RSS

Tag Archives: મને જેમાંથી પ્રેરણા મળી.

માનો યા ન માનો.(પણ વાત સાચી છે.)

potter

 

 

 

 

 

 

 

તમે ચમત્કાર માં માનો છો ? હું પણ…. આમ છતાં કોઈકની શ્રધ્ધા નું બળ અથવા વ્યક્તિનું આત્મબળ ન માની શકાય એવું કૈક કરી જાય છે.સાવ સામાન્ય માણસની આ વાત છે,કોણ કેવી રીતે ઘડાતો હોય છે અને કોણ એને ઘડતો હોય છે?આ બે સવાલ અને તેના જવાબ મને આ એક પ્રસંગ થી મળ્યા જે તમારી આગળ….

મારા ઘરમાં એક છોકરી કામ કરતી હતી,હવે તો એના લગ્ન થઇ ગયા,પણ એ છોકરી એની દાદી સાથે આવતી.હવે કિશોર વયમાં બુટ્ટી માળા બંગડી પહેરવાના શોખ હોય.તેથી એક દિવસ ચાંદીના ઝાંઝર પહેરીને આવી, હવે છમ છમ છમ અવાજ મને પહેલેથી જરાય પસંદ નહિ.મેં પોતે કોઈ દિવસ ઘુઘરી વાળા ઝાંઝર પહેર્યા ય નથી અને મારી દીકરીઓને પણ અવાજ થાય એવા પહેરવા નથી દીધા.ખબર નહિ કેમ પણ ઘુઘરીઓનો અવાજ મને બહુ ડીસ્ટર્બ કરે.તો મેં બે દિવસ રાહ જોઈ કે આ છોકરી કદાચ કાલથી નહિ પહેરી આવે, પણ એવું કાઈ બન્યું નહિ એટલે મેં એને સમજાવ્યું કે કામ કરવા જઈએ ત્યારે આવા દાગીના પહેરીને ન જવાય.એટલે ડરના માર્યા એણે એક બીજો રસ્તો અપનાવ્યો.

તે એ કે, ઘરેથી ઝાંઝર પહેરીને આવે,અને અમારા કમ્પાઉન્ડમાંએક ગોખલા જેવું છે એમાં છુપાવી દે અને આ વાતની મને જરાય ખબર નહિ.હવે એકાદ બે દિવસમાં મારે પસ્તી આપવાની થઇ હોવાથી એક પસ્તી વાળા વર-વહુ જતા હતા તેમને બોલાવ્યા એ માણસ કાઈ નિયમિત રીતે અમારી સોસાઈટીમાં આવતો નહિ.પણ મેં બોલાવ્યો.અને પાછળ પસ્તી રાખી છે તે લઇ લે અને અહિયાં વજન કર એમ કરી મેં એને પાછળ મોકલ્યો.આ દાદી-પૌત્રી ઘરની અંદર હતા.પસ્તીવાળાનું કામ પત્યું, અને તે ચાલ્યો ગયો.

હજી દસેક મિનીટ થઇ ત્યાં દાદી બુમો પાડતી મારી પાસે આવી,અને કહે કે,આ છોકરીના ઝાઝરાં ચોરાઈ ગયા, હેં?!એ ક્યાં પહેર્યા હતા ?પછી બધું રહસ્ય ખુલ્યું ને એક છોકરાને મેં કહ્યું કે,”હજી એ પસ્તીવાળો બહુ દુર નહિ ગયો હોય તું સ્કુટર લઈને જા,” એ બધે ફરી વળ્યો પણ કોઈ મળે?!છોકરી ને દાદી રડે કે બેન બે હજારના ઝાઝરાં…..હુંય શું બોલું?રોજ સવારે પસ્તીવાળા ની રાહ જોઇને બહાર બેસું.કોઈ ન દેખાય.ચાર-પાંચ દિવસ પછી એ જ માણસ નીકળ્યો,પણ તેની વહુ ન હતી સાથે.મેં જોરથી બુમ પાડીને એને બોલાવ્યો.

એ આવ્યો અને મેં ઝડી વરસાવી,”તે દિવસે તું ને તારી વહુ આવ્યા હતા તે પાછળ ગોખલામાં થી ગરીબ માણસના ઝાંઝર ચોરતાં શરમ ન આવી,કોઈનું લઈને પાછા આરામથી જાણે કઈ જ બન્યું ન હોય તેમ બધે ફરો છો? તમે ય ગરીબ છો અને આ બિચારા મહેનત કરીને ખાનારનું ચોર્યું છે તે તમને કોઈ કાળે પચશે નહિ…” એ તો શિયાવિયા થઇ ગયો,માફી માગવા માંડ્યો અને કહે કે હું હમણાં જ અડધા કલાકમાં જ આપી જાઉં છું.મને જરાય વિશ્વાસ ન બેઠો,પણ અડધા કલાકે સાચે જ તે આવ્યો અને મને જે કહ્યું તે,

“બા,આ વસ્તુ જયારે હું લઈને જતો હતો ત્યારે જાણે મારી પાછળ કોઈ દોડતું હોય અને મને ખેંચતું હોય એવું લાગ્યું અને હું બહુ જ ડરી ગયો  બે ત્રણ રાત હું ઊંઘી ન શક્યો.અને મેં ઝાંઝર પાછા આપવાનું નક્કી કર્યું જ હતું પણ તમે મને જે કહ્યું ને તેથી મને બહુ પસ્તાવો થયો તે બા આ લો ઝાઝરાં પાછા,હવે કદી આવું કામ નહિ કરું.પણ મને સોસાઈટી માં આવતો બંધ ન કરાવતા.”

તે ‘દિ થી છોકરી ઝાંઝર ભૂલી ગઈ અને પેલો માણસ ચોરી કરવાનું ભૂલી ગયો. ત્યારથી હું એ જ માણસને હમેશા પસ્તી આપું છું.

Advertisements
 

ટૅગ્સ:

લાલિયો ને મોતિયો.

lalio1

લાલિયો ગધેડો અને મોતિયો કુતરો………બસ ચાલ્યા જાય છે …..  પોતાના વાંસા પર રોટલા નું પોટલું અને પાણીની મશક લઈને …..

કચ્છના રણની કાંધ ઉપર.

કોઈ વાટ ભૂલેલા, રણમાં દિવસો થી ફસાયેલા ભૂખ્યા તરસ્યા વટેમાર્ગુઓ ને બટકું રોટલો અને પાણી પહોચાડવા,

સવારથી  બંને નીકળી પડે છે.જેવા કોઈ માર્ગ ભૂલેલો દેખાય કે તરત પહોંચી જાય તેમની નજીક અને ઉભા રહે.વટેમાર્ગુ સંતોષ પામીને આગળ વધે પોતાના સાચા મારગે પહોંચવા…

આ કથા જેવું લાગે છે ને ?

પણ કથા નથી,હકીકત છે.સાચી બનેલી , કોઈએ નજરે જોયેલી,મેં કાનોકાન સાંભળેલી કચ્છમાં આવેલી મેકરણ દાદાની  ધોરંગનાથ ની જગ્યા ની આ વાત છે.

કઈ કેટલાંય સામાન્ય માણસો આવી  અસામાન્ય સેવા અવિરત કર્યા જ કરતા હોય છે.બસ!પ્રેરણા ઝીલવા માટે દ્રષ્ટિ કેળવવાની જરૂર હોય છે.

 

ટૅગ્સ:

કવિતા દ્વારા બોધ -(દલપતરામ)ભાગ-૧.

 

Dalpatram Frontside

મારા હાથમાં એક મિત્રે સસ્તા સાહિત્ય કાર્યાલયનું એક પુસ્તક વાંચવા આપ્યું.તેમાં આપણે જુના વખતમાં હોપ ની

વાચનમાળા”બીજી ચોપડી’માં પ્રગટ થયેલાં કેટલાંક બોધ કવિતા રુપે ભણતા,અને  જે એકદમ સરળતાથી બાળકોના મનમાં બેસી જતાં એવાં કેટલીક  બોધ કવિતાઓ આજે પણ મને યાદ છે.જેમાં પશુ,પક્ષી,કુદરત કે મનુષ્ય વગેરેની લાક્ષણિકતા બતાવતી વાત છે.અને આ કવિતાઓ માંથી મોટે ભાગે કવિ દલપતરામની લખાયેલી છે.તો જોઈએ એમની કેટલીક કવિતાઓ;

ચોપડી વિષે

સારી ચોપડીઓ શોભાય, હૈયું તે દેખી હરખાય,

પણ વિગતથી જો તે વંચાય,તો તેમાંથી કારજ થાય.

જીવ ઘાલીને વાંચે જેમ,તેમાં સમજણ આવે તેમ,

વાંચે પણ નહિ કરે વિચાર,તે સમજે નહી સઘળો સાર.

આમ પુસ્તકનું શુ મહત્વ હોય છે?અને ભણતરનું શુ મહત્વ હોય છે તે આ ચર જ પંક્તિમાં સુપેરે સમજાવ્યું છે.આ શબ્દો એવા મોઢે થઇ જતાં કે,છપાઈ જતાં.અને એનો પાયો બહુ મજબુત નંખાઈ જતો.

તે જ રીતે વરસાદ વિષે;

આવ રે વરસાદ,ઘેબરિયો પરસાદ,

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક,

આવ રે વરસાદ નેવલે પાણી,

નઠારી છોકરીને દેડકે તાણી.

હવે આમાં,વરસાદને આમંત્રણ અપાય છે. જેમાં એણે પ્રસાદની લાલચ જેમ એક બાળકને આપીએ તેમ જ અપાઈ છે.એટલે કુદરત આપણી સાથે આપણા સગાં જેટલી જ વણાઈ ગઈ છે એમ દર્શાવ્યું છે.ટપકતાં ને જો બાળક નઠારું એટલેકે,જીદ કરે તો દેડકો તાણી જાય,એવી સાવ હળવી બીક બતાવાય છે જેથી બહુ ડરે પણ નહિ,અને ડાહ્યું પણ બને.આવી તાકાત આટલા ઓછા શબ્દોમાં હતી.

 હજી આપણે આગળ ઉપર બીજા દ્રષ્ટાંતો પણ જોઈશું.(વધુ આવતા અંકે)

 

ટૅગ્સ:

પ્રેરક પ્રસંગો.

 એક ડોશી મા હતાં.ખુબ ગરીબ, પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ,એટલે સાંધી સુંધીને કપડાં પહેરે.એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં.એક તો ઉંમર અને તેમાં આંખે દેખાય પણ ઓછું.એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે.પાછું રાત અને ઘરમાં કાંઈ ગરીબ ના ઘરમાં તેલના દીવા કે ફાનસ હોય ?! એક તો બરાબર દેખાય નહિ,તેમાં પાછી માજી ની સોય પડી ગઈ.સોય એક તો ઝીણી ,પાછું અંધારું,વળી આંખમાં ઝાંખું.!તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું !આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં.રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું,”માડી, તમે શુ શોધો છો?”

માજી કહે કે,”ભઈલા,મારી સોય પડી ગઈ છે તે ગોતું છું.”

માણસે પૂછ્યું કે,”માડી તમારી સોય પડી છે ક્યાં?”

એટલે માજીએ જવાબ આપ્યો કે,”બેટા,મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.”

નવાઈ પામી માણસે કહ્યું કે,”માંડી,તો પછી અંદર કેમ નથી શોધતા?”

માજીએ કહ્યું કે,”બેટા,પણ અહી બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.”

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા,પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ ક્યાંક છીએ.!

જ્યાં ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે,

અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.

 

ટૅગ્સ:

પ્રેરક પ્રસંગ.(કાનજી રવજી)

નાના એવા શહેરના મુખ્ય રસ્તા ઉપર એક કાર પુરપાટ પસાર થતી હતી,તેને એક મોટર-સાઈકલવાળા પોલીસે પકડી.કાર ડ્રાઈવરના નામ-સરનામું આ પોલીસ મેન નોધવા માંડ્યો. એટલે કારવાળા ભાઈ તો ગુસ્સે થઇ ગયા,અને પોલીસને કહ્યું કે,

‘તમે જાણો છો કે આ ગામના મેયર મારા મિત્ર છે?’

કાઈ પણ બોલ્યા વગર પોલીસ નોધે છે,એટલે કારવાળા કહે કે,”આ ગામના પોલીસ ઉપરી પણ મને ઓળખે છે,તે તમે જાણો છો ? તો ય પોલીસ એનું નોધવાનું કામ કરે જાય છે….એટલે હવે કારવાળાનો મિજાજ છટકવા માંડ્યો,અને ખુબ ગુસ્સે થઇ તેણે કહ્યું કે,

“ભાઈ , હુ તમારા ગામના મેજીસ્ટ્રેટને પણ સારી રીતે ઓળખું છું તે તમને ખબર છે?”

હવે પોતાની નોધ પૂરી કરીને,ડાયરી બંધ કરતાં પોલીસે શાંતિથી પેલા ભાઈને પૂછ્યું કે,

“તમે કાનજી રવજીને ઓળખો છો?” તો કાર ડ્રાઈવરે કહ્યું કે,”ના”

“ત્યારે ખરી જરૂર તો તમારે એમની ઓળખાણ ની હતી,અને એ કાનજી રવજી હુ છું.” એમ કહી મોટરસાઈકલ પર ચડીને નીકળી ગયો.

 

ટૅગ્સ:

પ્રેરક પ્રસંગ -(હું જ ભગવાન)


એક  બહેન મંદિરના બારણે  ઉભી  ઊભી રોતી હતી,કારણ શું ? તો કે એને મંદિરમાં જવા દેવામાં ન આવી .એને બારણે જ રોકી પાડી.એટલામાં ચુપચાપ એક માણસ ,એની બાજુમાં આવીને ઉભો રહ્યો,કોણ જાણે ક્યાંથી અચાનક તે આવી ચડ્યો. મંદિરમાં જોર શોરથી પૂજાપાઠ ચાલે અને અહી બહાર આ સ્ત્રીનું રુદન ચાલે.આ બહેનને રોતી જોઈને પેલામાણસે   પૂછ્યું કે,

“બહેન,તું કેમ રડે છે ?” ડુસકા ભરતાં ભરતાં બહેને કહ્યું કે,”મને મંદિરમાં જવા નથી દેતા.અહી જ મને રોકી દીધી છે અને મારે ભગવાનના દર્શન કરવા છે.”ત્યારે પેલા ભાઈએ કહ્યું કે,”બહેન તું એકલી જ નથી જેને બહાર ઉભી રાખી છે,! એમ તો મને પણ અંદર જવા નથી દેતા.”ત્યારે બહેને પૂછ્યું કે,”પણ તમે છો કોણ ?”પેલા માણસે જવાબ આપ્યો કે,

“હુ એ જ છું જેને ગર્ભગૃહમાં કેદ કરી રાખ્યો છે! હુ એ જ ભગવાન છું કે જેને આ લોકોએ બહાર કાઢી મુક્યો છે અને પોતે માને છે કે અમે તો અંદર પૂજા કરીએ છીએ.!”

ખરી પૂજા કર્મ – કાંડમાં નહિ,પણ ધર્મની સમાનતામાં છે.

 

ટૅગ્સ:

સુવાક્યો.

 

 

 

૧.અમર પાલનપુરી.

બુદ્ધિને પણ વહેમ થયો છે,

હુ જાણું છું કેમ થયો છે ?

કહું ?કોઈને ના કહેશો,

પહેલી નજરે પ્રેમ થયો છે…..                                                               –

૨.’બેફામ’

નથી મળવાની ખુશી સંપત્તિમાં ,

આ મોજાંઓ રડીને કહે છે જગતને,

ભીતરમાં તો મોતી ભર્યાં છે છતાંયે ,

સમંદરના ખારા જીવન થઇ ગયા છે….

૩.હરિશ્ચંદ્ર ભટ્ટ.

માર્ગનો હુ જાણનાર ,આંગણે ભૂલો પડ્યો,

પ્રશ્ન પૂછતાં મને જ હુ પ્રશ્નરૂપ થઇ પડ્યો…….

૪. સુરેશ દલાલ.

એક આંસુ આવ્યું અને લાગણીઓ એકાએક સ્વચ્છ થઈ ગઈ.

૫.સુરેશ દલાલ.

સપનામાં જયારે મૃત્યુ પામેલી માં આવી ,

ત્યારે  હુ જાગી ગયો.

હુ મને પૂછતો રહ્યો,કે માં મને લેવા આવી હતી ?

કે મારા ખબર અંતર પૂછવા ?!

૬.સુરેશ દલાલ.

હાર-જીતની ભાષાથી ,હુ થાકી ગયો છું,

ને રમતમાં તો કોઈને ય રસ નથી.

૭.ગાંધીજી.

  જીભ ને એટલી તેજ ન ચલાવો કે,એ આપના મનથી પણ આગળ નીકળી જાય

  મને કોઈ પસ્તાવો નથી ,કારણ કે મેં ક્યારેય કોઈનું બુરું કર્યું નથી.                     –

૮. ઈશ્વર ચોક્ખા હાથ જુવે છે ,ભરેલા નહિ.     -સાયરસ

૯. દરેકની ટીકા સાંભળી લો,પણ પોતાનો ફેસલો ગુપ્ત રાખો.-શેક્સપીયર.

૧૦. કાકા સાહેબ

જાગૃત અવસ્થાનો થાક દુર કરવા જેમ આપણે સારી પેઠે ઊંઘવું જોઈએ તેમ લાંબું જીવ્યા બાદ ઉત્સાહથી મરણનું સ્વાગત કરવું જોઈએ.

૧૧. ઉંમર થાય એટલે આંખ નબળી પડે,દ્રષ્ટિ ઝાંખી થાય,પણ જીવન ની દ્રષ્ટિ તેજ જ રાખો..

૧૨.તમે તમારી ગતિ(સ્પીડ) એટલી  ન  વધારો કે,તમને રોકવા કોઈએ પથ્થર મારવો પડે.

આ બંને વાક્યો મેં પૂજ્ય મોરારીબાપુની કથામાં સાંભળ્યા હતા.મને ગમ્યાં.

 

ટૅગ્સ:

 
પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

વિચારનો પ્રચાર

"મહત્વાકાંક્ષા વિનાનો માણસ મૃત સમાન છે."

મારી બારી

દીપક ધોળકિયા

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્ર પુકાર

ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

Booksonclick.com

અડધો ગ્લાસ ભરેલો જોવો

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

arvindadalja.wordpress.com/

My little different Thoughts

ડૉ. સુધીર શાહ Dr. Sudhir Shah

સમય + સમજ + સંજોગ = સંતોષ Time + Understanding + Situation = Satisfaction

planetJV

colorful cosmos of chaos

"મધુવન"

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

પાર્થેનીયમ

મારા શબ્દ..મારી વ્યથા.. મારી કવિતા..

%d bloggers like this: