RSS

આપણી ભાષાનો અણમોલ ખજાનો = શબ્દો તેના અર્થ અને વાકયપ્રયોગ.

04 એપ્રિલ

diamonds box

લોકબોલી ના કેટલાંક મને ગમતાં  શબ્દોના રત્નો  તેના અર્થ અને વાક્ય-પ્રયોગ સાથે:

૧- અડબાઉ = ભોટ.

એને કામ ન સોંપતાં,એ સાવ અડબાઉ જેવો  છે.

૨- અલ્લાની ‘ગા = સાવ નરમ,કે સરળ માણસ.ગાય જેવું નીરુપદ્રવી.

એને જરાય માઠું  નહિ લાગે,એ સાવ અલ્લાની ‘ગા જેવો છે.

૩- કાંટીયું વરણ-તલવાર,કટાર,ભાલા,જમૈયા વગેરે બાંધીને ફરતી જાતિ.

૪- કડકા બાલુસ = પૈસા વગરનો ફોગટ રામ.

એની  પાસે કોઈ પાઈ પૈસાની ય  આશા ન રાખતા,એ  તો સાવ  કડકા બાલુસ છે.

૫- ખડી પડવું.=પોતાની જગ્યાએથી ખસી જવું.

ભાઈ પડી ગયા તે એનો  જમણો હાથ ખડી પડયો.

આવડી મોટી ટ્રેન પાટા ઉપરથી ખડી પડી.

૬ – ખાપરો કોડીયો=આ નામના ચાંપાનેર નાં બે નામચીન ચોર,કે ઠગ ની જોડી.જેના ભોયરાં અથવા અડ્ડા પાવાગઢના ડુંગરોમાં કે ભાયાવદરના આળેચાના ડુંગરોમાં હતાં.જેના પરથી ખેપાની માણસો માટે આ શબ્દ-પ્રયોગ થાય છે.

એ બધાં કામમાં પહોચી વળશે, ખાપરા-કોડિયા જેવો છે.

૭ – ગધેડી ઝાલવી-ખોટા આરોપ સામે બચાવ કરતો શબ્દ પ્રયોગ.

હું જ બધું કામ કરુ ? મેં કાઈ બધાંની ગધેડી ઝાલી છે?

૮ – ગળચવા ગળવા-કંગાળ ખુલાસો કરવાનો પ્રયાસ.

માણસ પાસે કોઈ જવાબ ન હોય ત્યારે તે ગળચવા ગળવા માંડે છે.

૯ – ચાંદુડીયા પાડવાં-ચાળા પાડવા.

કેમ અહિયાં બેઠો બેઠો ક્યારનો ય મારા ચાંદુડીયા પાડે છે ?

૧૦ – છાછીયું કરવું-છણકો કરવો.

વાતે વાતે છાછીયાં શાને કરો છો ?

૧૧ – ઠમઠોરવું-માર મારીને પાંસરું કરવું,ખોખરું કરવું.

એ વાત બરાબર ઠમઠોરી ને એને કહેજો તો જ એ માનશે.

૧૨ – દુખણા-ઓવારણાં,મીઠડાં .બીજા નું દુઃખ પોતાને માથે આવે એવી ઈચ્છા કરવી.

મારા વીરા ના દુઃખણાં લઉં,ઓવારણાં લઉં, ઘણું જીવો મારા વીર !

૧૩ – દુઃખીના દાળિયા-ખુબ દુઃખી થવું.

ગાડીમાં એટલી બધી ભીડ હતી કે હું તો દુઃખી ના દાળિયા થઇ ગયો !

૧૪ – અડવાળવું = ભેળવવું.

મીના વહુ , કાલ માટે જરા ઢોકળા નું અડવાળી નાખજો.

૧૫ – લુણો લાગવો. = ક્ષાર ચડવો. સડવું કે કટાઈ જવું.

કાઈ યાદ જ નથી રહેતું,મગજ ને તો જાણે લૂણો લગી ગયો છે.

૧૬ – ટાઢા પહોર ની હાંકવી.= ગપ્પાં મારવા.

બધાં ભાઈબંધો ક્યારના ય બેઠાં બેઠાં ટાઢા પહોરની હાંકે છે.

૧૭ – ધાણીફુટ = ખૂબ તાવ,ક્યાંક વધુ પડતું અથવા સળંગ કોઈ બોલે ત્યા પણ આ શબ્દ વરાય છે.

કાલથી એને ધાણીફૂટ તાવ છે.

એનું ભાષણ સાંભળવા જેવું હોય છે, શુ ધાણીફૂટ બોલે છે !

૧૮ – ધૂળ મા લીટા- નિષ્ફાળ પ્રયાસ.

આ કામ તો કર્યું પણ લાગે છે કે ધૂળ માં લીટા સમાન થઇ જાશે.

૧૯ – પસ્તાનું  = ચોઘડિયું ટાળવા કરતો પ્રયાસ. (ક્યારેક વિદાય ટાણે સારું મુરત ન હોય અને જવું જરૂરી જ હોય ત્યારે કોઈક ના ઘરમાં એક બેગ કે થેલો રાખવાથી એ ખરાબ મૂરત ટાળી શકાય છે એવી માન્યતા છે.)આ શબ્દ કહેવાય છે કે મૂળ શબ્દ “પ્રસ્થાન” પરથી અપભ્રંશ થયેલો છે.

એમાં શું ? મૂરત નથી તોય પસ્તાનું કરીને એને લઇ જ અવાય.

૨૦ – માણસવલ્લું-પ્રેમાળ

એમને ઘરે જવું ગમે કેમકે,તેઓ માણસવલ્લા છે.

૨૧ – અડીઓપટી- કટોકટી માં.

નાની વસ્તુ ય સાચવી રાખવી ક્યાંક અડીઓપ્ટી મા કામ આવે.

૨૨ – અડેમુંઝે -મુશ્કેલ સમયમાં,મુંઝવણ ના સમયમાં.,સંકટ સમયે.

અડેમુંઝે સોનું  કામ આવે છે.

૨૩ – આગમાળુ – દાળભાત કે ખીચડી નું મિશ્રણ કરવું,ફીણવું.

એ થાળી માં ખીચડી બરાબર આગમાળું કરીને આપજો

૨૪ – ભૈડકું – બધી દાળ,જેમ કે ચણાની દાળ,ચોખા,માગ ની દાળ,બાજરી વગેરે શેકીને ડાળીને હિંગ,મીઠું ને મરી છાંટીને  છાશમાં બાળકો અને બીમાર માણસો માટે બનાવવામાં આવતી ઢીલી નરમ ઘેંશ જેવું જે પચવામાં સહેલું હોય છે જેને  અગમગીયું  પણ કહેવાય છે.

૨૫ – ઓરાળવું – રેડવું.રાઈ કે મગ વગેરે સૂપડામાં લઇ ને તેમાંથી કાંકરા કાઢવા.

મોરૈયો  વીણીશકાય નહિ એટલે એની ઝીણી કાંકરી કાઢવા રાંધતા પહેલાં પાણીમાં ઓરાળવો પડે છે.

૨૬ – ગરીયો – ભમરડો.

૨૭ – ગુજરી જવું – આમ તો એ ફારસી શબ્દ”गुजरना” ઉપરથી આવ્યો છે,જેનો અર્થ પસાર થવું છે.પણ  ક્યારેક તે કોઈ મૃત્યુ પામે ત્યારે પણ વાપરવામાં આવે છે.

૨૮ – ઓહાણ ન રહેવું – ખ્યાલ ન રહેવો,ખબર ન પડવી.

મને એવી ઊંઘ આવી ગઈ કે તમે ક્યારે આવ્યા એનું ઓહાણ જ ન રહ્યું..

૨૯ – અંબાવવું = આપવું,પહોંચાડવું.

આ ડબ્બો મને અંબાવો ને જરા !

૩૦ – કાળું ડીબાંગ = એકદમ કાળું.અને એકદમ કાળું એટલે કેવું ?તો એને ‘ડીબાંગ’ ની ઉપમા આપી.

કાળાં ડીબાંગ જેવાં વાદળાં છવાયાં છે.

૩૧ – કડદો કાઢવો = ખૂબ મહેનત કે શ્રમ કરાવવો.

આજે તો એટલું કામ હતું કે મારો તો કડદો નીકળી ગયો.

૩૨ – ટાઢું બોળ = ખૂબ જ ઠંડું.અને તે ઠંડું એટલે કેટલું ? તેને ‘બોળ’ ની ઉપમા આપી.

આમાં ન્હાવું કઈ રીતે ? સાવ ટાઢુંબોળ જેવું પાણી છે !

૩૩ – લફરું – “લાફો” નું લઘુ રુપ.લાકડાનું બે’ક ફુટ લાબું ને ચર-છ ઈંચ પહોળું,અર્ધોક ઈંચ જાડું પાટિયું તે લાફો,સુતારી કામમાં કે સ્લેબ ભરવામાં જ્યાં આખા લાફા ની જરૂર ન હોય,ત્યાં નાના કાણાં કે સાંધા પુરવા માટે થાગડ થીગડ પુરવા આ ‘લફરાં’ મારવામાં આવે.આ ઉપરથી પરણેલો પુરુષ કે સ્ત્રી પોતાની પત્ની કે પતિ હોવા છતાં બીજી સ્ત્રી કે પુરુષ સાથે સંબંધ બાંધે તેણે ‘લફરું’કહે છે.

૩૪ – જાણતલ-જાણકાર.

આ બ્રાહ્મણ તો વેદોનો જાણતલ છે.

૩૫ – મારતલ-મારનાર.

મારતલ કરતાં રાખતલ મોટો છે.

૩૬ – અકારથ = નિષ્ફળ.

મારો અહીનો ફેરો  સાવ અકારથ ગયો.

૩૭ – અક્કલ મઠું = મુરખ.

એ અક્કલ મઠાને કયા આ કામ સોપ્યું ?

૩૮ – અખેપાતર = અક્ષયપાત્ર.

તમારે ત્યાં અખેપાતર છે તે બધા જમ્યા જ કરે છે!

૩૯ – અગરાજ કરવું = છોડવું, પ્રતિજ્ઞા લઈને કંઇક ત્યજવું.

આજથી તમારું અન્ન-જળ અગરાજ છે !

૪૦ – અઘરણી = સીમંત.

એની અઘરણી ટાણે બધાંને બોલાવશું.

૪૧ – અટામણ = રોટલી વણવા માટે વપરાતો વધારા નો લોટ.

અટામણ પેલા ડબ્બામાં રાખ્યું છે.

૪૨ – અડબડીયું = ગોથું ખાઈ જવું , ગબડી પડવું.

ઊંઘમાં અડબડીયાં આવે.

૪૩ – અબોટણ = અન્નપ્રાશન.

પાંચ મહિના બાદ બાળકને અબોટણા કરાવાય.

૪૪ – અપોસણ = ઘી-ભાત નો પહેલો કોળીયો.

પહેલાંના વખતમાં જમતી વખતે થાળીમાં સૌ પહેલાં એકાદ કોળિયા જેટલો ભાત ને ઘી અપાતા.

૪૫ – અસાંગળો = કોઈ જાય પછી ન ગમવું. વિયોગ લાગવો.

એને અસાંગળા નો તાવ આવી ગ્યો.

૪૬ – આરોવારો = છેડો ન દેખાય તે.ઉગાર,બચાવ.

હે પ્રભુ ! હવે આમાંથી આરોવારો કાઢ તો સારું !

૪૭ – ઊતરડ = અનાજ ભરીને ખૂણામાં રાખેલી માટલાંની થપ્પી.

મગ ની દાળ બીજી ઉતરડ મા છે.

૪૮-  અદક પાંસળીયો = અલ્લડ,  કોઈ પણ ઠેકાણે સરખો ન બેસે તે.

એ અદકપાંસળી બે કલાક બેસે એવો છે ?

૫૦ – કદડો = તેલ કે ડહોળાયેલા પાણી ની નીચે બેસતો કીચડ જેવો પદાર્થ.

તેલ ઉકાળીયે તેનો કદડો ય નીતારીને વાપરવો.

૫૧ – કમખો = બ્લાઉઝ.

આ સેલાં સાથે લાલ કમખો સરસ લાગે.

૫૨ – કરમો =  લોટમાં ઘી અને દૂધ નાખી મિશ્રણ કરવું તે.

લોટ માં  હલકો ઘીનો કરમો દઇ દેવો.

૫૩ – ની ઘોડ્યે = ની માફક , ની જેમ.

આજે બળદ ની ઘોડ્યે કામ કર્યું છે.

૫૪ – ઘેલસપ્પું = (ગાળ) મુરખ,ભોટ.

સાવ ઘેલસપ્પા જેવી જ વાતો કરે  છે !

૫૫ – ઘસીયો = ઘઉં કે બાજરી ના લોટમાં ઘી-દૂધ નું મોણ નાખી શેકીને દૂધ ખાંડ કે ઘી ગોળ સાથે ખવાય.

અમારે ત્યાં નાગ પાંચમ અને બોળ ચોથ ના બાજરાનો ઘસીયો ખવાય છે.

૫૬ – ઘચરકો = અપચાથી આવતો ખાટો ઓડકાર.

કહેવાય છે કે ઘચરકો  આવે ત્યારે તરત પાણી પી લેવું જેથી ઉપર આવેલું અન્ન બેસી જાય.

૫૭ – ગાલાવેલી

આવી સાવ ગાલાવેલી શું થાશ ?

૫૮ – ગાડવો = ઘડો.

વહુ દીરીઓને  સીમંત બાદ ગાડવો દઈને પિયર સુવાવડ માટે મોકલવામાં આવે છે.

૫૯ – ખેપાની = ભારાડી,તોફાની.

એ તો બરાબર નો ખેપાની છે !

૬૦ – ખાંગુ = ખંડિત.

ખાંગી મૂર્તિ મંદિરની પૂજામાં ન રખાય.

૬૧ – ખારોપાટ = ઉસવાળી કઠણ રેત કે જમીન.

એમાં અનાજ નાખવાનો અર્થ નથી સાવ ખારોપાટ છે.

૬૨ – ખખ = સાવ ઘરડું. ઘરડા ખખ જેવા થઇ ગયા છે.

કાંટોકાંટ = બરાબર તોલેલું,વજન સરખું કરેલું.

૬૩ – ઘાસીરામ ને ત્યાંથી જ દાણા લેવાં,એ કાંટોકાંટ આપે છે.

કાળીયો ઠાકર = કૃષ્ણ ભગવાન.

હે મારા કાળીયા ઠાકર તરી દયા વરસાવજે !

૬૪ – કાશ = પીડા,(નડતર દૂર થવું)

હાશ ! કાશ ગઈ.

૬૫ – કાલવણ = કોઈ વસ્તુ ને પ્રવાહી મેળવી ને તૈયાર કરેલું મિશ્રણ.

બરોબર કાલવી ને કર્યું હોય તો  સ્વાદમાં બહુ  મીઠું લાગે.

૬૬ – કાચા વાસાનું  = તાજી સુવાવડ વળી મા અને બાળક.

હજી આટલા કાચા વાસામાં બહાર ન નીકળાય, પણ માને કોણ છે !

૬૭ – કંટેવાળો = ધાતુ ના વાસણ  ને ચુલા પર કાળું ન થાય એટલે  તેણે તળિયે ભીની રાખ માટીનો થર ચોપડવામાંઆવે છે.

ચૂલે  ચડાવ્યું તો છે પણ કંટેવાળો કર્યો છે ?

૬૮ -છોતાપાણી = પ્રવાહી વસ્તુ ફાટીને પાણી થી છુટું પડી જાય તે.

આજે દાળ સાવ છોતાપાણી જેવી થઇ છે !

૬૯ – જાગતી જોત = તરત ફળ દેનાર દેવી કે દેવતા.

મઢવાળી મા તો જાગતી જોત છે !

૭૦ – ઢાંકોઢુંબો = જમ્યા પછી વધેલી રસોઈ ને ઢાંકીને સરખી જગ્યાએ મૂકી દેવી.

બસ,આટલો ઢાંકોઢુંબો થઇ જાય એટલે નવરા.

૭૧ – ટુંબા ખાવા = ધોલ ધપાટ,મેણા ટોણા ખાવા.

જિંન્દગી આખી ટુંબા જ ખાવામાં ગઈ જાણે !.

૭૨ – ડખો = દહી છાસ માં ઘણું પાણી ધબકાવવું,ગોલમાલ.

એણે તો ઘણો ડખો  ઉભો કર્યો છે !

૭૩ – ઢીંક = માથા વડે પ્રહાર કરવો.

જમના બા ને ગાયે ઢીંક મારી છે તે ત્રણ મહિના નો ખાટલો  આવ્યો !

૭૪ – તરખડ = તસ્દી લેવી,ખટપટ,મહેનત.

હવે આટલું બધું તો કર્યું છે,ખોટી તરખડ કરો મા ને !

૭૫ – ધડકી = રજાઈ.

મહેમાન ને ધડકી આપજો,ટાઢ ઘણી છે.

૭૬ – ધરાર = મન કરવાં છતાં કરવું.(જીદ ને રુપે)

બધાએ કેટલું સમજવું છતાં એણે ધરાર કર્યું !

૭૭ – ધુંબો = ગુંબો,મુક્કો.

બહુ ચપ ચપ કરી છે તો એક જ ધુંબો પડશે !

૭૮ – નવલશા હીરજી = ઉડાઉ.

એની પેઠે આપણાથી કાઈ નવલશા હીરજી થવાય છે !

૭૯ – નાવણી = બાથરૂમ.( અપભ્રંશ મા તેને નાયણી પણ કહેવાતું.)

નાયણીમા ટુવાલ ને સાબુ મુક્યા છે ?

૮૦ – નુરીયો જમાલિયો = રસ્તે ચાલતો મુફલિસ,આલોમાલો.

એવા તો  કઈક નુરીયા જમાલિયા હાલ્યા આવે, આપણે બારણું ખોલવું જ નહિ !

૮૧ – ભાડ =  ધાણીચણા શેકવાની ભાડભૂંજા ની મોટી ચૂલ.( બેપરવાઈ દર્શાવતો શબ્દ)

તારે ન જ સમજવું હોય તો જા ભાડ માં પડ.

૮૨ – ભુટકાવું = ભટકાવું,અથડાવું.મળવું.

બેય એકબીજાના માથાં ભુટકાવ્યા કરશે હવે !

૮૩ – માડુ = માણસ,( કચ્છી)

એ તો પાકો કચ્છી માડુ છે.

૮૪ – વરવું = કદરૂપું.

માણસ ની વરવાઈ ન જોવી, એની નરવાઈ જોવી જોઈએ.

૮૫ – વલકુડું = કામ કઢાવવા ખોટું ખોટું વ્હાલ કરવું.

જા જા હવે બહુ વલકુડી થા મા !

૮૬ – વળોટ = રીત ભાત .

ઘરકામ મા વળોટ હોવો જોઈએ.

૮૭ – વોકળો = નાળું.

આગળ ગ્યા પછી એક વોકળો આવશે ત્યાંથી જમણી બાજુ વળશો એટલે બજાર આવી જાશે.

૮૮ – સખણું = સરખું,ડાહ્યું.

આખો  દિવસ  કુદાકુદ ન કર ને ,જરાક તો સખણો રહે ભાઇ !

૮૯ – સમોવાણ = ગરમ પાણીમાં ઠંડું પાણી ઉમેરવું.

હજી પાણી ગરમ છે થોડું વધારે સમોવણ નાખો ને ?

૯૦ -સામો = એક ધાન,મોરૈયો.

ઉપવાસ એકટાણા ને અગિયારસ મા સામો  ખવાય.

૯૧ – સીજવું =  બરાબર ચડી જાય માટે રસોઈ ને થોડીવાર તવી પર રહેવા દેવી.

ખીચડી થઇ  તો ગઈ છે પણ જરાક હજી સીજે પછી થાળીમાં કાઢું.

૯૨ – હરખપદુડું = ખુશખુશાલ,બધી વાતમાં  રાજીપો બતાવવો.

કાન્તીભાઈ તો તરત પહોચી જાશે,ભારે હરખ પદુડા છે !

૯૩ – હાયડો = હારડો,હોળીમાં પતાસાંનો હાર બનાવાય તે.

અમે તો જ્યાં જઈએ ત્યાં બધાં હોળી ના હાયડા ની જેમ ભેગાં ને ભેગાં જ હોઈએ.

૯૪ – ગાલાવેલું = બાવરું,ઘેલું.

આમ સાવ ગાલાવેલી શુ થાશ !

મિત્રો, આ અને આવા અનેક શબ્દ રૂપી મોતી ભાષાના મહાસાગર માં છુપાયેલા હશે.આ તો કેટલાંક આપણા હાથમાં આવ્યાં તે આપણું સદનસીબ ! 

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

surtiundhiyu

This WordPress.com site is the cat’s pajamas

%d bloggers like this: