RSS

Tag Archives: મને કેમ વિસરે રે !

યાદ ન જાયે બીતે દીનોકી.જુના અને આનંદ દાયક અને પ્રેરણા દાયક પ્રસંગો.

એમનો સુરજ ઉગ્યો અને સદા તપતો જ રહેશે.


રાસભાઈ,મારાં પ્રિય ગુરુ.કલા ગુરુ તો ખરા જ પણ માર્ગદર્શક પણ હતાં.એમની પાસે સંગીત-કલા  શીખતા શીખતા જીવન જીવવાની કળા પણ શીખી છું.યુવા મહોત્સવની તૈયારી હોય કે ભવન્સ નો કોઈ પ્રોગ્રામ હોય જેમાં મારે ગાવાનું હોય,અથવા આકાશવાણી રેડિયો ઉપર ગાવા માટે ગીત તૈયાર કરવાના હોય,હમેશ  મને શીખવાડવા તૈયાર જ હોય.એટલું જ નહિ,ઘરે ગીત શીખવાડે અને મને કહેશે કે, ‘જમીને જજે,તું ખાઇશ નહિ તો ગાઈશ કેવી રીતે? એ વખતે મને ખાવામાં જરા નખરા વધારે જ હતાં અને કઈ શીખવાનું હોય ત્યારે ખાવા-પીવાનું ધ્યાન રહેતું જ નહિ.”વિભાબેન ! આ છોકરીને જમાડો,”અને આવી રીતે હુ ઘણી વાર જમતા જમતા એમની જીવન પ્રત્યેની ફિલસુફી, અને વિભાબેન પાસેથી  તેમના સંગીતના અનુભવોનું ભાથું મેળવી લેતી.

અમારા ભવન્સ વર્ગમાં અમે બધાએ ખૂબ જ મજા કરી છે અને સાચું તેમ જ સારું શિક્ષણ મેળવ્યું છે.અમારા ગ્રુપમાં હું,વાઘેલા,મારુતભાઈ,અંજનાબેન,મેધાબેન,રાગિણી વોરા,પ્રવીણ જોશી.અને બીજા અનેક. દરેક પ્રોગ્રામ વખતે કૈક નવું જ મેળવ્યું છે.

મે તો તેઓની પાસેથી માત્ર લીધું…લીધું…અને લીધું જ છે.

તો આજે અંતરની અંજલિ  દ્વારા ફૂલની પાંખડી જેટલું ય ઋણ ચૂકવ્યાનું આશ્વાસન લઉં છું અને સાચા અર્થમાં ઋષિ એવા મારાં ગુરુને શત શત વંદન !

આપણે કહીએ ને કે,આ તો આમનું જ.એ રીતે અમુક ગીતો રાસભાઈ સિવાય કોઈ ગાઈ જ ન  શકે અને કોઈ ગાય તો પણ એની સરખામણી રાસભાઈ સાથે જરૂર થાય.એવા કેટલાંક મારાં ગમતાં   અને મે સાંભળેલાં ગીતો એટલે,

-માડી  તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો.

-હળવા તે હાથે ઉપાડજો.

-એક એવું ઘર મળે આ વિશ્વમાં.

-આજ મે તો મધરાતે સાંભળ્યો મોર.

-હૃદયમાં વધી રહી છે.

– પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી.

આવાં અનેક  ગીતોનું મારી પાસે  સંભારણું છે.તેમાના  કેટલાંક તમને …

૧. અવિનાશ વ્યાસ.

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

૨. માધવ રામાનુજ.

હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

૩. માધવ રામાનુજ.

એક એવું ઘર મળે આ વિશ્વમાં,

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;

એક એવું આંગણું કે જ્યાં મને;

કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

કવિ ઇન્દુલાલ ગાંધી અડધી રાતે મોરનો ટહુકો સાંભળે છે અને કૌતુકવશ બહાર નીકળે છે. તમે ક્યારેય મોરને અડધી રાતે બોલતા સાંભળ્યો છે ?

હા,મે ખરેખર સાંભળ્યો છે.અને એ ટહુકાર એટલે કોઈની તમાં ન હોય એવા એક કલાકારનો નાદ.…. પણ એક વાત નક્કી છે કે અડધી રાતે કોઇ મોર કે કોયલનો કલશોર સાંભળવો, કે પછી આકાશમાં ઊડતા સારસ પક્ષી કે કુંજ પક્ષીના ટહુકાઓ (અડધી રાતે) સાંભળવા એ ખૂબ જ રોમાંચક ઘટના છે.

૪. ઇન્દુલાલ ગાંધી.

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર

વાદળા ય ન્હોતાં ને ચાંદો યે ન્હોતો,
ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીઝણો,
છેતરાયો નટવો નઠોર.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
કાજલ કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે,
સંકેલી લીધો કલશોર.

૫. અખો ભગત અને પ્રીતમ

તિલક કરતાં ત્રેપન ગયાં,જપમાળા ના નાકાં ગયા,

તીરથ ફરી ફરી થાક્યા ચરણ,તો ય ન પહોચ્યો હરીને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યાં કાન,તો ય અખા ના આવ્યું બ્રહ્મ જ્ઞાન ,

એક દિન એવો આવશે,સબળ મારાં રુદિયામાં સાલે જી,

સગાં ને મિત્રને કારણે કોઈનું જોર નવ ચાલે જી.

કાઢો કાઢો એને સૌ કરે,જાણે જન્મ્યો નહોતો જીવ?!

પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી,ને એને મુવા ટાણે સંત બનાવો.

તુલસી મંગાવો,એને તિલક કઢાવો,મુખે રામનામ લેવરાવો રે…..

દવ લાગ્યા રે પછી કુવો ખોદાવો,ઈ કઈ પેર અગ્નિ હોલાશે ,

ધન હતું ઈ તો ચોર જ લઇ ગયા,પછી દીવો કરે શુ થશે રે……

હે માતપિતા  સુત ભાઈ ને ભગિની,ઈ સબ ઠગન કી ટોળી રે,

પ્રીત લગાડી તારું સર્વ લુટી લેશે,પછી રહેશે આંખો ચોળી રે…..

તળાવ બાંધ્યા પછી પાળ બંધાવો,ઈ કઈ પેર નીર ઠેરાશે રે,

કહે ‘પ્રીતમ ‘ પ્રીતે હરિ ભજન વિના,અવસર એળે જાશે રે…..

૬. ભગવતી કુમાર શર્મા.

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.

આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.

અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.

મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.

અન્ય મહાનુભાવોની શબ્દાંજલિ :

-નંદિની ત્રિવેદી તેમના પુસ્તક ગૌરવ ગુર્જરીમાં નોંધે છે કે શ્રુતિ વૃંદની એલ.પી. શ્રવણમાધુરીના રેકોર્ડિંગ બાદ અવિનાશ વ્યાસ માડી તાર મંદિરીએ સાંભળ્યા બાદ ધ્યાનમગ્ન થઈ ગયા હતા અને કહ્યું હતું કે આવો અનુભવ તેમને અંબાજીના મંદિરની બહાર કદાચ પહેલીજ વાર થયો.

-શ્રી રાસબિહારીભાઈને અંજલિ આપતા ટવીટર પર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિખ્યાત ગાયક, સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઈનું ગુજરાતી સંગીતને અમૂલ્ય પ્રદાન યાદગાર રહેશે, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

-શ્રી રાસબિહારી દેસાઈને અંજલિ આપતા પૂજ્ય મોરારી બાપુએ કહ્યું હતું કે, “પરમ સ્નેહી રાસભાઈની વિદાયના સમાચાર એક ક્ષણ માટે સ્તબ્ધ કરી દે એવા હતા. ભાઈ અંકિત ત્રિવેદીએ સમાચાર આપ્યા કે રાસભાઈ આપણી વચ્ચે નથી.શું કહું? સુરજ સ્વર અને શબ્દની ત્રિવેણી સમા તીર્થરૂપ સાધકની વિદાય આંચકો આપી ગઈ. બસ એમના નિર્વાણને મારા પ્રણામ અને શ્રદ્ધાંજલિ અને સમગ્ર પરિવારને દિલસોજી પાઠવીને રામ સ્મરણ સાથે મારી પ્રભુ પ્રાર્થના જોડું છું.”

-કવિ અંકિત ત્રિવેદીએ શ્રી રાસબિહારીભાઈને અંજલિ આપતા કહ્યું છે કે ‘ગુજરાતી કાવ્ય સંગીતે એનો પોતાની મસ્તીથી એકેડમીક કામ કરનારો, ભવન્સ ક્લાસીસ ત્રણ દશકાથી ચલાવનારો, સંગીતમાં નવા અવાજોને રજૂ કરનારો પ્રતિભાવંત ગાયક, સ્વરકાર અને એકેડમીક-પાયાનું કામ કરનાર એક વિદ્વત્ત, મૂઠી ઉંચેતો ભાવક ગુમાવ્યો છે. માંડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યોનું એક મોટું કિરણ આજે આથમી ગયું છે. પ્રત્યેક સ્વરકાર, પ્રત્યેક ભાવક, પ્રત્યેક હદયસ્થ રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ પાઠવે છે. ગુજરાતી સાહિત્યએ, સંગીતે થોડાક દિવસોમાં વારાફરથી મોટા મોટા દિગ્ગજો ગુમાવ્યા છે ત્યારે મા સરસ્વતીને પ્રાર્થના કરવાનું મન થાય છે કે હે મા માતૃભાષાની, માતૃસંગીતની રક્ષા કરજે.”

અસ્તુ !

Advertisements
 

ટૅગ્સ:

એક રમુજી અનુભવ-( લંગડુ ને ચીબુ)


અદિતી ના મન માં ખૂબ ગભરામણ  થતી હતી. ‘બાપ રે! કાલે  C નું પેપર છે , અને મારે ફુલ્લ માર્કસ લાવવાજ છે. ભલે આખી રાત જાગવું પડે, પણ હું મેહનત કરીશ.’ અદિતી બી .એસ. સી  કમ્પ્યુટર સાયેન્સ ભણતી હતી અને તે પોતે એમાં હોશિયાર પણ હતી. જીવન માં પહેલી વાર એને પરીક્ષા આપવાનો કોઈ ભય  ન હતો કારણકે તેને કમ્પ્યુટર નાં કલાસીસ કરેલાં હતા અને તેનાં વિષયો ઉપર ઘણી ગ્રીપ હતી. પણ બસ એક ટેવ કે ભલે સહેલું હોય, જો વધારે મેહનત કરીશ તો વધારે માર્કસ આવશે અને પપ્પા રાજી થશે.

‘કાલ નું પેપર સહેલું જ છે ને તો પછી શું કરવાં જાગે છે?’ મમ્મી એ પુછ્યું. રાતનાં ૧૧ જેવા થયા હશે. ‘બસ, મમ્મી થોડીજ વાર. પુરું જ થવા માં છે. બધું વાંચી લીધું છે પણ એક પ્રોગ્રામ નું બીજી રીતે લોજીક બેસાડવાની કોશિશ કરું છું . ‘ભલે ત્યારે, હું સુઈ જઉં છું. બારી નાં પડદા બંધ કરી દેજે. ટાઇમસર સુઈ જજે. મને તો સમજાતું જ નથી કે બધું આવડતું હોય તો શું કરવાં જાગવું છે? ‘

અદિતી અડધું સાંભળ્યું ન સાંભળ્યું કરી ને વાંચવા માંડી. તેની આંખો ઘેરાવા માંડી તો પણ ૨ વાગ્યા સુધી તો એણે આખા વિષય નું રીસર્ચ કરી નાખ્યું. ‘ બસ બસ હવે સુઈ જઉં નહીતર સ્વપ્નમાં પણ પ્રોગ્રામ જ દેખાતા હશે.

બારી ની બહાર ઘોર અંધારું થઇ ગયું અને અપાર શાંતિ..જો કે એ શાંતિ જરા ડર લાગે તેવી હતી. ભૂત નાં વિચારો આવે, ચોર નાં વિચારો આવે. પણ અદિતી ને તો કાયમ હનુમાન ચાલીસા ઉપર ભરોસો…બસ હનુમાન ચાલીસા બોલતી જાય ને આંખ મીચાઈ જાય…તે સીધી સવાર.

ઊંઘ ચઢી અને સ્વપ્ન નો દરવાજો ખુલ્યો…તોય કૈંક કમ્પ્યુટર જ દેખાતા હતા..તેનાં એચ. ઓ. ડી દેખાતા હતા..કોઈ અઘરો પ્રોગ્રામ યાદ આવ્યો અને અદિતી તો મંડી પડી લોજીક બેસાડવા અને પ્રોગ્રામ લખવા. ઓચિંતા નું ધ્યાન ફેરવાયું ને કોઈ છબ છબ કરતું હોય તેવો અવાજ આવ્યો..’હેં ? અહીંયા પાણી નો અવાજ ક્યાંથી? કમ્પ્યુટર માંથી? ‘ અચાનક ભાન આવ્યું તો બારી ની બહાર થી અવાજ આવતો હતો. પાછળ ચોકડી ની બાજુ માં મોટી ટાંકી હતી..ને ફરી સવારેજ ખૂબ છલો છલ ભરી હતી.

‘આ વળી ટાંકી પાસે કોઈ શું કરે છે? ઓહ ! માય ગોડ….ચોર!!!! …પણ તે ટાંકી માં શું કરે છે? લાગે છે કે નાહતો હશે. તેને નાહવા ની શું જરૂર પડી ગઈ? હા હા..નાં નાં લાગે છે કે ટાંકી પર ચઢવા ગયો ને પેલું પાટિયું નીચે પગથી ખસ્યું ને અંદર પડ્યો. આમ પણ એ પાટિયું તો હલ્યાજ કરે છે. હવે શું કરું? કોઈ કબુતર નો નહીં પડ્યું હોય ને? બારી માંથી ડોકિયું કાઢું? કેટલા વાગ્યા? ઓહ્હ ! આ તો ત્રણ વાગી ગયા છે? કેટલું અંધારું હશે બહાર..કબુતર કેમનું હોય ! અત્યારે તો એ પણ ઘોર સુતું હશે. મમ્મી ને કેહવું પડશે..સો ટકા આ ચોર છે ..પણ એનો સામનો કેવી રીતે કરવો? ‘ અદિતી નાં મનમાં અવનવા વિચાર આવ્યા. મમ્મી ને જગાડી. કહે, ‘ પાછળ ટાંકી માંથી અવાજ આવે છે. ચોર નાહતો હોય નજીક એવું લાગે છે. જરા પપ્પા ને ઉઠાડ ને? મમ્મી તે પાછી બહાદુર ઘણી ! ના રે ના એમને ઉઠાડવા કરતાં , પાછળ લાઈટ કરીએ તે પોતેજ ભાગી જશે. ટોર્ચ લાવ ને ખોલ દરવાજો. મમ્મી ખાલી હિંમત આપે, પણ કરવું તો અદિતી ને પડે..!! ટોર્ચ લીધી, લાઈટ પણ કરી, પાછળ નું તાળું ખોલ્યું.

જોયું તો લંગડું આમ તેમ દોડ દોડ કરતું હતું. લંગડું ત્યાનું પાળેલું શેરી કુતરું હતું. આમ તો કુતરી હતી. ‘અદિતી, ટાંકી પાસે જા ને જો, ચોર જ હશે, તેથીજ પેલું આંટા મારે  છે. ‘ મમ્મી એ કીધું . તું જા , હું અહીંયાજ છું. ‘પણ નજીક જઈને કરીશ શું? ‘ વિચારતી અદિતી ગઈ તો ખરી, જોયું કે પાટિયું તો ખૂલેલું હતું ને અંદર થી છબ છબ નો અવાજ આવતો હતો. અંધારું બહુ હતું…રામ જાણે ચોર કેવો લાગતો હશે.?? એને જોઇને ગભરાઈ જઈશ તો? કાલ નાં પેપર નું તો કલ્યાણ જ સમજજો. હિંમત એ મરદા તો મદદે ખુદા …અને પાછું હનુમાન ચાલીસા નું રટણ.!!! ટોર્ચ ટાંકી ઉપર મૂકી ને જોયું..તો શું??? પેલું એક વર્ષનું ગલુડિયું!!! મમ્મી , આ તો ચીબુ છે!…અંદર પડી ગયું છે…અદિતી એ એકદમ પ્રેમ થી, બોલાવ્યું, ‘ચીબુ , તું અંદર કેમનું પડી ગયું? ઉભું રહે, તને બહાર કાઢું.’ચીબુ એટલે લંગડું કુતરી નું બચ્ચું.બંને અમારા ઘરના કમ્પાઉન્ડમાં જ રાતે રહેતા.

પાણી ની ટાંકી માં છબછ્બ કરતુ ચીબુ તો અદિતી ને જોઇને રાજી, અદિતી એ ચીબુ નાં આગળ ના બે પગથી, બગલ થી ઝાલીને ને બહાર કાઢ્યું. મમ્મી એ તેને ચાદર આપી, અને અદિતી એ એને ચાદર ઓઢાડી, કોરું કર્યું, થોડું પાણી આપ્યું, ને બિસ્કીટ. તેની ‘માં’ લંગડું પણ એકદમ રાજી રાજી થઇ ગઈ, ને બંને ત્યાંથી જતા રહ્યા. રે રામ…ખોદા પહાડ ઔર નિકલા ચીબુ !! હા હા હા…મમ્મી ને અદિતી અંદર ગયા ને તાળું મારી ને પાછા સુઈ ગયા…કમ્પ્યુટર નાં પ્રોગ્રામ ક્યાંય ભુલાઈ ગયા ને એકદમ મીઠી ઊંઘ આવી ને સીધી સવાર !!!!

=========

 

ટૅગ્સ:

વન્સમોરઆશા ભોસલે એટલે મારા પ્રિયાતીપ્રિય ગાયક.મને એમના ગીતો લગભગ બધાજ મોઢે.સેન્ટ.ઝેવીએર્સમાં વાર્ષિક મહોત્સવમાં જયારે ટેલેન્ટ ઇવનીંગ થતી ત્યારે હુ આશા ભોસલેના જ ગીતો ગાતી અને “વન્સમોર”ના નાદ અને તાળીઓના ગડગડાટ થી હોલ ગુંજી ઉઠતો.એ સમયે મને એનો નશો ચડતો.પરંતુ મારા મિત્રોની સરળતા  અને માં-બાપના સંસ્કારે મને આવી પ્રસિદ્ધિ મદ થી દુર રાખી હતી.અમારી કોલેજમાં તો હુ ગાતી જ પણ બીજી કોલેજોમાં ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે મને બોલાવતા અને માન આપતા.કોલેજ કાળમાં એક પણ પ્રોગ્રામ એવો નહોતો કે મને “વન્સમોર”અને તાળીઓથી વધાવી ન હોય.

ત્યારબાદ મારા લગ્ન થયાં,અને હુ વડોદરા આવી.કુટુંબ અને સંસાર તથા બાળકોની જવાબદારીને કારને આ ક્ષેત્ર મેં છોડ્યું કારણકે,તે મારી પ્રાયોરિટીમાં નહોતું.પણ સંગીત તો ભેગું જ હતું .અમે વડોદરા થી ભરુચ આવ્યા ત્યાં મને શાસ્ત્રીય સંગીત શીખવાની તક મળી.અને ઉત્તમ ગુરુ મળ્યા.અને મેં તે શિક્ષણ પૂરું કર્યું.પતિ, બાળકો અને મા નો સંપૂર્ણ સાથ મળ્યો..ફિલ્મના ગીત સતેજ પર ગયે મને ૨૨ વર્ષ થઇ ગયા.આ દરમ્યાન ગીત,ગઝલ,ગરબા એના પ્રોગ્રામ તો ચાલુ જ હતા,પણ ફિલ્મના ગીતો ની તક પછી ન મળી.

હવે ભરૂચમાં અમારી જઈ.એન.એફ.સિ .ની ક્લબ તરફથી ભાઈ શ્રી બંકિમ પાઠક (વોઇસ ઓફ રફી )નો પ્રોગ્રામ નું આયોજન થયું.ઓરકેસ્ટ્રામા શરદ ખાંડેકર જે અમદાવાદથી જ મારો મિત્ર હતો.અમે આ પ્રોગ્રામ જોવા ગયા કારણકે,ઘણા વર્ષે મને બન્કિંભાઈ અને શરદને મળાશે એનો રાજીપો હતો.હુ તેમને મળવા બેક-સ્ટેજ પર ગઈ,અને હજી તો વાત ની શરૂઆત કરું ત્યાં તો ,”અરે હર્ષા,બહુ સરસ તું આવી ગઈ,ચાલ તારે મારી સાથે ડ્યુએટ ગાવાનું જ છે.”

મેં બને એટલા બહાના  બનાવ્યા.

“બંકિમ ભાઈ મેં વર્ષોથી ફિલ્મી ગીતો ગાયા જ નથી.”

“શાસ્ત્રીય શીખવાને કારણે મારી રેન્જ પણ ઓછી થઇ ગઈ છે,તમારા સ્કેલ ઉપર મારાથી નહિ ગવાય અને તમારો શો બગાડીશ,”

“હવે તો મને શબ્દો પણ યાદ નથી.” વગેરે વગેરે……પણ એ બધાનો બંકિમભાઈ અને શરદે વઘાર જ કરી નાખ્યો.અને ,

પડદો ખુલ્યો,એનાઉન્સમેન્ટ થઇ ગયું.મને તો પરસેવો છૂટી ગયો,મારાથી બગડશે તો શું થશે ?સખત ટેન્શન…

અને મને સ્ટેજ પર રજુ કરી જ દીધી.

“આશા ભોસલે -રફી નું  ફિલ્મ “કાશ્મીર કી કલી” નું “દીવાના હુઆ બાદલ”એ ગીત શરુ થયું.જેવો મારો અવાજ માઈકમાં ગયો કે અમારી ટાઉનશીપના મિત્રો હાથ ઉંચા કરી કરીને ઝૂમવા લાગ્યા.મારું ધ્યાન એ કશામાં જ નહોતું.ખબર નહિ ક્યારે ગીત પૂરું થયું અને ફરીથી ૨૨ વર્ષે “વન્સમોર”ના નાદ અને તાળીઓના ગડગડાટથી થીયેટર ગુંજી ઉઠ્યું અને ….

હુ ધન્ય બની.

 

ટૅગ્સ:

રમકડું

બિંગો,

અમારો વફાદાર સાથી.

આવા સાથીને કેમ ભુલાય?હું તો છેલ્લા શ્વાસ સુધી એને ભૂલી નહિ શકું.

માત્ર એક જ મહિનાનો  એ  વફાદાર જીવ,અમારે ત્યાં આકસ્મિક આવી જાય અને માયામાં લપેટીને,સાત વર્ષે રડતાં મુકીને ચાલ્યો પણ જાય.

એને કેમ રે ભુલાય?!

સફેદ રૂ ના ઢગલા જેવો,નાનું પમ્રેનીયન ગલુડિયું.મને અને મારી દીકરી હલકને આમ પણ પશુ-પંખીઓ ખુબ ગમે.એટલે અમને તો બિંગો આવ્યો એ બહુ જ ગમ્યું.

પણ બીજા બધાને પણ એણે, એની  માયાજાળમાં લપેટ્યા.બહુ તોફાની.ચંપલ તો કોઈનાય સાજા ન હોય.અમારે બહાર જવું પડે,અને ઘરમાં એકલો રાખીએ ,

અને અમે પાછા આવીને જોઈએ તો,ડાઈનીંગ ટેબલની ખુરશીઓના પાયા ચવાઈ ગયાં હોય,સોફાના કુશનમાંથી રૂ બહાર આવીને પડ્યું હોય.

ત્યારે ય એના ઉપર ગુસ્સો નથી આવ્યો,વ્હાલ જ આવ્યું છે.

એકવાર એણે મારા પતિના ચંપલની પટ્ટી કાપી નાખી,એમને તો ગુસ્સો આવ્યો,અને ગુસ્સો આવે પણ,કારણ કે,આ ચોથી ચંપલ હતી.તો ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં

એમણે બીન્ગોને થપાટ મારી,…અને હું ને હલક જે ગુસ્સે થયા છે..કે વાત નહિ.મારા પતિનો પણ માર્યા પછી જીવ તો બળતો જ હતો.જેમ આપણાબાળકને ક્યારેક મારવું પડે અને માર્યા પછી માં-બાપનો જીવ બળે તેમ.

પણ બિંગો તો જેણે એને અવડુ માર્યું ,એના જ પગ ચાટવા લાગ્યો,અને પુછડી એન્ટેના ની જેમ ટુક ટુક ટુક ટુક….હલવા લાગી.મારા પતિ પાસેથી વ્હાલની અપેક્ષામાં દયામણું  મોઢું લઈને ઉભો રહ્યો.એમને પણ બહુ લાગી આવ્યું અને બીન્ગોને ખુબ વ્હાલ કર્યું.

જોતજોતામાં તો એણે બધાના મન જીતી લીધા.કોઈ અજાણ્યાને તો ગેટમાં પણ ઘુસવા ન દે, એટલું ભસે કે વાત નહિ,પણ જો કોઈ સામાન લઈને આવે તો એ બહુ રાજી થઇ જાય.અમારી બાજુમાં એક ‘બા’ રહે છે. બિંગોતો એમને  ઓળખે  છતાંય ,એ  ‘બા’   જયારે મારા સાસુ પાસે બેસવા આવે ત્યારે એટલું ભસે ,ખબર નહિ,આવકાર આપતો કે શું?ત્યારે બા કહેતા કે હું બાજુમાં થી આવું છું ને તોય હવે થેલીમાં બે કપડા ભરીને આવીશ,એટલે  એ રાજી થશે..

અમારી બાજુમાં એવું જ શેન્કી નામનું વફાદાર રહેતું.સાવ અમારી ઘરની દીવાલને અડીને જ એ લોકોનું ઘર છે. એને એકલો મુકીને બહુ બહાર જવાનું અમને ગમતું  નહિ,પણ ક્યાંક જાવું પડે તો જયારે પાછા આવીએ ત્યારે ભસી ભસી ને,કમ્પાઉન્ડ વોલ પાસે દોડી જાય જાણે શેન્કીને કહેવા કે,’જો મારા મમી,પપ્પા આવી ગયાં..’આવો હતો મારો બિંગો.’!

એકવાર એ માંદો પડ્યો. કઈ ખાય ન પીએ. દવા તો આપી પણ એ ચાલી શકતો નહિ.જે દોડી દોડીને ભસ્યા કરતો એ હવે ચાલી પણ શકતો નહિ.અમારા ડ્રોઈંગ રૂમના સોફા પાસે બેસી ને મારી સામે જોયાં જ કરતો,મારાથી હજી એની એ નજર ભુલાતી નથી.હું એને પૂછ્યા કરતી એક બાળકને પૂછીએ તેમ,કે

‘છું ખાવું છે?છીલો ખાવો છે?'”

એને શીરો ને ઈડલી ઢોકળા બહુ ભાવતાં.પણ એની આંખોમાં કઈ વેદના હતી એ ઓળખવાનું અમારું તે ગજું હતું ?! હું સતત એની સાથે વાતો કરતી,

“ચલો પાઉડર લગાઈ દઉં,ચલો છીલો બની દઉં..ચલો…”

હું જે દિશામાં જાઉં એ દિશામાં એ જોયાં કરતો.એ ચાલી નહોતો શકતો.એ ભસી નહોતો શકતો.એની આવી લાચાર આંખના આંસુ અને મુંગી વાચા આજે પણ મારા મનને હલાવી નાખે છે.આવો બિંગો તો નસીબદારને જ મળે.એને કોઈ ‘કુતરો’ કહે તો મને ઘા વાગતો.

હલક ના રૂમમાં જ એ રોજ સુતો.હવે તો એને તેડીને ઉપર રૂમમાં લઇ જવો પડતો.હલક એને ઉપાડીને લઈ જતી.એક રાત્રે,ઉપર લઇ ગઈ,અને અચાનક એક વાગે હલકે મને ઉઠાડી,’મમ્મી  તુ ઉપર ચલ ને જો, બીન્ગોને શું થઇ ગયું?’મેં ઉપર જઈને જોયું,

હે રામ!  શાંતિથી નિર્જીવ બિંગો પડ્યો હતો.અને એ અમને છોડીને ચાલ્યો ગયો….

અમે ઘીનો દીવો કર્યો, ગીતાજીનો પંદરમાં અધ્યાયનો પાઠ કર્યો.અને નવી ચોખ્ખી ચાદરમાં લપેટી,કારમાં સુવડાવી,નર્મદાકિનારે એને વિદાય આપી.ત્યારથી તે આજ સુધી એ ક્યારેય ભૂલાયો નથી.

આપણે એમને આપણા રમકડા માનીએ,પણ આવા જીવ ભલે થોડાક સમય માટે આવીને આપણને ‘રમાડી’જાય છે.

 

ટૅગ્સ:

મને કેમ વીસરે?!

હું  ભરુચ રહું છું.મારા પતિ ભરૂચની જી.એન.એફ.સી.કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર હતા.હવે તો રીટાયર છે પણ વાત એ સમય ની છે.હું અમદાવાદ માં જ્યારે ભણતી ત્યારે ત્યાં શ્રી રાસબિહારી દેસાઈ પાસે સુગમ સંગીતનું શિક્ષણ લીધું અને ભરૂચમાં શ્રીમતી સુધાબેન માથુરકે જેઓ   પંડિત વી.જી.જોગ સાહેબના પટ્ટ શીષ્ય હતા,તેમની પાસે શાસ્ત્રીય ગાયનનું શિક્ષણ લીધું.તે સમયે જી.એન.એફ.સી.ની સ્કુલમાંસાંજના સમયે સ્કુલ છૂટ્યા પછીએક કલાક સંગીતના ક્લાસમાં હું બાળકોને સંગીત શીખવાડતી.એમાં બૃહદ ગુજરાત સંગીત સમિતિમાંચાલતી  પરીક્ષાઓ પણ અપાવતી અને સુગમ ગીતો એટલે કે,શૌર્ય ગીતો,સમૂહ ગીતો,ભજનો,પ્રાર્થનાઓ શીખવતી.

મારી રીત એવી હતી કે,તરત જ બાળકોને ગવડાવવા નહિ માંડવાનું ,પહેલા હું જે શીખવવાનું હોય તેબ્લેકબોર્ડ પર લખું,પછી ;એ લોકો નોટમાં ઉતારે કારણ કે ઈંગ્લીશ મીડીયમમાં ભણતા બાળકોને ગુજરાતી લખવામાં જોડણીની ભૂલ ન થાય તે માટે આમ કરતી.લખાઈ ગયા બાદ જો ‘મીરાબાઈ કે નરસિહ મહેતા’નું  પદ કે ભજન હોય તો એ સંત કવિઓ વિષે થોડુંક કહેતી,અને ત્યારબાદ ગીત નો ભાવાર્થસમજાવતી,કારણ કે ગીતનો ભાવ સમજ્યા વગર ગાવામાં ‘જન’ નથી આવતો ,એવું હું બાળકોને સમજાવતી.

આ જ રીતે એક દિવસ,’ભૂલો ભલે બીજું બધું, માં-બાપને ભૂલશો નહિ’ એ ગીત લીધું.મારી રીત મુજબ લખાવ્યું,સમજાવ્યું અને પહેલા મેં ગાયું.હું મારા ધ્યાનમાં જ હતી, પણ આ ગીત ગાઈને જયારે મેં ઊંચું જોયું ત્યારે…!તમામ બાળકોની આખોમાંથી ચોધારે ચાલ્યા જાય છે..આ શું?!

તો આ ગાયન  નો પ્રતાપ નહિ પણ મારા બાળકોની ભાવાર્થ આત્મસાત કરવાની આવડતનો પ્રતાપ હતો.

આ પ્રસંગ કઈ રીતે વીસરે ?

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: