાય બાજરી જાર,

શિયાળામાં ઘઉં ચણા,તે સર્વે તૈયાર.

થોડું થોડું ભણવા વિષે

ભણતાં પંડિત નીપજે,લખતાં લહિયો થાય;

ચાર ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય.

પોપટ પણ અભ્યાસ થી,શીખે બોલતા બોળ;

કાયર થઇ આળસ કરે,તે નર ખરને તોલ.

કુવા પરના કઠણ જે,પાકા કાળા પાણ;

દોરડીએ છેદાય છે,એ લેવું એંધાણ.

 

ટૅગ્સ:

કવિતા દ્વારા બોધ -(દલપતરામ)ભાગ-૧.

 

Dalpatram Frontside

મારા હાથમાં એક મિત્રે સસ્તા સાહિત્ય કાર્યાલયનું એક પુસ્તક વાંચવા આપ્યું.તેમાં આપણે જુના વખતમાં હોપ ની

વાચનમાળા”બીજી ચોપડી’માં પ્રગટ થયેલાં કેટલાંક બોધ કવિતા રુપે ભણતા,અને  જે એકદમ સરળતાથી બાળકોના મનમાં બેસી જતાં એવાં કેટલીક  બોધ કવિતાઓ આજે પણ મને યાદ છે.જેમાં પશુ,પક્ષી,કુદરત કે મનુષ્ય વગેરેની લાક્ષણિકતા બતાવતી વાત છે.અને આ કવિતાઓ માંથી મોટે ભાગે કવિ દલપતરામની લખાયેલી છે.તો જોઈએ એમની કેટલીક કવિતાઓ;

ચોપડી વિષે

સારી ચોપડીઓ શોભાય, હૈયું તે દેખી હરખાય,

પણ વિગતથી જો તે વંચાય,તો તેમાંથી કારજ થાય.

જીવ ઘાલીને વાંચે જેમ,તેમાં સમજણ આવે તેમ,

વાંચે પણ નહિ કરે વિચાર,તે સમજે નહી સઘળો સાર.

આમ પુસ્તકનું શુ મહત્વ હોય છે?અને ભણતરનું શુ મહત્વ હોય છે તે આ ચર જ પંક્તિમાં સુપેરે સમજાવ્યું છે.આ શબ્દો એવા મોઢે થઇ જતાં કે,છપાઈ જતાં.અને એનો પાયો બહુ મજબુત નંખાઈ જતો.

તે જ રીતે વરસાદ વિષે;

આવ રે વરસાદ,ઘેબરિયો પરસાદ,

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક,

આવ રે વરસાદ નેવલે પાણી,

નઠારી છોકરીને દેડકે તાણી.

હવે આમાં,વરસાદને આમંત્રણ અપાય છે. જેમાં એણે પ્રસાદની લાલચ જેમ એક બાળકને આપીએ તેમ જ અપાઈ છે.એટલે કુદરત આપણી સાથે આપણા સગાં જેટલી જ વણાઈ ગઈ છે એમ દર્શાવ્યું છે.ટપકતાં ને જો બાળક નઠારું એટલેકે,જીદ કરે તો દેડકો તાણી જાય,એવી સાવ હળવી બીક બતાવાય છે જેથી બહુ ડરે પણ નહિ,અને ડાહ્યું પણ બને.આવી તાકાત આટલા ઓછા શબ્દોમાં હતી.

 હજી આપણે આગળ ઉપર બીજા દ્રષ્ટાંતો પણ જોઈશું.(વધુ આવતા અંકે)

 

ટૅગ્સ:

વિચાર – વાયુ.-સુખ દુઃખ મનમાં ન આણીએ.

baloons

 

 

 

 

 

 

 

 

સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં….

આ બધું આપણે જાણીએ,સમજીએ વિચારીએ ,ચિંતન કરીએ…આં બધું કર્યાં પછી નિષ્કર્ષ શુ ?તો કે,થોડો સમય આપણી ઉપર આ બધાની છાપ રહે છે,પણ આખર તો ભાઈ માણસ છે ! દરેકને પોતાનું દુઃખ પહાડ જેવડું અને બીજાના દુઃખ રાઈ જેવડાં લાગે છે.પણ ક્યારેક બીજાનાં દુઃખ જોવાથી પોતાનું દુઃખ હળવું થાય છે.

તો આમ જ થોડો સમય પણ પોતાના જ દુખને મોટું ન ગણતાં,બીજાના દુઃખ પણ જોવા જોઈએ.

હું એક મંદિરમાં જાઉં છું.ત્યા મને એવાં લોકો જોવા મળે છે કે,ખૂબ સુખી જેવાં દેખાતા હોય પણ એમનું દુઃખ આપણા મનને હલાવી દે.

કોઈની દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી હોય,અને ૨ વર્ષનું બાળક ઘરડા નાના-નાની ઉછેરતાં  હોય ! આ કાઈ અમુક ઉંમર પછી સહેલું છે?!

એક ‘મા’ હોય,જે બહેરી અને મૂંગી હોય,એના બે નાના બાળકો હોય,બાળકો કઈ કહેતાં  હોય પણ એ સાંભળી ન શકતી હોય.!

એક  જુવાન સ્ત્રી હોય,એનો પતિ પરદેશમા મૃત્યુ પામ્યો હોય,એકલે હાથે દીકરી નું કન્યાદાન કર્યું હોય,

આ બધું શુ લાગે છે? તેમના હૃદયમાં  એકલતાની પીડા, ફરજનો ભાર કે કુદરતે જે ખોડ આપી છે તેની ફરિયાદ નહિ હોય ?!પણ છતાં આ બધાંને હસતાં,ભજનો ગાતાં,અને તાળી પાડીને ગરબા ગાતાં મે નજરોનજર જોયાં છે.ત્યારે મારી આંખ ભીની થાય છે,અને વિચારું છું કે, કે હે પ્રભુ! સુખ અને દુઃખ તો આ જીવન સાથે વણાયેલાં જ છે તેમાંથી ઉપર ઉઠીને પણ’,“તેં જે આપ્યું તે ફૂલ” સમજીને ને  જીવી લેવું  જોઈએ.ઘણું અઘરું છે,પણ સાવ અશક્ય નથી !

 

ટૅગ્સ:

छन पकैया…..छन पकैया….

bachchan

વેદ મંત્રો ની રચના છંદમાં જ થઇ છે એવું કહેવાયછે.

આજની ભાષામાં ,અનુષ્ટુપ.શીખરીણી,મંદાક્રાન્તા,શાર્દુલ વિક્રીડિત વગેરે છંદોના નામે પ્રસિદ્ધ છે,તે વેદોમાં ગાયત્રી,જગતી,બૃહતી,ત્રિષટુપ,ભુરિક,પ્રગાથ વગેરે છંદો મળે છે.

અહી જે  છંદ પ્રસ્તુત છે તે અસલમાં તો આજની  લોકવાણીમા સમાયેલો છે.જે ઘણા સમાજમાં લગ્ન પ્રસંગે મજાકના રૂપે ગાવામાં આવે છે.આપણે ત્યાં એણે ફટાણા કહે છે. આ પ્રકારને વધુ પ્રચલિત કર્યો હોય તો ટી વી અને ફિલ્મોના માધ્યમ થી શ્રી દાદામુની એ (અશોક કુમાર) અને કે.બી.સી.દ્વારા શ્રી અમિતાભ બચ્ચને. એમાં હાસ્યની સાથે સાથે બે જ પંક્તિઓમાં ગૂઢ વાતો પણ સમજાવી શકાય છે.

વાસ્તવમાં અહી ‘છંદ’ નું જ જનવાણી રૂપ ‘છન’છે.જે એક જાતના લયમાં બોલાય છે.અને

જોડકણા ની સરળ રીતે બોલવામાં આવે છે.

छन पकैया,छन पकैया,छन के उपर सिगड़ी,

है तुजमे अब भी ताकत तो,बनादे बातें बिगड़ी.

छन पकैया,छन पकैया,छन के ऊपर घोड़ी,

जीवन की सच्चाई सामने आ गई थोड़ी थोड़ी.

छन पकैया,छन पकैया,छन से  नाची राधा,

खुश रहेना सीखो दोनोमे,सुख दुःख आधा आधा.

छन पकैया,छन पकैया,छन के उपर मैना,

अब क्या बाकी रहे गया है,और भी कहेना सुनना?

 

ટૅગ્સ:

આપણી ભાષા નો અણમોલ ખજાનો: કેટલીક જુની કહેવતો.

sona no charu

હવે ચાલો  આપણે કેટલીક કહેવતો ના હીરા માણેક પણ મેળવીએ:

૧ – આ જો સુરજ ને આ જો જયદ્રથ =

કુરુક્ષેત્રના  યુદ્ધમાં સૂર્યાસ્ત થાય તે પહેલાં જયદ્રથ ને મારવાની અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી.જયદ્રથ ભાગતો હતો અને અર્જુન એની પાછળ.આમ ભાગતાં ભાગતાં સૂર્યાસ્ત થઇ ગયો.એટલે જયદ્રથને એમ થયું કે હવે તો હું બચી ગયો.પણ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની લીલા થી સુર્યને થોડી વાર માટે વાદળાંથી ઢાંકી દીધો હતો.અને જાણે સૂર્યાસ્ત થયો  હોય તેવું  વાતાવરણ ઉભું કરી દીધું.જયદ્રથ તો જ્યાં હતો ત્યાં ઉભો રહી ગયો.અને શ્રી કૃષ્ણે અર્જુન ને કહ્યું કે,હવે આને માર.આ જો સુરજ ને આ જો જયદ્રથ !

૨ – આપકી કુસકી પરાયેકી લાપસી.- પારકી થાળી માં લાડુ મોટો લાગે તેવું.

૩ – ઈ દેવ ભાવતો ને હંધાય ને ફાવતો – ગમતી વાત માટે દેવી દેવતાઓનું ઓઠું લેનાર માટે વપરાય.ભાવતુ તું ને વૈદે કીધું જેવું.

૪ – ઈ ના ઈ ઢાંઢાં ને ઈ ના ઈ ઢોર, ઈ ના ઈ વોળાવિયા ને ઈ ના ઈ ચોર

લુંટારા સંતલસ કરીને બીજે ગામ જનારને પોતાનું જ વેલડું ,ગાડું ને ચોકિયાતની ઓફર કરે અને ફસાવીને લુંટી લે તે/ ઘર ના જ  ભુવા ને ઘરના ઝાગડીયા

૫ – ઊંટના મોમાં જીરું- નહિ જેવું.

૬ – દરિયામાં ખસખસ- નહિ જેવું.

બહુ મોટા શરીર વાળા માણસ ને એટલુંક અમથું ચપટી જેટલું ખાવા  આપો તો તેની ભુખ કઈં ભાંગે ?! એ તો દરિયામાં ખસખસ જેવી વાત થઇ !

૭ – એ પાણીએ મગ ન ચડે- નિષ્ફળ રીત કે કાર્ય પધ્ધતિ.

હું તમને ખાતરી પૂર્વક કહું છું કે તમે રામજીને કામ ભલે સોપ્યું પણ એ પાણીએ મગ નહિ ચડે જોજો.

૮ – કઢી સાટું વરો બગાડવો-મોટું આયોજન સરસ રીતે પાર પડ્યું હોય પણ તેંમાં નાની એક ખામી રહી ગઈ હોય તે માટે વપરાય છે.

આટલા ખર્ચીને અડધો પ્રસંગ ઉકેલી તો નાખ્યો  છે તો હવે સાવ એક કઢી સાટું વરો કયાં બગાડવો !

૯ – કરિયાવર ને કાંઠા ન હોય – દીકરી ને એકવાર આપો તો કેટલું આપશો એની કોઈ હદ નથી હોતી.

દીકરી ને તો લગનમાં આપીએ એટલું ઓછું છે,કરિયાવર ને તે કાંઈ કાંઠા હોય છે ?!

૧૦ – કાવડ ફેરવવી – કોઈ ખોટ નું બાળક આવ્યું હોય ત્યારે માં બાપ એ બાળક ને ભીખલો રાખે છે ત્યારે એને બીજાનું બાળક ગણી બહારથી જ તેના અનાજ કપડાં માંગવામાં આવે છે તેણે કાવડ ફેરવવી કહેવાય.તેનાથી આ બાળક બચી જાય એવી માન્યતા છે.

અથવા ગામ ભાગોળે વસેલા બાવાઓ રોટી ઉઘરાવવા કાવડ લઈને ફરે છે તેને ‘રામરોટી’પણ કહે છે.

મને લાગે છે કે મનુભાઈ આજકાલમાં ગામમાં કાવડ ફેરવશે, દસ વર્ષે ઘરમાં ઘોડિયું બંધાયું છે !

૧૧ – ફરતે એકાદશી ને વચમાં ગોકળ આઠમ=ભૂખમરા ની દશા.

આ દુકાળમાં તો ઘેર ઘેર ફરતે એકાદશી ને વચમાં ગોકળ આઠમ જેવો તાલ છે !

૧૨ – પિયરમાં બારશ બોલે ને તેરશ ટહુકા કરે=ભૂખમરો

કમળા ને  ઉછીના તો આપ્યા છે,પણ જોજો પાછા નહિ મળે કારણકે,એના પિયરમાં તો બારશ બોલે ને તેરશ ટહુકા કરે છે !

૧૩. – પાપિયા ના પીતર જેવો =સુકલકડી માણસ.

(પાપી માણસ પિતૃઓનું શ્રાધ ન કરે પિંડ ન દે તેથી સ્વર્ગ માં પિતૃઓ ભૂખે મારે અને સુકાઈ જાય.)

૧૪ – પારકે પાદર  માવજીભાઈ કાંધાળા

બીજાનો ધન માલ વપરાતો હોય તો ત્યાં બહુ ઉદાર થાય.

૧૫ – નાગરવેલ ના પાન ઉડાડ્યે કાઈ સાંઢિયા ધરાતા હશે?

મોટા રુષ્ટ પુષ્ટ ને જમવા બેસાડીને નાની કાગળ જેવી ફુલકા આપવાથી શું થાય?

૧૬ – નળ નીચે બેડું જોઈએ =તક તો મળે પણ તેના માટે મહેનત કરવી પડે.

૧૭ – દેવ તેવી જાત્રા. = જે જેનેયોગ્ય હોય તે જ આપવું.

૧૮ – ઠાલા આવ્યા ને ભુલા ગ્યા = ફોગટ ફેરો થાવો.

૧૯ – તેલ ગયું,તૂપ ગયું,હાથમાં ચાડું રહ્યું = બધી બાજુએથી નુકસાન થવું,

ચાડું એટલે દીવી.

૨૦ – ટેલિયો = ગુજરાત ના ભિક્ષુક પણ નિત્ય કર્મ પારાયણ સત્વશીલ બ્રાહ્મણ નો એક વર્ગ નો માણસ.પોતાની દીકરી ને પરણાવવા માટે કે એવા કોઈ પ્રસંગ અર્થે કોઈ એક ગામ આગળ રકમ ની માગણી મુકે અને તે મેળવવા સવારથી બપોર સુધી ગામમાં બધે ફરીને મોટે થી ગાતા જાય અને સંતોના દોહા કે નીતિ વચનો  બોલતા જાય,આને ટેલ નાખવી કહેવાય. આવો યાચક ગામની ધરમશાળા માં રહેતો.રોજ સવારે સંધ્યા પૂજા કરી બપોર સુધી ગામમાં ટેલ નાખતો.ગામલોક દાળ લોટ વગેરે સીધું આપતા.અને તે રસોઈ કરી એક વાર જમતો.અને નક્કી કરેલી રકમ ઉપરાંત ગરમ ધાબળી,ડગલો વગેરે પાંચ સાત વર્ષ સુધી ચાલે તેવી ચીજોની ટેલ નાખતો.

“ડગલો ડગલો થાય છે,શિયાળો વહી જય છે,

ડગલે ડગલે પીળી કોર,ડગલો પે’રાવે શ્રી રણછોડ.”

ટેલ પૂરી થાય ત્યારે ગામલોક તેને માન-સન્માન સાથે જમાડી ને વિદાય કરતું. તેઓ અતિ જરૂર વગર ધન માટે ટેલ ન નાખતા.અને પાંચ સાત વર્ષ સુધી એક જ ગામે ફરીથી ન જતાં.આવા ટેલિયા કોઈ કજિયા માં પડતા નહિ.શાંત અને સદાચારી બ્રાહ્મણો  હતાં.

૨૧ – થાપણ માટે સાપણ થવું.= વસુલી માટે ગમે તે હદ સુધી જવું.

૨૨ – ભેંશો થોડી ને હોળાહોળ ઘણી = નાના અમથા કામનો પ્રચાર મોટે પાયે કરવો તે.

૨૩ – મહાદેવ ના ગુણ પોઠીયો જાણે =  મોટા માણસ ના ગુણ અવગુણ એનો અંગત માણસ જ જાણતો હોય.

૨૪ – હાથ પગ ગરમ,પેટ નરમ,સર ઠંડા,

ઔર પીછે જો દાક્તર આવે,લગાઓ ઉસકો ડંડા.

૨૫ – સોના ની કટારી ભેટમાં શોભે,પેટમાં ન ખોસાય = લાડ દુલાર હદમાં કરવા.

૨૬ – સફેદ નો લોપ થાય ત્યારે જ કપડું રંગાય. = અહંકાર રૂપી મૂળ પોત ન ટળે ત્યા સુધી જ્ઞાન વૈરાગ્ય નો રંગ ન ચડે. 

૨૭ – વાછરું  ના ટોળાંમાં ખોડી ગાય ડાહી.(ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન)

૨૮ – લખાણું ઈ વંચાણું = જે લખ્યું તે સાચ,બોલેલું યાદ ન રહે.

૨૯ – રામ રોટી = બાવાઓ ગામમાં ફરીને ભગવાન ને નામે ઘેર ઘેર ઉઘરાવે છે.

૩૦ – રંગે રુડી ને ગુણે કુડી = ગોરી છતાં કુલક્ષણી.

૩૧ – રાઈ ના દાણા જેટલી વાત = સાવ નાની અમથી બાબત ,નહિ જેવી વાત.

૩૨ – મોળે માવઠું નહિ ને દુબળે પાવઠું નહિ = અછત માં અછત ઉમેરાય.

૩૩ – દુબળા ઢોર ને બગાઈ ઘણી = માણસ નબળું હોય ને ઉપરથી વળી માંદુ હોય તો શરીર જવાબ દઇ દે.તકલીફ માં તકલીફ ઉમેરાય તે.

૩૪ – મુઠી વાવે ને ગાડું લાવે = એક જ મુઠી દાણા વાવ્યા હોય તેમાંથી ગાડું ભરીને અનાજ પાકે છે.

૩૫ – ભૂખ્યા પૂંઠે એકાદશી = ભૂખમરો.

૩૬ – ભેંશ ભાગોળે ને છાસ છાગોળે,ઘરમાં ધમાધમ.=હજી તો વાત વિચારાતી હોય ત્યાં જ જાણે પ્રસંગ થઇ રહ્યો હોય એટલી ધમાલ કરવી તે.

૩૭- આંતરડા ની ગાંઠો વળી ગઈ ને પાંસળીઓની કાંસકી થઇ ગઈ = ખૂબ જ કષ્ટ વેઠીને સંતાન કે ભાઇ ભાંડરડાંને મોટાં કરવાં.

એક તો કમળા બેન એકલી જાત ને ઉપર કપરી મોંઘવારી ! બચારાના આંતરડાની ગાંઠ્યો વળી ગઈ ને પાંસળીઓ ની કાંસકી થઇ ગઈ જાણે !

૩૮- ઇ ની દાઝ ઈ ને ખાશે = ઈર્ષ્યા માણસને બાળે તે.( ઈર્ષ્યા કરનાર પોતાની જ આગમાં બળીને સુકાઈ જાય છે)

આપણે શુ ઈ ની દાઝ ઈ ને ખાશે.

તો  મિત્રો આવો છે આપણી ભાષાનો અણમોલ ખજાનો ! આમાંના ઘણાં શબ્દો અમારે ત્યાં કચ્છમાં આજેય બોલાય છે આવી અતિ મીઠી બોલીની મજા માણવા મળી તે બદલ ફરીથી  આ પુસ્તક આપનાર મિત્રનો અને આવું પુસ્તક લખનાર સ્વામી આનંદ નો આભાર માનું તેટલો ઓછો !

 

આપણી ભાષાનો અણમોલ ખજાનો – કેટલાંક રુઢિપ્રયોગો – વાક્યરચના સાથે.

gold coins

આપણી ભાષાની ‘જૂની મૂડી’જેવા લુપ્ત થતાં  કેટલાંક રુઢિપ્રયોગો ની સોનામહોરો વીણી લઈએ.

૧- આજની ઘડી ને કાલનો ‘દિ = હવે એ સમય પાછો ન આવવો.

અમથાલાલ તો એવા ભાગ્યા કે આજની ઘડી ને કાલનો ‘દિ.

૨- રાતે પાણીએ રોવું = બરબાદ કરવું,હેરાન કરવું.(રાતું પાણી એટલે લોહીના આંસુ.એ અર્થમાં)

એ તો  બધાંને રાતે પાણીએ રોવરાવે એવો છે !

૩- ઘોળ્યા નું ગ્યું તો.= ગયું તો ભલે ગયું.એનો અફસોસ કે દુઃખ ન કરવું.

હવે રડ્યાથી શું વળે ?પૈસા જ  ગ્યા ને ? ઘોળ્યાના ગ્યા તો.

૪- મર કરતો.= ભલે કરતો.

વારંવાર ના ન પાડો ને એને,મર કરતો જે કરતો …

૫- કરો કંકુના=શુભ કામ જલ્દી કરો.

નવું ઘર લેવાનો  વિચાર છે ? કરો કંકુના ત્યારે !

૬- કંકુ ને કન્યા =કોઈ પણ દાન- દહેજ વગર વહુ ને ઘરે લાવવી.

સોમાભાઈ એ શુ બોલ્યા ? અમારે તો કઈ જ ન ખપે અમે તો માત્ર કંકુ ને કન્યા જ જોઈએ.

૭- ઘરનાં ભૂવા ને ઘરનાં ઝાગડિયા = ઘરમાં જ બે ય હાજર હોય તે .

અમારે તો ડોક્ટરે ય ઘરમાં ને માંદા ય ઘરના.ક્યાંય અમારે ડોક્ટર શોધવા ન જવું અને ડોક્ટરને બીમાર શોધવા ન જવું.અમારે તો ઘરના જ ભુવા ને ઘરના જ ઝાગડીયા !

૮- ગાંડી માથે બેડું-ઠેકાણાં વગર નું માણસ.

હવે એની વાત કઈ સાચી મનાય ! એ તો ગાંડી માથે બેડાં જેવી છે!

૯- ઘાણી નો બળદ જેમ-ખુબ મહેનત કરવી.

પહેલાં ના વખતમાં જમીનદારો ખેત મજુરોને ઘાણી ના બળદ ની જેમ કામ કરાવતા.

૧૦- ગાડું દેખી ગુડા ગળવા = વાહન  જોઈને ચાલવાની આળસ થવી.પગ દુખવા.

શુ ?ગાડું દેખી ગુડા ગળવા માંડ્યા ને ? કેમ બહુ ચાલી નાખીશ એમ કહેતાં’તા ને ?

૧૧- જમાનાને તડકે મેલવો-સમાજ ની પરવા ન કરવી.

આ કામ તો જમાના ને તડકે મેલીને પણ કરવું પડશે.

૧૨- ટાંટીયાના પાણી નિચોવવા-ખુબ જ શ્રમ કરવો.

આજે તો આંખો દિવસ ટાંટિયા ના પાણી નીચવી નાખ્યા છે.

૧૩- ઢેબા ઢીબી નાખવા-ઢેબા એટલે રોટલા.( માર મારવો એ અર્થમાં પણ વપરાય છે)

એના તો હું ઢેબા ઢીબી નાખીશ જો જો ને બહુ વાયડો થાય છે તે !

જરીક વાર બેસો એટલામાં તો ચાર ઢેબા ઢીબી નાખું છું.

૧૪- તનકારા કરવા-બરકત ની મોજ માણવી.

છોકરાંઓ તો બરાબર છે,એ ય ને તનકારા કરે છે !

૧૫- થાબડ થાબડ ભાણા –ભીનું સંકેલવું.

એ તો ભાઈ મોટા માણસ ! આવી વાતમાં એને તો ક્યારે થાબડ થાબડ ભાણા થઇ જાશે એની આપણ ને કલે ય નહિ પડે.

૧૬- તેલ પળી કરવી-તેલ,મીઠાં,મરચાં નો વેપાર કરવો.

મારા દીકરાને તો મારે બહુ ભણાવવો છે એને કઈ મારી જેમ તેલ-પળી નથી કરાવવી.

૧૭- દીવો રાણો કરવો.=દીવાની શગ નીચી કરવી.

બહુ રાત થઇ ગઈ છે,દીવો રાણો કરીને જરાક વાર સૂઈ જાઓ.

૧૮- દીવો રામ થવો = મૃત્યુ થવું.મરણ થવું.

સોમા બાપુનો દીવો રામ થઇ ગયો !

૧૯- દીકરી દુઃખાણી-વિધવા થાય તે,

ગઈ સાલ જ લીલા બેન ની દીકરી દુખાણી !

૨૦- દાણે દાણે મોતાદ = ઘરમાં અનાજ બિલકુલ ન હોવું.

એને તો એટલો કપરો સમો છે કે દાણા દાણા માટે મોતાદ થઇ ગયો છે !

૨૧- ધોડાધોડી નો જમાનો. = ખૂબ કામ નો સમય.

શુ ધોડાધોડી નો જમાનો આવ્યો છે બાપ !

૨૨- નવી નણંદ-ટેલીફોન.જેને હજાર કામ પડતા મૂકી ને જવાબ દેવો પડે,

ગમે તેટલાં કામ પડતા મુકીને પણ આ નવી નવી નણંદને તો જવાબ દેવો જ પડે ને ?

૨૩- પાણા ય ન પડવા = કોઈ તકલીફ ન હોવી.

મારી તબિયત ને તે શુ થયું છે ? મને તો પાણા ય નથી પડવાના !

૨૪- પાણી ઢોળ = બધું બગડી નાખવું.

આવું બોલીને તારા કર્યાં પાછળ પાણી ઢોળ શુ કામ કરે છે ?

૨૫- પાણી ઉતારી નાખવું = હરાવવું.

બહુ ફાંકા મારે છે તે જોજેને ગણિતમાં તારું પાણી ન ઉતારી નાખું તો મારું નામ કનક નહિ !

૨૬- પાયા બહાર નીકળી જવું-શરીર ખુબ વધી જવું,

હવે એન લગન થવા અઘરા  છોકરી કેટલી પાયા બહાર નીકળી ગઈ છે !

૨૭- પાખડું ઝાલવું = આધાર આપવો.

મારા મા બાપુના મર્યા કેડે મારા મામાએ જ મારું પાંખડું ઝાલ્યું.

૨૮- પૃથ્વી જેવડું મૌન-સામા ને બેચેન બનાવી મુકે તેવી ચુપ્પી.

એમણે તો જાણે પૃથ્વી જેવડું મૌન પકડી લીધું છે !   

૨૯- પોથી પંડ્યો = ચોપડી સિવાય બીજી વાતોમાં અજ્ઞાન 

એને દુનિયાદારી ની શી સમજ ! એ તો પોથી પંડ્યો છે.

૩૦- ઘરણ ટાણે સાપ કાઢવો = અણીને વખતે રદ્દ કરવું.

ખલાસ ! હવે ફરવા નહિ જવાય ! તમારા સાહેબે ઘરણ ટાણે જ બરાબર સાપ કાઢ્યો !

૩૧- બઠા  કાન કરીને સાંભળવું-કાન માંડીને સાંભળવું.

જો રતન ! હવે હું જે કહું છું તે બરાબર બઠા કાન કરીને સાંભળજે

૩૨- ભૂત નાં હાથમાં પલીતો-સર્વ નાશની તૈયારી.

તમને સમજ નથી પડતી ? આ ભૂતના હાથમાં પલીતો અપાય ?

૩૩- મંગાળે મસ અડવી-ત્રણ પથરા મૂકી કોઈ પણ જગ્યાએ બનાવી લેવાતો ચૂલો.તેના ઉપર વાસણ સ્થિર રહે તે.

બેઠાં બેઠાં વાતો જ કરે રાખવી છે કે મંગાળે મસ પણ અડાડવી છે ?

૩૪- ગાંઠ નું ગોપીચંદન  = બીજાનું કામ કરવાં મા પોતાને ય ખર્ચ થવો.

ઈમ કાઈ ગાંઠ નુ ગોપીચંદન કરીને મારાથી આ નહિ થાય !

૩૫- અઠીક લાગવું  = તબિયત બગડવી.

આજે મને  જરાક અઠીક જેવું  લાગે છે !

૩૬- કંકુ ની રોળ્ય જેવી વહુ -બહુ નમણી,સુંદર વહુ.

કાન્તાબેન ! તમે તો કંકુ ની રોળ્ય જેવી વહુ લઇ આવ્યા છો હો !

૩૭- કાતરીયું ગેપ – પાગલ થઇ જવું.

કાકા તમે કઈ સાંભળ્યું ? ભોપાભાઈ નુ કાતરીયું ગેપ થઇ ગયું છે !

૩૮- ઢીમ ઢાળવું = ઢીમ એટલે માથું.અને તે કાપી નાખવું તે.(યુદ્ધ માં કાપાકાપી થાય ત્યાં આ શબ્દ વપરાય છે.)

સમરાંગણમાં કઈ કેટલાંય ના ઢીમ ઢળી ચુક્યા છે.

૩૯- કંઠી બાંધવી – દીક્ષા લેવી.કોઈ ગુરુ કે સંપ્રદાય ને માનવું.

કાનજી ભાઈએ તો સ્વામી નારાયણ ની  કંઠી બાંધી.

૪૦- પડ્યા આવવું – ધીમે ધીમે હાલ્યા આવવું.

તમે તમારે આગળ જાઓને એ તો પડ્યો આવશે !

૪૧- ફાટેલ પીયાલાનો – ફાટેલ મગજ નો,દારૂડિયો.

એને વતાવાય નહિ,એ ભયંકર ફાટેલ પિયાલા નો છે.

૪૨- મૂડી નું વ્યાજ – દીકરા નો દીકરો(પૌત્ર)દીકરો એ મુડી અને પૌત્ર એ વ્યાજ.

દાદા દાદી ને તો ભાઈ મૂડી કરતાં વ્યાજ વધારે જ વહાલું હોય ને ?

૪૩- વંજો  માપવો – ભાગી જવું.

ચોર તો ઘરેણાં ગાંઠા લઈને ક્યારનાય વંજો માપી ગયા હશે !

૪૪- ઘર નો મોભ= ઘરનો મુખ્ય થાંભલો કે બીમ જેના ઉપર ચણતર થયું છે.(ઘરની મુખ્ય વ્યક્તિ માટે વધારે વપરાય છે)

ઘરના મોભ જેવું માણસ જાય પછી ઘર તો પડી જ ભાંગે ને ?

૪૫- હરખ કરવાં જવું = કોઈના સારા પ્રસંગે ખુશી વ્યક્ત કરવાં જવું.

હું ને કલા બેન આજે રમાબેન ના દીકરાની સગાઇ થઇ છે તે હરખ કરવા જઈ આવ્યા. 

૪૬- હરોરી જવું = ત્રાસી જવું, હિમત હારી  જવું.

આ છોકરાંઓ એટલાં તોફાની છે કે બે છે તોય હું હરોરી ગઈ છું બોલો !

૪૭- હાંજા ગગડી જાવા -બીકથી ધ્રુજી જવું.

અંધારામાં બહાર એકલા જવામાં તો બધાના હાંજા ગગડી જાય હોં ?

૪૮- હાથ પીઠીવાળા કરવા -પરણાવવું

આ સાલ તો કમુડીના હાથ પીઠી વાળા કરી જ દેવા છે !

૪૯- હાલરહુલર-મા બાળકને રમાડે કે હુલાવે,લાડ કરે તે.(ઘોડિયા ઉપરનું ઝુમ્મર)

૫૦- દુકાન વધાવવી = સાંજને સમયે ઘરે જતાં પહેલાં દુકાન બંધ કરવી.

તમે મહેમાન ને  જરાવાર બેસાડજો આજે હું વહેલી દુકાન વધાવી લઈશ.

૫૧- અછોવાનાં કરવા =  ખૂબ આગતાસ્વાગતા કરવી.સાચવવું.

મીઠી બા ને ઘરે જશો તો એવા રાજી થશે કે અછો વાનાં કરશે ! 

૫૨- સડસઠ ભેગી અડસઠ = આટલા ખર્ચમાં થોડો વધુ ખર્ચ.(ઘા ભેગો ઘસરકો)

હવે ખરચની ચિંતા શું કરો છો, સડસઠ ભેગી અડસઠ.

૫૩- અડિંગો નાખવો = ધામા નાખવા,રહી પડવું.

મહેમાન તો બે દિવસ સારા.આમ અડિંગો નાખીને બેસે તો અકારા લાગે !

૫૪- ઉપાડો લેવો = ધમાલ કરવી.

આવી નાની વાતમાં તમે શુ આવડો બધો ઉપાડો લીધો કમળાબેન !

૫૫- ઉડીને આંખે વળગે = જોવું ગમે તેવું.

કન્યાનાં રુપ ને ગુણ બંને ઉડીને આંખે વળગે એવા છે !

૫૬- હડદોલો લાગવો = મુસાફરી ને અંતે થાક લાગવો.

હવે આ ઉંમરે હડદોલા સહન નથી થાતા.

૫૭- અડદાળો નીકળવો = ખૂબ મહેનત ને અંતે થાક લાગવો.

એ મંદિર એટલું વિશાળ છે કે  એની અંદર જ ચાલી ચાલી ને અડદાળો નીકળી જાય!

મિત્રો,આ અને હજી આવા ઘણા રુઢિપ્રયોગો ની મહોરો ક્યાંક ભાષાના પેટાળમાં હશે,આ તો જે કેટલીક ઉપર કાઢી શકી છે તે અહી મૂકી છે. 

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: